પ્રોટેમ સ્પીકરની નિમણૂંકનો વિવાદ : શું અકબરુદ્દીન ઓવૈસીની નિમણૂંક કોંગ્રેસે કરી? સામે આવ્યું સત્ય

પ્રોટેમ સ્પીકરની નિમણૂંક કરવાનો નિર્ણય રાજ્યપાલનો હોય છે, બી ટીમ ઉઘાડી પડી

વિવાદ પર કોંગ્રેસનો ભાજપને જડબાતોડ જવાબ

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
પ્રોટેમ સ્પીકરની નિમણૂંકનો વિવાદ : શું અકબરુદ્દીન ઓવૈસીની નિમણૂંક કોંગ્રેસે કરી? સામે આવ્યું સત્ય 1 - image

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ તેલંગાણા અને મિઝોરમમાં સીએમ અને મંત્રીઓએ શપથ લઇ લીધા છે. જ્યારે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના નામને લઈને હજુ  ભાજપ માટે કોયડો ગુંચવાયેલો જ છે. આ દરમિયાન તેલંગાણામાં એક નવો વિવાદ ઉભો થયો છે. ખરેખર તો AIMIM ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને તેલંગાણા વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે, જેની સામે ભાજપે વિરોધ કર્યો હતો અને પાર્ટીના ધારાસભ્યોએ શપથ ગ્રહણનો બહિષ્કાર કર્યો હતો.

ભાજપના ધારાસભ્ય રાજા સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું, 'આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. રેવંત રેડ્ડી મુખ્યમંત્રી બન્યા બાદ કોંગ્રેસ સરકારનો અસલી ચહેરો સામે આવ્યો છે. રેવંત રેડ્ડી દર વખતે કહેતા હતા કે ભાજપ, AIMIM અને BRS એક જ છે. પરંતુ આજે બધાને ખબર પડી કે કોણ કોના સંપર્કમાં છે.

રાજા સિંહે વધુમાં કહ્યું કે, 'આજે AIMIM ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે. 15 મિનિટમાં 100 કરોડ હિંદુઓને મારવાની વાત કરનાર વ્યક્તિની સામે અમે શપથ નહીં લઈએ. રેવન્ત રેડ્ડીએ લઘુમતીઓ અને AIMIM નેતાઓને ખુશ કરવા માટે આવું કર્યું છે. અમે વિધાનસભામાં શપથવિધિનો બહિષ્કાર કરીશું અને બીજા દિવસે જ્યારે સ્પીકરની પસંદગી થશે ત્યારે અમે તેમની ચેમ્બરમાં જઈને ધારાસભ્ય તરીકે શપથ લઈશું.

આવી સ્થિતિમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે શું કોંગ્રેસ સરકારે અકબરુદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર બનાવ્યા છે? જેમ કે ભાજપના ધારાસભ્ય રાજા સિંહ દાવો કરી રહ્યા છે. તો આ પ્રશ્નનો જવાબ છે- ના. વાસ્તવમાં, પ્રોટેમ સ્પીકરની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે અને આ પદ વિધાનસભામાં એવા ધારાસભ્યને આપવામાં આવે છે જે સૌથી વરિષ્ઠ હોય, એટલે કે સૌથી વધુ વખત ચૂંટાયા બાદ વિધાનસભામાં પહોંચ્યા હોય.

તેલંગાણા વિધાનસભા દ્વારા આ સંદર્ભમાં જારી કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના બંધારણના અનુચ્છેદ 180 ની કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને તેલંગાણાના રાજ્યપાલ, જ્યાં સુધી વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ ન આવે ત્યાં સુધી અકબરુદ્દીનની નિમણૂક કરે છે. ઓવૈસી રાજ્ય વિધાનસભાના સભ્ય હોવાના નાતે વિધાનસભાના અધ્યક્ષની ફરજો નિભાવશે. તેમની સામે, વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો ભારતના બંધારણની કલમ 188 હેઠળ શપથ લેશે.

તમને જણાવી દઈએ કે વિધાનસભામાં પ્રોટેમ સ્પીકરનું પદ અસ્થાયી છે, જેની પહેલાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો શપથ લે છે. વિધાનસભાના અધ્યક્ષની પસંદગી બાદ પ્રોટેમ સ્પીકરની જવાબદારી પણ સમાપ્ત થઈ જાય છે. આ પછી, ગૃહની સમગ્ર કાર્યવાહી વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ આગળ વધે છે.


Google NewsGoogle News