'કટ્ટરપંથ અને પૂજાસ્થળો પર થતાં હુમલા અટકાવો..' UNમાં ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા કેનેડા પર વરસ્યાં
એક મોટા કૂટનીતિક પગલા હેઠળ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને પૂજા સ્થાનો અને હેટ ક્રાઇમની ઘટનાઓને રોકવાની સલાહ આપી
બાંગ્લાદેશી રાજદ્વારી અબ્દુલ્લા અલ ફરહાદે કહ્યું કે કેનેડાએ રંગભેદ, હેટ ક્રાઈમ અને અપ્રવાસી તથા મુસ્લિમ લઘુમતીઓ સાથે થતાં ભેદભાવને રોકવા માટે મજબૂત પગલાં લેવાની જરૂર
India vs Canada Row| ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને અરીસો બતાવ્યો છે. એક મોટા કૂટનીતિક પગલા હેઠળ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને પૂજા સ્થાનો અને હેટ ક્રાઇમની ઘટનાઓને રોકવાની સલાહ આપી હતી. યુએન માનવ અધિકાર પરિષદની બેઠક દરમિયાન એક ઠરાવ પર ચર્ચા દરમિયાન ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાજદ્વારીઓએ કેનેડાને કેટલીક સલાહ આપી હતી.
ભારતે આ સલાહ આપી
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદ્વારી મોહમ્મદ હુસૈને કહ્યું કે, ભારતની કેનેડાને સલાહ છે કે તે પોતાનું ઘરેલું માળખું મજબૂત કરે, જેથી વાણી સ્વાતંત્રતાનો દુરુપયોગ ન થઈ શકે. આ સાથે કટ્ટરવાદને પ્રોત્સાહન ન આપવામાં આવે કે જેથી હિંસા ભડકતી રોકી શકાય. ભારતીય રાજદ્વારીએ કહ્યું કે કેનેડામાં ધાર્મિક સ્થાનો અને ધાર્મિક લઘુમતીઓ પર થતા હુમલાઓ રોકવાનો પ્રયાસ કરવામાં આવે. હેટ ક્રાઈમ અને ઘૃણાસ્પદ ભાષણો રોકવા માટે કાયદાને મજબૂત કરવામાં આવે.
અપ્રવાસીઓ સાથે ભેદભાવના મુદ્દે બાંગ્લાદેશે ઘેર્યો
બાંગ્લાદેશી રાજદ્વારી અબ્દુલ્લા અલ ફરહાદે કહ્યું કે કેનેડાએ રંગભેદ, હેટ ક્રાઈમ અને અપ્રવાસી તથા મુસ્લિમ લઘુમતીઓ સાથે થતાં ભેદભાવને રોકવા માટે મજબૂત પગલાં લેવાની જરૂર છે. બાંગ્લાદેશે પણ કેનેડાને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની સલાહ આપી હતી અને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા કહ્યું હતું. શ્રીલંકાના રાજદૂત થિલિની જયસેકરાએ કેનેડાના અધિકારીઓને અપ્રવાસી શ્રમિકો અને તેમના પરિવારોને સુરક્ષિત રાખવા જણાવ્યું હતું.