ઈન્ડી ગઠબંધન કમિશન જ્યારે એનડીએ સરકાર મિશન માટે : મોદી
- કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ
- ત્રિપલ તલાકથી માત્ર મહિલાઓને જ લાભ નથી થયો પરંતુ મુસ્લિમ પરિવારો પણ તૂટતા બચ્યા છે : વડાપ્રધાનનો દાવો
સહારનપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે, ઈન્ડી ગઠબંધન કમિશન માટે છે જ્યારે એનડીએ સરકાર મિશન માટે કામ કરે છે. આ સાથે તેમણે ત્રિપલ તલાક, રામ મંદિર જેવા મુદ્દા ઉઠાવ્યા અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને મુસ્લિમ લીગની છાપ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કોંગ્રેસ ચૂંટણી જીતવા નહીં, પરંતુ ભ્રષ્ટાચાર બચાવવા રેલી કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સહારનપુરમાં એક જનસભાને સંબોધન કરતા કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જેટલા વર્ષ સત્તામાં રહી તેણે કમિશન ખાવાને પ્રાથમિક્તા આપી. ઈન્ડી ગઠબંધન કમિશન માટે છે જ્યારે એનડીએ સરકાર મિશન માટે છે.
તેમણે ઉમેર્યું કે, અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર અમારા માટે ચૂંટણી ઢંઢેરો નહીં પરંતુ અમારું મિશન રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી એ પણ અમારું મિશન હતું, જે પૂરું થઈ ગયું છે. ભારત અત્યારે દુનિયાનું સૌથી મોટું પાંચમું અર્થતંત્ર બની ગયું છે. ગરીબોને પાક્કુ ઘર અને શૌચાલય ભાજપની પ્રાથમિક્તા રહી છે.
તેમણે કહ્યું કે, અમારી સરકારે ત્રિપલ તલાક ખતમ કરતા માત્ર મુસ્લિમ મહિલાઓને જ લાભ નથી થયો પરંતુ મુસ્લિમ પરિવારોને પણ તૂટતા બચાવ્યા છે. મહિલાઓ કોઈની માતા, કોઈની બહેન હોય છે. અમે ત્રિપલ તલાક ખતમ કરીને લાખો મુસ્લિમ પરિવારોને બચાવ્યા છે. ભાજપ રાજનીતિ નહીં રાષ્ટ્રનીતિ પર ચાલે છે.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સંપૂર્ણપણે મુસ્લિમ લીગની છાપ છે અને તેમાં જે કંઈ બાકી છે તેના પર ડાબેરીઓએ પ્રભુત્વ જમાવ્યું છે. આઝાદીની લડત લડનારી કોંગ્રેસના વર્તમાન કોંગ્રેસમાં કોઈ અંશ જોવા મળતા નથી. તે કોંગ્રેસ તો દાયકાઓ પહેલાં સમાપ્ત થઈ ગઈ છે. હવે જે કોંગ્રેસ બચી છે તેની પાસે ના દેશના હિતમાં નીતિઓ છે અને રાષ્ટ્રનિર્માણનું વિઝન પણ નથી.