ધનખડ વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ: કોંગ્રેસે કહ્યું- અમારી પાસે 70 સાંસદોના હસ્તાક્ષર
No-Confidence Motion Against Dhankhar: વિપક્ષે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. કોંગ્રેસ સમર્થિત I.N.D.I.A ગઠબંધને ધનખડ વિરૂદ્ધ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભેદભાવ કરવાનો આરોપ મૂક્યો છે. તેમજ ચાલુ સેશનમાં વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો દાવો કરતાં અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો છે.
આ અવિશ્વાસના પ્રસ્તાવમાં 70 સાંસદોએ સહમતિ આપી હોવાનું જાણવા મળ્યું છે. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત રાજ્યસભાના ચેરમેન વિરૂદ્ધ કોઈ પક્ષ દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અને સમાજવાદી પાર્ટીના સાંસદોએ બંધારણના આર્ટિકલ 67 (બી) હેઠળ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
આજે ફરી વિપક્ષ અને સત્તાકીય પક્ષ દ્વારા જ્યોર્જ સોરોસ અને અદાણી મુદ્દે હોબાળો મચતાં રાજ્ય સભા અને લોકસભાની કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. ગઈકાલે નવ ડિસેમ્બરે ભાજપે વિપક્ષ નેતા રાહુલ ગાંધી પર આરોપ મૂક્યો હતો કે, ભારતને કથિત રૂપે અસ્થિર બનાવવા રાહુલ ગાંધીએ જ્યોર્જ સોરોસ સાથે હાથ મિલાવ્યા છે. જ્યારે બીજી તરફ વિપક્ષ અદાણી મુદ્દે અમેરિકા દ્વારા મૂકાયેલા આરોપો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવાની માગ થઈ રહી છે.