જનતાનો સરવે કહે છે ઇન્ડિયા ગઠબંધન 295થી વધુ બેઠકો જીતશે, કોંગ્રેસ અધ્યક્ષનો મોટો દાવો
ભાજપ સરકારી એક્ઝિટ પોલના આધારે ધારણા ઉભી કરી રહી છે, તેથી અમે સત્ય જણાવી રહ્યા છીએ : કોંગ્રેસ અધ્યક્ષ
બેઠકમાં સોનિયા, રાહુલ, પ્રિયંકા, કેજરીવાલ, પવાર, તેજસ્વી યાદવ, અખિલેશ, અબ્દુલ્લા, યેચુરી સહિતના નેતા હાજર રહ્યા
Lok Sabha Elections 2024 | લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે અને હવે ચાર તારીખે પરિણામો જાહેર કરવામાં આવશે. આ સ્થિતિ વચ્ચે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ દિલ્હીમાં બેઠક યોજી હતી, બેઠક બાદ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન 295થી વધુ બેઠકો મેળવશે જે કેન્દ્રમાં આગામી સરકાર બનાવવા માટે પુરતી છે. અમે લોકોના પ્રતિભાવો લીધા છે, જનતાનો સરવે કહે છે કે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવા જઇ રહ્યું છે.
દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને અઢી કલાક સુધી વિપક્ષની બેઠક મળી હતી, જેમાં સપા, સીપીઆઇ(એમ), સીપીઆઇ, ડીએમકે, જેએમએમ, આપ, આરજેડી, શિવસેના (યુટીબી), એનસીપી (શરદ પવાર) વગેરે પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સી કે વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. બંગાળમાં કેટલીક બેઠકો પર મતદાન ચાલુ હોવાથી બેઠકમાં હાજર નહીં રહુ તેમ મમતાએ કહ્યું હતું. જ્યારે વ્યક્તિગત કારણોસર પીડીપી વડા મેહબુબા મુફ્તી બેઠકમાં હાજર નહોતા રહ્યા. બેઠકમાં હાજર રહેલા અન્ય નેતાઓમાં શરદ પવાર, અખિલેશ, તેજસ્વી યાદવ, અનિલ દેસાઇ, સિતારામ યેચુરી, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, સંજયસિંહ, રાઘવ ચડ્ઢા, ચંપાઇ સોરેન, કલ્પના સોરેન, ટી આર બાલુ, ફારુક અબ્દુલ્લા, ડી રાજા, દિપાંકર ભટ્ટાચાર્ય વગેરે બેઠકમાં જોડાયા હતા. બેઠકમાં પરિણામોનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન 295થી વધુ બેઠકો મેળવશે, અમારા તમામ નેતાઓ સાથે વાતચીત, જનતાનો અભિપ્રાય લીધા બાદ અમે આ અનુમાન લગાવ્યું છે. આ જનતાનો સરવે છે, જનતાએ અમારા નેતાઓને આ માહિતી આપી હતી, સરકારી સરવે બહાર આવ્યા છે, તેમના મીડિયા મિત્રો પણ આંકડા વધારીને જાહેર કરી રહ્યા છે, અને તેથી અમે જનતાને હકિકત કહી રહ્યા છીએ. વિપક્ષના કેટલાક નેતાઓએ કહ્યું હતું કે એક્ઝિટ પોલ જાહેર થયા બાદ ભાજપ ખુશ થશે જ્યારે અમે ચાર જૂનના રોજ પરિણામો જાહેર થશે ત્યારે ખુશ થઇશું. ભાજપ પર પ્રહારો કરતા ખડગેએ કહ્યું હતું કે તેઓ સરકારી એક્ઝિટપોલના આધારે એક ધારણા ઉભી કરી રહ્યા છે, જ્યારે અમે જે સત્ય છે તે જણાવી રહ્યા છીએ. એનસીપી વડા શરદ પવારે કહ્યું હતું કે ભાજપને ૨૨૦ જેટલી બેઠકો મળશે જ્યારે ઇન્ડિયા ગઠબંધન 295 બેઠક મેળવશે.