VIDEO: હિંદુઓ પર હુમલા મુદ્દે આક્રોશ: દિલ્હીમાં કેનેડાના હાઇકમિશન બહાર પ્રદર્શન અને તોડફોડ
Delhi Hindu Sikh Unity Protest : કેનેડાના બ્રેમ્પટનમાં ખાલિસ્તાનીઓએ હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યા બાદ ભારતમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને હિંદુ અને શીખ સંગઠનના કાર્યકર્તાઓએ આક્રોશમાં આવી નવી દિલ્હી સ્થિત કેનેડાના હાઈકમિશનર સામે ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. કાર્યકર્તાઓનો રોષ જોઈ ચાણક્યપુરી સ્થિતિ કેનેડીયન હાઈકમિશન સામે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી બેરીકેડ્સ લગાવી દેવાયા છે.
પોલીસ બેરિકેડ્સ પાડવાનો પ્રયાસ
દેખાવો દરમિયાન હિંદુ શીખ ગ્લોબલ ફોરમના કાર્યકર્તાઓ કેનેડાના હાઈકમિશન તરફ કૂચ કરી રહ્યા હતા, ત્યારે પોલીસ બેરિકેડ્સ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દેખાવકારો ‘હિંદુ અને શિખ એક છે’ અને ‘ભારત મંદિરોનું અપમાન સહન નહીં કરે’ જેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
બ્રેમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા બાદ આક્રોષ
ઉલ્લેખનીય છે કે, કેનેડાના બ્રેમ્પટનમાં ચોથી નવેમ્બરના રોજ ખાલિસ્તાની સમર્થકોએ હિંદુ સભા મંદિર બહાર દેખાવોની સાથે હિંદુ ભક્તો પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ભારત સહિત વિશ્વભરમાં કેનેડીયન સરકારની ટીકા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કડક શબ્દોમાં ટીકા કરી કહ્યું હતું કે, ‘જાણી જોઈને હુમલો’ અને ‘ભારતીય રાજદ્વારીઓને ડરાવવાનો પ્રયાસ’ કરવામાં આવ્યો. આ ઘટના બાદ ત્યાંના હિંદુ-શિખ સમુદાયના લોકોમાં આક્રોષ ફેલાયો છે અને તેઓ ઉગ્ર પ્રદર્શનો કરી રહ્યા છે. આ ઉપરાંત મિસિસાગામાં પણ દેખાવો થઈ રહ્યા છે.
કેનેડાની પોલીસે ચાર લોકોની ધરપકડ કરી
આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા બાદ કેનેડા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે હિંસા સાથે જોડાયેલા ચાર લોકોને પકડી પાડ્યા છે. આમાંથી એક ઈન્દરજીત ગોસલનો સમાવેશ થાય છે અને તે શિખ્સ ફૉર જસ્ટિસ (SFJ) સંગઠનનો પ્રમુખ ઓપરેટિવ હોવાનું મનાય છે. ભારતમાં આ સંગઠન પર પ્રતિબંધ લગાવાયો છે. ગોસલે પર હથિયારો સાથે હુમલો કરવાનો આરોપ લગાવાયો છે.