ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર વધ્યો તણાવ, બાંગ્લાદેશીઓનો BSFના જવાનો પર પથ્થરમારો, એક જવાન ઘાયલ
India-Bangladesh Border Tensions : ભારત-બાંગ્લાદેશ વચ્ચે વણસી રહેલા સંબંધો વચ્ચે બોર્ડર પર પણ તણાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સોમવારે (20 જાન્યુઆરી) કૂચબિહારના નારાયણગંજ બોર્ડર ચોકી પર કેટલાક બાંગ્લાદેશી તસ્કરોએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનો પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં એક જવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઇ છે.
ગેરકાયદે ઘૂસણખોરીનો કર્યો પ્રયાસ
હકિકતમાં, ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર તસ્કરોના એક મોટા જૂથે ભારતીય સીમામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના ભારતીય સહયોગીઓની મદદથી કેટલીક પ્રતિબંધિત વસ્તુઓની તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બોર્ડર પર તહેનાત બીએસએફના જવાનોએ તસ્કરોની ગેરકાયદે ઘૂસણખોરી કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
આ પણ વાંચોઃ 'જો ભારત શેખ હસીનાને પરત નહીં મોકલે તો...', બાંગ્લાદેશની વચગાળાની સરકારની ખુલ્લી ધમકી
સૈનિકોએ આપી હતી ચેતવણી
બીએસએફના જવાનોએ ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા તસ્કરોની તેમની ગેરકાયદે ગતિવિધિઓ બંધ કરવા અને બાંગ્લાદેશના ક્ષેત્રમાં પરત ફરવા ચેતવણી આપી હતી. જોકે, બાંગ્લાદેશી બદમાશોએ જવાનોની અનેક ચેતવણીઓ પછી પણ પોતાની ગેરકાયદે ગતિવિધિઓ અટકાવી નહોતી અને પછી અચાનક જવાનો પર પથ્થરમારો કર્યો હતો.
એક જવાન થયો ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશી બદમાશો તરફથી કરાયેલા પથ્થરમારામાં બીએસેફના એક જવાનના માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી, જે પછી સારવાર માટે તેને તાત્કાલિક ધોરણે બીએસએફના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જવાનને ગંભીર ઇજા પહોંચી હોવા છતાં બીએસએફના સૈનિકોએ અત્યંત શાંતિ અને માનવ જીવન પ્રત્યે સન્માન દર્શાવ્યો હતો અને તસ્કરોને અટકાવવા માટે માત્ર બીન ઘાતક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચોઃ છત્તીસગઢમાં કમાન્ડર જયરામ સહિત 20 નક્સલ ઠાર, તેના માથે એક કરોડનું ઈનામ હતું