20 બદમાશોએ ભારતની સરહદમાં ઘૂસી ભારતીય જવાનનું કર્યું અપહરણ, BGB પર ભડક્યું BSF
India-Bangladesh Border: ભારત-બાંગ્લાદેશ બોર્ડર પરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં 20 જેટલા બાંગ્લાદેશી બદમાશોએ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી સરહદ પર પેટ્રોલિંગ કરતા ભારતીય જવાનનું અપહરણ કર્યું છે. આ ઘટના બાદ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે. જો કે, બીએસએફના વિરોધ બાદ બંને પક્ષો વચ્ચે 'ફ્લેગ મીટિંગ' થઇ હતી જે પછી બીજીબી દ્વારા ભારતીય જવાનને પરત સોંપવામાં આવ્યો હતો.
અપહરણ કરી બીજીબીને સોંપ્યો
નોંધનીય છે કે, જ્યારે ભારતીય સૈનિક પશ્ચિમ બંગાળના દિનાજપુર વિસ્તારમાં બિરલ બોર્ડર પાસે નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે 15થી 20 જેટલા બાંગ્લાદેશી બદમાશો ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા હતા અને બળજબરીથી ભારતીય જવાનનું અપહરણ કર્યું હતું. જે પછી તેઓ સૈનિકને બાંગ્લાદેશ લઈ ગયા હતા અને તેને બીજીબીને સોંપી દીધો હતો.
બીએસએફએ નિવેદન જાહેર કર્યું
બીએસએફએ આ અંગે એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, 'આ ખતરનાક ઘટનાને લઈને, બીએસએફના ઈન્સ્પેક્ટર જનરલ, ઉત્તર બંગાળ ફ્રન્ટિયરે તરત જ બીજીબીના ઉત્તર પશ્ચિમ ઝોનના કમાન્ડરનો સંપર્ક કર્યો અને અપહરણ કરાયેલા જવાનને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી. બીએસએફએ આ તોફાની કૃત્યની નિંદા કરી છે અને બાંગ્લાદેશના બદમાશોની કાર્યવાહી સામે ઔપચારિક વિરોધ નોંધાવ્યો છે.'
આ પણ વાંચોઃ તિરુપતિ લાડુ પ્રસાદના વિવાદ વચ્ચે શ્રધ્ધા અખંડ, ૪ દિવસમાં ૧૪ લાખ લાડુનું વેચાણ
નિવેદનમાં બીએસએફએ કહ્યું કે કે, 'બીએસએફ સરહદ પર શાંતિપૂર્ણ સંબંધો જાળવવાને મહત્વ આપે છે અને બીજીબીને અપીલ કરે છે કે તે તેના નાગરિકોને આવી ગેરકાનૂની પ્રવૃત્તિઓથી દૂર રહેવા સૂચના આપે. બીએસએફ સરહદ પર "ઝીરો ફાયરિંગ"ની તેની નીતિ માટે પ્રતિબદ્ધ છે અને તમામની સુરક્ષા સુનિશ્ચિત કરવા બીજીબી પાસેથી સહયોગ માંગે છે.'