મોદી સરકારના આ નિર્ણયથી અમેરિકા-ઓસ્ટ્રેલિયા બાદ મલેશિયામાં પણ હાહાકાર
મલેશિયામાં ચોખાની અછત સર્જાઈ, દુકાનો બહાર લાંબી લાઈનો લાગી : ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા નિકાસકાર દેશ
20 જુલાઈ-2023ના રોજ ચોખાની નિકાસ પર લગાવાયેલ પ્રતિબંધ હટાવવા મલેશિયાની ભારત સરકારને વિનંતી
નવી દિલ્હી, તા.03 ઓક્ટોબર-2023, મંગળવાર
ભારત સરકાર તરફથી બિન-બાસમતી ચોખા (Non Basmati Rice)ની નિકાસ પર પ્રતિબંધ (Ban Export) લગાવ્યા બાદ વિશ્વના ઘણા દેશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અમેરિકા (America) અને ઓસ્ટ્રેલિયા (Australia) જેવા દેશો બાદ મલેશિયા (Malaysia)માં પણ ચોખાના પુરવઠાની અછત અને વધતી કિંમતો સામે ઝઝુમી રહ્યું છે. મલેશિયા સરકારે ભારત સરકારને આ પ્રતિબંધ હટાવાની વિનંતી કરી છે...
ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા નિકાસકાર દેશ
કેન્દ્રની મોદી સરકારે સ્થાનિક પુરવઠો વધારવા અને છૂટક કિંમતોને અંકુશમાં રાખવા જુલાઈ-2023માં બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ઉલ્લેખનિય છે કે, ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા નિકાસકાર દેશ છે. આવી સ્થિતિમાં વૈશ્વિક ચોખા માર્કેટની મુશ્કેલીમાં વધારો થયો છે અને ઘણા દેશો ચોખાની વધતી કિમતો અને ઓછા પુરવઠા સામે ઝઝુમી રહ્યા છે.
મલેશિયામાં દુકાનો બહાર લાંબી લાઈનો
મલેશિયા તેના કુલ ચોખાની જરૂરિયાતમાંથી લગભગ 38 ટકા ચોખાનો જથ્થો આયાત કરે છે. પરંતુ ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા બાદ મલેશિયા ચોખાની અછત સામે ઝઝુમી રહ્યો છે. સ્થિતિ એવી છે કે, અહીં ચોખા ખરીદવા માટે દુકાનો બહાર લાંબી લાઈનો લાગી છે. સુપર માર્કેટ અને કરિયાણાની દુકાનોમાં ચોખાના પેકેટે ખાલીખમ થઈ ગયા છે... લોકો ચોખા ખરીદવા માટે આમ-તેમ ભાગદોડ કરી રહ્યા છે.
મલેશિયાએ ભારત સાથે કરી ચર્ચા
રિપોર્ટ મુજબ મલેશિયામાં કુલ 3.2 કરોડની વસ્તી સામે 38 ટકા ચોખાની આયાત કરે છે. મલેશિયાની સરકારે ભારત દ્વારા ચોખાની આયાત પર પ્રતિબંધ હટાવવા ભારત સરકાર સાથે વાતચીત કરી છે. મલેશિયાના મંત્રી મોહમ્મદ સાબૂનું કહેવું છે કે, ભારત સહિત 19 દેશો દ્વારા ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવાતા ઊંચી કિંમતે આયાત કરાતા ચોખા મદદરૂપ સાબિત થઈ શકતા નથી. તેમણે કહ્યું કે, અમારા દેશમાં ચોખાની અછત નથી, હું લોકોને ફરી કહું છું કે, પૈનિક ન કરો... તમે માત્ર જરૂરીયાત પ્રમાણે જ ચોખાની ખરીદી કરો...
ભારત સરકારે 20 જુલાઈએ ચોખાની નિકાસ પર લગાવ્યો હતો પ્રતિબંધ
ભારત સરકારે 20 જુલાઈએ નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. જોકે બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકાયો ન હતો. ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યા છે. ઘઉં, ચોખા, દૂધ, શાકભાજીની સાથે દાળના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં નબળા ચોમાસાને કારણે ચોખા અને કઠોળના પાક પર ખતરો વધ્યો છે, જેને પગલે દેશમાં ચોખાના ભાવમાં વધારાને રોકવા માટે સરકારે નિકાસ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો હતો. તે દરમિયાન ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે જણાવ્યું હતું કે, બિન-બાસમતી સફેદ ચોખા (સેમી-મીલ્ડ અથવા સંપૂર્ણ સેમી ચોખા, પછી ભલે તે પોલિશ કરેલા હોય કે ન હોત)ની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, નોન-બાસમતી ચોખા હજુ પણ અમુક શરતો સાથે નિકાસ કરી શકાય છે.
ચોખાની વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 40 ટકા
ચોખાની વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 40 ટકા જેટલો છે. 2022માં ભારત ખાતેથી 5.60 કરોડ ટન ચોખાની નિકાસ થઈ હતી. વિશ્વ બજારમાં ભારતના ચોખા સૌથી સસ્તા પડે છે એમ રાઈસ એકસપોર્ટર્સ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું. યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ભારતે ટૂકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એટલું જ નહીં ઘઉં તથા ખાંડની નિકાસ પર પણ નિયમન લાગુ કર્યા છે.
• ઘઉં-ચોખાના વધતી કિંમતોને અટકાવવા મોદી સરકારે બનાવ્યો આ પ્લાન, વધુ વિગતો વાંચવા અહીં ક્લિક કરો
• મોદી સરકારે ચોખાની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ, વધુ વિગતો વાંચવા અહીં ક્લિક કરો