Explainer: ભારત-કેનેડાના સંબંધ વણસવાથી કયા દેશને વધુ નુકસાન થશે, ભારતમાંથી કેનેડા કેવી રીતે કમાણી કરે છે?
India-Canada Conflict : તાજેતરમાં ભારત અને કેનેડા વચ્ચે તૂ-તૂ-મૈં-મૈં જામી છે. બન્ને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો ભૂતકાળમાં ક્યારેય નહોતા એટલા ખરાબ થઈ ગયા છે. તે એટલે સુધી કે ભારતે સોમવારે તેના હાઇ કમિશ્નર અને અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને કેનેડાથી પાછા ખેંચવાની જાહેરાત કરી દીધી હતી, અને સાથોસાથ કેનેડાના ભારતમાં કાર્યરત છ અધિકારીઓને 19 ઑક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાનું ફરમાન કર્યું છે. આવી સ્થિતિમાં એવો પ્રશ્ન થાય છે કે, રાજદ્વારી સંબંધોમાં આવેલી ખટાશથી બન્ને દેશ વચ્ચેના વ્યાપારી સંબંધો પર કેવી અને કેટલી અસર પડશે?
કયા કારણે સંબંધો બગડ્યા?
ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો સપ્ટેમ્બર 2023થી બગડવાના શરુ થયા હતા. એ સમયે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ મૂક્યો હતો કે, ભારત સરકારના ‘એજન્ટો’ કેનેડિયન નાગરિક અને શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે જવાબદાર હોઈ શકે છે. ભારતીય હાઇ કમિશ્નર સંજય વર્મા અને અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને આધાર વિના ‘ટાર્ગેટ’ કરવાના કેનેડાના આ પગલાંને ભારતે વખોડી કાઢ્યું હતું અને આક્ષેપને પાયાવિહોણા ગણાવીને કેનેડા પાસે પાકી સાબિતીઓ માંગી હતી. એ પછી પણ કેનેડિયન વડાપ્રધાને છાશવારે ભારત વિરોધી નિવેદનો આપ્યા કરતાં છેવટે તાજેતરમાં ભારતે કેનેડાના રાજદ્વારીઓની હકાલપટ્ટી કરવાનું આકરું પગલું ભરવું પડ્યું છે.
બન્ને દેશો વચ્ચે કેવો વ્યાપાર છે?
વર્ષ 2023માં ભારતે દુનિયાભરના તમામ દેશોમાંથી અંદાજે 125 બિલિયન અમેરિકન ડૉલર્સની કમાણી કરી હતી. વ્યાપાર થકી ભારતને સૌથી વધુ કમાણી કરાવનારા ટોચના દસ દેશોમાં કેનેડાનો પણ સમાવેશ થાય છે. ભારતમાંથી કેનેડા નિકાસ થતી ચીજવસ્તુઓમાંથી તો ભારતને તગડી આવક થાય જ છે. એ ઉપરાંત કેનેડામાં વસી ગયેલો ભારતીય સમુદાય પણ ત્યાંની એમની બચત ભારત મોકલતો રહે છે. કેનેડાવાસી ભારતીયો તરફથી ભારત આવતી આવકનો પ્રવાહ નિયમિત અને સુનિશ્ચિત હોય છે.
ભારત આ ઉત્પાદનો કેનેડામાં નિકાસ કરે છે
ભારતથી કેનેડા નિકાસ પામતી ચીજોમાં મુખ્યત્વે દવાઓ, રત્નો અને દાગીના, મોટર વાહનો તથા એના પાર્ટ્સ અને એસેસરીઝનો સમાવેશ થાય છે. 2022ના નિકાસ આંકડા કહે છે કે એ વર્ષે ભારતે કેનેડામાં 5.37 બિલિયન અમેરિકન ડૉલર્સની નિકાસ કરી હતી, જેમાં 406 મિલિયન ડૉલર્સની દવાઓ, 177 મિલિયન ડૉલર્સના રત્નો અને દાગીના, અને 180 મિલિયન ડૉલર્સના મોટર વાહનો તથા એના પાર્ટ્સ અને એસેસરીઝ હતાં. છેલ્લા 5 વર્ષોમાં કેનેડામાં ભારતની નિકાસ વાર્ષિક 14 ટકાના દરે વધી છે.
વ્યાપારમાં કયા દેશને ફાયદો વધારે?
વૈશ્વિક વેપાર સંશોધન પહેલ (Global Trade Research Initiative - GTRI)નો અહેવાલ દર્શાવે છે કે, ભારત અને કેનેડા વચ્ચે વર્ષ 2022-23માં 8.3 બિલિયન ડૉલર્સનો વ્યાપાર થયો હતો જે 2023-24માં વધીને 8.4 બિલિયન ડૉલર્સ થઈ ગયો છે. 2023-24માં કેનેડામાંથી ભારતની આયાત વધીને 4.6 બિલિયન ડૉલર્સ થઈ, જ્યારે નિકાસ સહેજ ઘટીને 3.8 બિલિયન ડૉલર્સ થઈ છે. આમ, બન્ને દેશ વચ્ચેના વ્યાપારમાં કેનેડા દેખીતી રીતે વધુ કમાય છે.
આ પણ વાંચો : આતંકવાદીઓને આશ્રય, ભારત વિરુદ્ધ ષડયંત્ર, જાણો કેવી રીતે કેનેડા બન્યું 'નવું પાકિસ્તાન'
ભારતમાં કેનેડાનું તગડું રોકાણ
નેશનલ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન એજન્સી (ઇન્વેસ્ટ ઇન્ડિયા) કહે છે કે, ભારતમાં રોકાણ કરતાં દેશોના લિસ્ટમાં કેનેડા 18મા ક્રમે છે. એપ્રિલ 2000થી જૂન 2024 સુધીમાં ભારતે કેનેડામાંથી 4 બિલિયન ડૉલર્સનું FDI મેળવ્યું છે. આ રોકાણ ભારતમાં થયેલ કુલ વિદેશી સીધા રોકાણ (FDI) ના 0.5 ટકા જેટલું થાય છે. આ રોકાણના 41 ટકા ‘સેવાઓ’ અને ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર’માં ઇન્વેસ્ટ થયેલું છે.
કેનેડાની ‘ભારતીય કમાણી’નો મોટો સ્ત્રોત છે વિદ્યાર્થીઓ
ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે. કેનેડામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ પૈકીના લગભગ 40 ટકા વિદ્યાર્થીઓ તો ભારતના જ છે. હાલમાં આ આંકડો 4,27,000 વિદ્યાર્થીઓનો છે.
ભારતથી કેનેડામાં સ્થળાંતર પણ વધ્યું
ભારતીયોને વિદેશમાં વસી જવાનું ઘેલું લાગ્યું છે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી (NFAP) ના ડેટા અનુસાર કેનેડામાં સ્થળાંતર કરનારા ભારતીયોની સંખ્યા 2013માં 32,828 હતી, જે 2023માં વધીને 1,39,715 થઈ ગઈ છે. આમ આ ક્ષેત્રે 326 ટકાનો વધારો જોવા મળ્યો છે. મહેનતકશ ભારતીય પ્રજા પોતાની ટેલેન્ટ અને શ્રમ થકી કેનેડાના અર્થચક્રમાં સારું એવું ઈંધણ પૂરવાનું કામ કરે છે.
FTA ખોરંભે ચડ્યું
છેલ્લા થોડા વર્ષોમાં ભારત ઘણાં દેશો સાથે મુક્ત વેપાર કરાર (free trade agreement - FTA) કરતું આવ્યું છે. કેનેડા સાથે પણ આ દિશામાં પ્રયાસ જારી હતા, પણ કેનેડા સાથેના સાથે રાજદ્વારી તણાવને કારણે બન્ને દેશો વચ્ચે FTAનું કામ ખોરંભે ચડી ગયું છે.
વ્યાપાર પર પ્રતિકૂળ અસર નથી પડી, પણ…
FTA માટેની વાટાઘાટો ભલે અટકી ગઈ, પણ આંકડાઓ કહે છે કે, ભારત અને કેનેડા વચ્ચે મહિનાઓથી તણાવ હોવા છતાં બન્ને દેશો વચ્ચેના વ્યાપાર પર એની પ્રતિકૂળ અસર થઈ નથી. આનું કારણ એ પણ છે કે, રાજદ્વારી સંબંધો અલગ વસ્તુ છે. બે દેશ વચ્ચેનો વ્યાપાર ખાનગી-ક્ષેત્રે થતો હોય છે. ભારત અને કેનેડા વચ્ચે આયાત-નિકાસના પ્રવાહને પ્રતિબંધિત કરે એવા નિયમો લાગુ ન હોવાથી વ્યાપાર જૈસે-થે સ્થિતિમાં જળવાઈ રહ્યો છે, પણ…
લાંબા ગાળે નુકસાન થઈ શકે છે
નિષ્ણાતો કહે છે કે, બે દેશ વચ્ચેનો રાજદ્વારી કલેશ આર્થિક સંબંધોને ખાસ જોખમાવતો નથી, પણ જો આવી સ્થિતિ લાંબા સમય સુધી જળવાઈ રહે તો એની પ્રતિકૂળ અસર વ્યાપાર પર પડતી હોય છે ખરી. સંબંધોમાં આવેલી ખટાશને કારણે બન્ને દેશની વિઝા નીતિમાં પરિવર્તન આવે તો ભારતીયો માટે કેનેડા જવું મુશ્કેલ બની શકે એમ છે.