I.N.D.I.A. ગઠબંધન માત્ર વોટ બેન્કની નીતિ માટે 'મુજરો' કરી રહ્યું છે : PM મોદીનું વિપક્ષ પર નિશાન
Lok Sabha Elections 2024 | લોકસભા ચૂટંણી હવે અંતિમ તબક્કામાં છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ફરી એક વખત ઈન્ડિયા ગઠબંધન પર જોરદાર હુમલો કરતા તેમના પર વોટ બેન્કને ખુશ કરવાનો આક્ષેપ કર્યો છે. બિહારના પાટલિપુત્ર, કારાકાટ અને બક્સર સંસદીય ક્ષેત્રમાં અલગ અલગ રેલીઓને સંબોધન કરતા મોદીએ કહ્યું કે, કોંગ્રેસ મુસ્લિમ વોટ બેન્ક માટે ગુલામી અને મુજરા કરી રહી છે. આ સાથે તેમણે વિપક્ષ પર વડાપ્રધાનની ખુરશી માટે મ્યુઝિકલ ચેર રમતા પાંચ વર્ષમાં પાંચ પીએમ બનાવવાની યોજનાનો આક્ષેપ કર્યો હતો.
ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, લઘુમતી સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગને અનામતથી વંચિત કરવા માટે કોંગ્રેસ, રાજદ અને સપા જેવા પક્ષો જવાબદાર છે. પોતાની વોટ બેન્કને ખુશ કરવા માટે કોંગ્રેસે રાતોરાત લઘુમતી સંસ્થાઓ સાથે સંકળાયેલો કાયદો બદલી નાંખ્યો હતો. ત્યાર પછી ધડાધડ હજારો સંસ્થાઓને લઘુમતી સંસ્થા જાહેર કરી દેવાઈ હતી. આ સંસ્થાઓમાં અગાઉ એસસી, એસટી, ઓબીસીને અનામત મળતું હતું, પરંતુ રાજદ-કોંગ્રેસના રાજના કારણે આ સંસ્થાઓમાં હવે એક ટકા પણ અનામત નથી.
તેમણે ઉમેર્યું કે, બિહાર એ ભૂમી છે, જેણે સામાજિક ન્યાયની લડાઈને એક નવી દિશા આપી છે. હું આ પ્રદેશની ભૂમિ પર એ જાહેરાત કરવા માગું છું કે હું એસસી, એસટી અને ઓબીસીના અધિકારોને લૂંટવા અને તેને મુસ્લિમોને આપવાની ઈન્ડિયા ગઠબંધનની યોજનાને નિષ્ફળ કરી દઈશ. તેઓ ગુલામ બની રહી શકે છે અને તેમની વોટ બેન્કને ખુશ કરવા માટે મુજરો કરી શકે છે.
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, વિપક્ષના ગઠબંધનને એવા લોકોના સમર્થન પર વિશ્વાસ કરી રહ્યા છે, જે વોટ જેહાદમાં સંડોવાયેલા છે. સાથે જ તેમણે કલકત્તા હાઈકોર્ટનો આદેશ પણ ટાંક્યો હતો. મમતા સરકારે અનેક મુસ્લિમ જૂથોને ઓબીસીની યાદીમાં સામેલ કરી દીધા હતા, પરંતુ કલકત્તા હાઈકોર્ટે રાજ્ય સરકારનો આ નિર્ણય રદ કરી દીધો હતો.
મોદીએ ઉમેર્યું કે, ઈન્ડિયા ગઠબંધનની યોજના પાંચ વર્ષમાં પાંચ વડાપ્રધાન આપવાની છે. પરિવારવાદીઓ પીએમની ખુરશી માટે મ્યુઝિકલ ચેર રમવા માગે છે. તેના માટે દાવોદારો પણ નિશ્ચિત છે. ગાંધી પરિવાર, સપા પરિવાર, નેશનલ કોન્ફરન્સ પરિવાર, નકલી શિવસેના પરિવારના પુત્ર, એનસીપીવાળા પરિવારની પુત્રી, દિલ્હીના આપના આકાની પત્ની, ટીએમસીવાળા પરિવારનો ભત્રીજો, રાજદ પરિવારના પુત્ર અથવા પુત્રીઓ આ મ્યુઝિકલ ચેર રમવા તૈયાર છે. આ લોકો ઘોર સાંપ્રદાયિક, જાતિવાદી અને પરિવારવાદી છે, જે પહેલા તેમના પરિવાર અંગે વિચારે છે.
ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર 'વન રેન્ક વન પેન્શન' યોજનાને મંજૂરી નહીં આપવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ કામને પાછા ઠેલવામાં અને લોકોના અધિકારો આંચકી લેવામાં નિષ્ણાત છે. તેમણે જવાનો માટે વન રેન્ક વન પેન્શન યોજનાને મંજૂરી આપી નહોતી. મોદી સત્તા પર આવ્યા પછી જ આ યોજનાનો અમલ શક્ય બન્યો હતો.