ડૉ. આંબેડકર મુદ્દે ઘમસાણ : I.N.D.I.A. ગઠબંધનની સંસદ સુધી રેલી, રાહુલ ગાંધી સામે ભાજપ સાંસદની નોટિસ
Parliament News: સંસદમાં ગુરુવારે (19મી ડિસેમ્બર) થયેલી ધક્કામુક્કી બાદ આજે શિયાળુ સત્રના છેલ્લા દિવસે ફરી એકવાર I.N.D.I.A. ગઠબંધન અને એનડીએ વચ્ચે ભારે માથાકૂટ જોવા મળી રહી છે. એક તરફ વિજય ચોકથી સંસદ સુધી વિપક્ષના સાંસદોએ રેલીનું આયોજન કરી દેખાવો કર્યા છે તો બીજી બાજુ એનડીએના સાંસદોનું એક મોટું જૂથ સંસદના પરિસરમાં જ કોંગ્રેસ વિરુદ્ધ દેખાવ કરી રહ્યું છે.
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી આક્રમક મૂડમાં
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડરા અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ડૉ. બી. આર. આંબેડકર વિરુદ્ધ કરાયેલી ટિપ્પણી સામે I.N.D.I.A. ગઠબંધનના સાથી પક્ષો અને સાંસદો દ્વારા આયોજિત દેખાવોમાં સામેલ થયા હતા. તેમણે ગઠબંધન વતી અમિત શાહના રાજીનામા અને માફીની માગ કરી હતી.
જયરામ રમેશે રાહુલ વિરુદ્ધ ષડયંત્ર વિશે જણાવ્યું
ભાજપ સાંસદોને ધક્કો મારવાના મામલામાં પાર્ટી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઇઆર પર કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું કે, 'ગૃહમંત્રી જે કહેશે તે દિલ્હી પોલીસ કરશે. ગૃહમંત્રીએ બી. આર. આંબેડકરનું અપમાન કર્યું અને અમે બધાએ તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી.'