લોકસભા ચૂંટણીમાં વધુ નવ બેઠક જીતી શકતો હતો I.N.D.I.A. બ્લોક, નાના પક્ષોએ બગાડ્યો ખેલ

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણીમાં વધુ નવ બેઠક જીતી શકતો હતો I.N.D.I.A. બ્લોક, નાના પક્ષોએ બગાડ્યો ખેલ 1 - image


Image Source: Twitter

I.N.D.I.A. Bloc: લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ નેતૃત્વ વાળા I.N.D.I.A. બ્લોકે તમામ એક્ઝિટ પોલને ખોટા સાબિત કરી જોરદાર વાપસી કરી છે. ભલે તે બહુમતના આંકડા સુધી નથી પહોંચી શકી પરંતુ તમામ લોકો વિપક્ષના પ્રદર્શનથી ચોંકી ગયા છે. આંકડા પ્રમાણે લોકસભા ચૂંટણીમાં વધુ નવ બેઠક જીતી શકતો હતો I.N.D.I.A. બ્લોક જ્યાં તે ખૂબ જ ઓછા માર્જિનથી હારી ગયો અને કોઈ ત્રીજી પાર્ટીને સારી સંખ્યામાં મત મળ્યા. આ પાર્ટીઓએ સંભવત: વિપક્ષી ગઠબંધનના મત શેરમાં ઘટાડો કર્યો અને I.N.D.I.A. બ્લોકને હાર તરફ ધકેલી દીધો.

પ્રકાશ આંબેડકરના સાથે આવવાથી ફાયદો થાત

પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળની વંચિત બહુજન અઘાડી (VBA)એ મહારાષ્ટ્રમાં કોઈ બેઠક નથી જીતી પરંતુ ઓછામાં ઓછી ચાર બેઠકો પર તેને ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગીઓને જીતના માર્જિન કરતાં વધુ મત મળ્યા હતા. VBA દ્વારા મળેલા મતોએ અકોલા, બુલઢાણા, હટકનંગલે અને મુંબઈ ઉત્તર-પશ્ચિમમાં કોંગ્રેસ અને તેના સહયોગીઓની સંભાવનાઓને અસર કરી છે.

મુંબઈ ઉત્તર-પશ્ચિમમાં જીત હાંસલ કરનારી શિવસેના અને બીજા નંબર પર રહેલી શિવસેના (ઉદ્ધવ ઠાકરે) વચ્ચે માત્ર 48 મતનું જ અંતર હતું. VBAએ 10,000થી વધુ મત મેળવ્યા હતા જેનાથી I.N.D.I.A. બ્લોકને મદદ મળી શકતી હતી. હટકનંગલેમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના 13,426 મતોથી હારી ગઈ જ્યારે VBAને 32,696 મત મળ્યા હતા.

અકોલામાં કોંગ્રેસ ભાજપથી 40,626 મતોથી હારી ગઈ જ્યારે VBAએ એકલા 2.77 લાખ મત મેળવ્યા હતા. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને તેના સહયોગીઓએ આંબેડકર સાથે અનેક તબક્કામાં વાતચીત કરી હતી પણ તેઓ પોતાની 6 બેઠકોની માગ પર અડગ રહ્યા હતા. 

બસપાએ બગાડ્યો ખેલ

અન્ય ત્રણ બેઠકો રાજસ્થાનમાં જયપુર ગ્રામીણ, છત્તીસગઢમાં કાંકેર અને મધ્ય પ્રદેશમાં મુરૈના પર I.N.D.I.A. બ્લોકની સંભાવનાઓને બહુજન સમાજ પાર્ટીએ પણ પ્રભાવિત કરી. ત્રણેય બેઠકો પર કોંગ્રેસ ભાજપથી હારી ગઈ. જયપુર ગ્રામીણમાં જીતનું અંતર માત્ર 1,615 મતોનું હતું પરંતુ બસપાને 3,850 મત મળ્યા હતા. 

બીજી તરફ કાંકેરમાં જીતનું અંતર 1,884 મતનું રહ્યું જ્યારે બસપાને 11,770 મત મળ્યા. I.N.D.I.A. બ્લોક પાસે સૌથી સારી તક મુરૈનામાં હતી, ત્યાં જીતનું અંતર 52,530 હતું અને બસપાને 1.8 લાખ મત મળ્યા હતા. 

આસામ અને હરિયાણામાં I.N.D.I.A. બ્લોકને થયુ નુકસાન

બાકી બે બેઠકો આસામની કરીમગંજ અને હરિયાણાની કુરુક્ષેત્ર બેઠક હતી. ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે કરીમગંજ બેઠક જીતવાની કોંગ્રેસની તકોને નુકસાન પહોંચાડ્યું હતું. કરીમગંજમાં કોંગ્રેસ ભાજપ સામે 18,360 મતથી હારી ગઈ, જ્યારે AIUDFને 29,205 મત મળ્યા હતા.

જ્યારે કુરુક્ષેત્રમાં ઈન્ડિયન નેશનલ લોકદળના ઉમેદવારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો. સુશીલ ગુપ્તાનો રસ્તો બગાડ્યો હતો, જેઓ ભાજપના ઉમેદવાર નવીન જિંદાલ સામે ચૂંટણી હારી ગયા હતા. જીતનું માર્જિન માત્ર 29,021 મત હતું જ્યારે INLD ઉમેદવારને 78,708 મત મળ્યા હતા.


Google NewsGoogle News