ભારત-અમેરિકા વચ્ચે 2+2 મીટિંગ, ખાલીસ્તાની પન્નૂ, કેનેડા, ચીન અને ઈઝરાયલ યુદ્ધ મુદ્દે થઈ વાતચીત

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને રક્ષા મંત્રી ઑસ્ટિન લૉયડ હાલ ભારતમાં

નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે ટૂ પ્લસ ટૂ વાતચીત

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
ભારત-અમેરિકા વચ્ચે 2+2 મીટિંગ, ખાલીસ્તાની પન્નૂ, કેનેડા, ચીન અને ઈઝરાયલ યુદ્ધ મુદ્દે થઈ વાતચીત 1 - image

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને રક્ષા મંત્રી ઑસ્ટિન લૉયડ હાલ ભારતમાં છે. અમેરિકાના બંને હાઈ પ્રોફાઈલ નેતાઓએ શુક્રવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે ટૂ પ્લસ ટૂ વાતચીત કરી. આ દરમિયાન કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જેમાં ભારત અને કેનેડા વિવાદ પણ સામેલ છે.

કેનેડા વિવાદ પર ચર્ચા થઈ

આ બેઠક બાદ ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે, આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. પરંતુ જ્યાં સુધી કેનેડાનો સવાલ છે. અમે અમારા તમામ મિત્રો અને સાથીદારોએ આના પર ચર્ચા કરી છે અને આના પર અમારું વલણ સ્પષ્ટ છે, જેને અમે અનેક વખત વિસ્તારથી જણાવ્યું છે. સુરક્ષાને લઈને અમારી પોતાની ચિંતા છે અને મને વિશ્વાસ છે કે, તમે સૌએ ગુરપતવંત સિંહ પન્નૂનો એ વીડિયો જોયો હશે, જેમાં તેમણે ધમકી આપી છે કે, 19 નવેમ્બરે એર ઈન્ડિયાના વિમાનથી ટ્રાવેલ ન કરો, નહીં તો જીવને ખતરો હશે. ક્વાત્રાએ કહ્યું કે, તેનાથી અમને અમારી સુરક્ષા સંબંધી ચિંતાઓ વધી છે. પરંતુ અમે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

ચીન વિવાદ પર ચર્ચા થઈ

વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે, ચીનની આચારસંહિતા અંગે બંને પક્ષો વચ્ચે પ્રાદેશિક પરિપ્રેક્ષ્યમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ચીનને લઈને બંને દેશો વચ્ચે વાતચીત થઈ.

ઈઝરાયલ-હમાસ પર થઈ ચર્ચા

વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે, ભારત અને અમેરિકા રક્ષા ઉત્પાદન, મહત્વના ખનિજો અને ઉચ્ચ ટેક્નોલોજી ક્ષેત્રમાં સહયોગ વધારીને પોતાની વૈશ્વિક રણનીતિક ભાગીદારીનો વિસ્તાર કરવા માટે શુક્રવારે વ્યાપક ચર્ચા કરી, જેમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધના કારણે પેદા થઈ રહેલી સ્થિતિ અને હિન્દ-પ્રશાંતમાં ચીનના સૈન્ય શક્તિ પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.

વાતચીતના અંતમાં જયશંકરે આ વાતચીતને મહત્વની ગણાવી. તેમણે સોશિયલ મીડિયા X પર લખ્યું કે, અમારા એજન્ડામાં અમારી રણનીતિક ભાગીદારીને આગળ વધારવાની વાત થઈ. જેમાં અમારા રક્ષા સંબંધોને મજબૂત કરવા, અંતરિક્ષ અને ટેકનોલોજીમાં આગળ વધવું, ભવિષ્યમાં સામાન સંબંધી સહયોગ અને લોકોના આપસી સંબંધો પર ચર્ચા કરવામાં આવી. 

તેમણે કહ્યું કે, હિન્દ-પ્રશાંત, દક્ષિણ એશિયા, પશ્ચિમ એશિયા અને યૂક્રેન સંઘર્ષ પર પણ દ્રષ્ટિકોણનું આદાન-પ્રદાન કર્યું. જણાવી દઈએ કે, બંને દેશો વચ્ચે આ સ્તરની આ પાંચમી બેઠક છે. આ વાતચીત 2018 બાદથી દર વર્ષે થઈ રહી છે.


Google NewsGoogle News