Get The App

પ્રજાસત્તાક દિવસ: પહેલી પરેડમાં 3000 જવાન, 100 વિમાન સામેલ હતા, જાણો કેટલા વાગ્યે ભારત ગણતંત્ર બન્યું હતું

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
પ્રજાસત્તાક દિવસ: પહેલી પરેડમાં 3000 જવાન, 100 વિમાન સામેલ હતા, જાણો કેટલા વાગ્યે ભારત ગણતંત્ર બન્યું હતું 1 - image


76th Republic Day 2025: 26મી જાન્યુઆરી 1950ની સવારે 10 વાગીને 18 મિનિટે ભારત ગણતંત્ર બન્યું હતું. ત્યાર બાદ 6 મિનિટ પછી એટલે કે, 10:24 કલાકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા હતા. તે સમયના ચીફ જસ્ટિસ હીરાલાલ કાનિયાએ તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા. ત્યાર બાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે હિંદી અને અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતું. 

આજના જ દિવસે ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા 1935ના બદલે ભારતનું બંધારણ લાગુ થયું હતું. ભારતનું બંધારણ ઘડવાનું કામ 26મી નવેમ્બર 1949ના રોજ પૂર્ણ થઈ ગયું હતું અને બંધારણ સભાએ તેને મંજૂર પણ કરી દીધું હતું. પરંતુ એવું કહેવાય છે કે, 26મી જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસે પૂર્ણ સ્વરાજનો નારો આપ્યો હતો. તેથી 2 મહિના સુધી રાહ જોઈને 26મી જાન્યુઆરી, 1950ના રોજ દેશના અંતિમ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીએ ભારતીય ગણતંત્રની ઘોષણા કરી હતી. 

આઝાદી પહેલા જ નક્કી થઈ ગયું હતું કે ભારતનું પોતાનું બંધારણ હશે

18મી જુલાઈ 1947ના રોજ બ્રિટિશ સંસદમાં 'ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એક્ટ' પાસ થયો હતો. તેનાથી જ ભારતના ભાગલા પડ્યા અને પાકિસ્તાન બન્યું. આ એક્ટ અંતર્ગત 14મી ઓગષ્ટ 1947ના રોજ પાકિસ્તાને અને 15મી ઓગષ્ટ 1947ના રોજ ભારતે પોતાની આઝાદીની ઘોષણા કરી હતી. જો કે, આઝાદીના એક વર્ષ પહેલા જ નવમી ડિસેમ્બર 1946ના રોજ નક્કી થઈ ગયું હતું કે, ભારતનું પોતાનું બંધારણ હશે. તેના માટે બંધારણ સભા બનાવવામાં આવી હતી. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી ચાલેલી બેઠક બાદ ભારતનું બંધારણ બન્યું હતું. 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ ભારતના બંધારણને મંજૂરી પણ આપી દીધી હતી. 

આ પણ વાંચો: પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમ અલગ-અલગ કેમ છે?


સાંજે નીકળી હતી ગણતંત્ર દિવસની પહેલી પરેડ

હાલ ગણતંત્ર દિવસની પરેડ સવારના સમયે યોજાય છે, પરંતુ પહેલી પરેડ સાંજના સમયે નીકળી હતી. 26મી જાન્યુઆરી 1950ના રોજ બપોરે 2:30 કલાકે રાજેન્દ્ર પ્રસાદ બગીમાં સવાર થઈને રાષ્ટ્રપતિ ભવનથી નીકળ્યા હતા. કનોટ પ્લેસ જેવા વિસ્તારોમાં થઈને તેઓ 3:45 કલાકે નેશનલ સ્ટેડિયમ પહોંચ્યા હતા. તે સમયે નેશનલ સ્ટેડિયમ ઈરવિન સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું. 

રાષ્ટ્રપતિ જે બગીમાં સવાર થયા હતા તે એ સમયે જ 35 વર્ષ જૂની હતી. છ ઓસ્ટ્રેલિયન ઘોડાઓ તે બગીને ખેંચી રહ્યા હતા. પરેડ સ્થળે રાષ્ટ્રપતિને સાંજના સમયે 31 તોપોની સલામી આપવામાં આવી હતી. 1950માં યોજાયેલી પહેલી પરેડમાં જનતાને પણ સામેલ કરવામાં આવી હતી. પહેલી પરેડમાં 3 હજાર જવાનો અને 100 વિમાનો સામેલ થયા હતા. 

આ પણ વાંચો: બંધારણની દૃષ્ટિએ કોઈ VIP નથી કે કોઈ સાધારણ નથી, જાણો ભારતને મજબૂત પ્રજાસત્તાક બનાવતા બંધારણની 75 બાબતો

ગણતંત્ર દિવસ સમારંભમાં મુખ્ય અતિથિને બોલાવવાની પરંપરા પહેલી પરેડથી જ હતી. પહેલા ગણતંત્ર દિવસ સમારંભમાં ઈન્ડોનેશિયાના તે સમયના રાષ્ટ્રપતિ ડો. સુકર્ણો વિશેષ અતિથિ બન્યા હતા. 

1955થી રાજપથ ખાતે પરેડ

શરૂઆતના 5 વર્ષો સુધી ગણતંત્ર દિવસ પરેડની જગ્યા નક્કી નહોતી. વર્ષ 1950થી 1954 સુધી પરેડ કોઈક વખત ઈરવિન સ્ટેડિયમ તો કોઈક વખત લાલ કિલ્લા કે રામલીલા મેદાન ખાતે યોજાતી હતી. વર્ષ 1955માં નક્કી કરવામાં આવ્યું કે, પરેડ રાજપથ ખાતેથી નીકળશે અને લાલ કિલ્લા સુધી જશે. ત્યારથી દર વર્ષે રાજપથ ખાતે પરેડ યોજાય છે. વર્ષ 1955માં લાલ કિલ્લા પર મુશાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

વર્ષ 1955માં પહેલી વખત રાજપથ ખાતે જે પરેડ યોજાઈ હતી તે સમારંભમાં પાકિસ્તાનના ગવર્નર જનરલ મલિક ગુલામ મોહમ્મદ મુખ્ય અતિથિ બન્યા હતા. વર્ષો પસાર થવાની સાથે ગણતંત્ર દિવસની પરેડની ભવ્યતા પણ વધતી ગઈ. એક આરટીઆઈના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, 'વર્ષ 2001ના વર્ષની પરેડમાં 145 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો જ્યારે 2014ના વર્ષની પરેડમાં 320 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો.' 

પ્રજાસત્તાક દિવસ: પહેલી પરેડમાં 3000 જવાન, 100 વિમાન સામેલ હતા, જાણો કેટલા વાગ્યે ભારત ગણતંત્ર બન્યું હતું 2 - image


Google NewsGoogle News