રોજબરોજ વપરાતી આ 10 વસ્તુઓ પાકિસ્તાન પાસેથી ખરીદે છે ભારત
નવી દિલ્હી, તા. 09 જાન્યુઆરી 2023 સોમવાર
પાકિસ્તાન આર્થિક રીતે પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યુ છે. ઘટતી વિદેશી વિનિમય અનામત અને વધતા દેવાએ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને બરબાદીના કગારે લાવીને ઊભુ કર્યુ છે. પાકિસ્તાનમાં વધતી મોંઘવારીના કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 10,000 પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ચૂકી છે. પાકિસ્તાનની સરકાર પણ માની ચૂકી છે કે દેશમાં સ્થિતિ ગંભીર છે. પાકિસ્તાનમાંથી ભારતમાં પણ અમુક વસ્તુ આવે છે. જેમાં તાજા ફળ, સિમેન્ટ અને ચામડાના સામાનનો સમાવેશ થાય છે અને ભારતમાં અત્યારે વસ્તુઓની ડિમાન્ડ પણ ખૂબ છે.
ડ્રાયફ્રૂટ, તરબૂચ અને અન્ય ફળોની આયાત
વર્ષ 2017માં ભારતે પાકિસ્તાનમાંથી 488.5 મિલિયન ડોલરની કિંમતના સામાનની આયાત કરી હતી. જેમાં ડ્રાયફ્રૂટ, તરબૂચ અને અન્ય ફળ હતા. પાકિસ્તાનના તાજા ફળો માટે એક મોટુ માર્કેટ પણ છે. રિપોર્ટ અનુસાર 2017માં ભારતે 89.62 મિલિયન ડોલરના ફળ પાકિસ્તાનમાંથી આયાત કર્યા હતા. પાકિસ્તાનમાંથી આવતા ફળ કાશ્મીરના માર્ગે રાજધાની દિલ્હીના માર્કેટ સુધી પહોંચે છે.
સિમેન્ટ અને સિંધવ મીઠુ
ભારતમાં વેચાતા બિનાની સિમેન્ટનું પ્રોડક્શન પાકિસ્તાનમાં થાય છે. પાકિસ્તાનનું મીઠુ, સલ્ફર, પથ્થર અને ચૂનો પણ ભારતમાં ખૂબ વેચાય છે. વ્રતમાં ઉપયોગ થતુ સિંધવ મીઠુ પાકિસ્તાનમાંથી જ આવે છે. આ સિવાય મુલ્તાની માટી પણ પાકિસ્તાનમાંથી આવે છે જેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે. આ સિવાય આપણા ચશ્મામાં વપરાતા ઓપ્ટિકલ્સ પણ મોટા પ્રમાણમાં પાકિસ્તાનમાંથી આવે છે. અમુક મેડીકલ સામાન પણ ભારત પાડોશી દેશમાંથી મંગાવે છે. ભારત મોટા પ્રમાણમાં પાકિસ્તાનમાંથી ચામડાના સામાનની પણ આયાત કરે છે.
કોટન અને મેટલ કમ્પાઉન્ડ
પાકિસ્તાન ભારતને મોટા પાયે કોટન એક્સપોર્ટ કરે છે. ભારત સ્ટીલ પણ પાકિસ્તાનમાંથી મંગાવે છે અને તાંબુ પણ મોટા પ્રમાણમાં પાડોશી દેશમાંથી આવે છે, ભારતને બિન કાર્બનિક કેમિકલ્સ, મેટલ કમ્પાઉન્ડ પણ પાકિસ્તાન એક્સપોર્ટ કરે છે. ચીનમાંથી બનનારી કન્ફેક્શનરી સંબંધિત પ્રોડક્ટ્સ પણ પાકિસ્તાનમાંથી આવે છે. ભારતમાં લાહોરના કુર્તા, પેશાવરી ચંપલ પણ ખૂબ વેચાય છે.
પાકિસ્તાનમાંથી ભારત આવે છે આ 10 વસ્તુ
ડ્રાયફ્રૂટ, તરબૂચ અને અન્ય ફળ
સિમેન્ટ
સિંધવ મીઠુ
પથ્થર
ચૂનો
ચશ્માના ઓપ્ટિકલ્સ
કોટન
સ્ટીલ
કાર્બનિક કેમિકલ્સ અને મેટલ કમ્પાઉન્ડ
ચામડાનો સામાન
પાકિસ્તાન પર ચારેબાજુથી મુશ્કેલીઓ
દેવામાં ડૂબેલા પાકિસ્તાન પર ચારેબાજુથી મુશ્કેલીઓ ઊભી થઈ છે. એક તરફ તે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે તો બીજી તરફ આંતરિક કંકાસથી પરેશાન છે. દરમિયાન પાકિસ્તાને પોતાને દેવામાંથી ઉગારવા માટે અમેરિકાના વોશિંગ્ટનમાં સ્થિત પોતાના જૂના દૂતાવાસની બિલ્ડિંગને વેચવાનો નિર્ણય કર્યો છે. આ માટે મંજૂરી પણ મળી ગઈ છે. પાકિસ્તાનનું આ દૂતાવાસ છેલ્લા 15 દિવસોથી ખાલી પડ્યુ છે.