કેનેડિયન નાગરિકોના વિઝા પર રોક, શું ભારતીય વિદ્યાર્થીઓ આવી શકશે પોતાના ઘર? જાણો વિગતે

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
કેનેડિયન નાગરિકોના વિઝા પર રોક, શું ભારતીય વિદ્યાર્થીઓ આવી શકશે પોતાના ઘર? જાણો વિગતે 1 - image


Image Source: Twitter

- ખાલિસ્તાની નેતાની હત્યાનો આરોપ ભારત સરકાર પર લગાવ્યા બાદ કેનેડા સાથેના ભારતના સંબંધો વણસી રહ્યાં છે

નવી દિલ્હી, તા. 21 સપ્ટેમ્બર 2023, ગુરૂવાર

ખાલિસ્તાની નિજ્જર હત્યાકાંડના કારણે ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. ખાલિસ્તાની નેતાની હત્યાનો આરોપ ભારત સરકાર પર લગાવ્યા બાદ કેનેડા સાથેના ભારતના સંબંધો વણસી રહ્યાં છે. કેનેડાએ ભારત પર આ હત્યાકાંડનો આરોપ લગાવ્યા બાદ મોદી સરકારે કડક કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે આજે  ભારતે કેનેડિયન નાગરિકો માટે ભારતીય વિઝા પર રોક લગાવી દીધી છે. એનો અર્થ એ છે કે હાલમાં કોઈપણ કેનેડિયન નાગરિક ભારત આવી શકશે નહીં. આવી સ્થિતિમાં સવાલ એ છે કે જે ભારતીયો કેનેડામાં રહે છે તેઓ શું સરળતાથી પોતાના દેશમાં પરત ફરી શકશે?

કેનેડામાં રહેતા ભારતીયો પર આ રોકની કોઈ અસર નહીં થશે. જે લોકો પાસે કેનેડાની પીઆર છે તેઓ ભારત આવી શકશે. ભારત સરકારે માત્ર કેનેડા માટે નવી વિઝા અરજીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જે ભારતીયો પાસે અગાઉથી જ કેનેડાની પીઆર છે તેઓ ભારતના વીઝા માટે અરજી કરી શકે છે અને તેમને વીઝા આપવામાં આવશે.

ભારત સરકારે કેનેડા માટે વિઝા આપવા પર રોક લગાવવાનો નિર્ણય કેનેડામાં વધી રહેલી ખાલિસ્તાની ગતિવિધિઓના વિરોધમાં લીધો છે. ભારતે કેનેડા પર ખાલિસ્તાની સમર્થકોને સુરક્ષા આપવાનો આરોપ લગાવ્યો હતો. ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે, સરકારનું આ પગલું માત્ર નવી વિઝા અરજીઓ પર લાગુ થાય છે. જે ભારતીયો પાસે પહેલાથી જ કેનેડિયન પીઆર છે તેઓ ભારત આવવા માટે સ્વતંત્ર છે. 

ભારત સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ પગલું માત્ર એક કામચલાઉ ઉપાય છે. જો ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સુધરશે તો ભારત સરકાર કેનેડાને વિઝા આપવા પરની રોક લગાવી શકે છે.

કોના પર પડશે અસર

કેનેડિયન નાગરિકો અને કાયમી રહેવાસીઓ કે જેઓ ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે. સરકારના આ પગલાથી તે નાગરિકો અને કેનેડાના કાયમી રહેવાસીઓને અસર થશે જેઓ ભારતમાં વેકેશન અથવા બિઝનેસ કરવાની યોજના બનાવી રહ્યા છે.

શું કેનેડા અભ્યાસ માટે ગયેલા બાળકો પર અસર પડશે?

કેનેડા માટે વિઝા આપવા પર રોક લગાવવાથી ભારતમાંથી ત્યાં અભ્યાસ કરવા માટે ગયેલા બાળકો સરળતાથી દેશમાં પરત ફરી શકશે. ભારત સરકારે કહ્યું છે કે આ પગલું માત્ર નવી વિઝા અરજીઓ પર લાગુ થશે. જે બાળકો પાસે પહેલાથી જ કેનેડાના વિઝા છે તેઓ કેનેડામાં રહી શકે છે અને તેમનો અભ્યાસ ચાલુ રાખી શકે છે.

કેનેડામાં વધી રહી આતંકી ગતિવિધિઓ

છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં આતંકવાદી ગતિવિધિઓ સતત વધી રહી છે. ખાલિસ્તાની સમર્થક સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. જેના કારણે ભારત અને કેનેડા વચ્ચેના સબંધો વણસી રહ્યા છે. 



Google NewsGoogle News