INDIA એલાયન્સ તે તકવાદીઓનો સમૂહ છે અમે ''તુષ્ટિકરણ'' નહીં, ''સંતોષીકરણ''માં માનીએ છીએ
- ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડાની સ્પષ્ટ વાત
- અમે ''સબકા સાથ'', ''સબકા વિકાસ'', ''સબકા વિશ્વાસ'' અને ''સબકા પ્રયાસ''માં માનનારા છીએ: જે. પી. નડ્ડા
ચંડીગઢ : ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડા આજે 'ઈંડીયા' એલાયન્સ ઉપર તુટી પડયા હતા. તેઓએ તેને તકવાદીઓનો સમુહ કહ્યો હતો.
વાસ્તવમાં ચંડીગઢથી ચોવીશની ચુંટણી માટે સૌથી પહેલું અભિયાન આ રીતે તેઓએ શરૂ કર્યુ છે. તેઓએ અકાલી-દળ માટે કહ્યું હતું કે તેઓએ જ ૨૦૨૦ માં અમારી સાથેના સંબંધો તોડયા છે, અમે નહીં, પરંતુ સમય આવતા અમે તેઓની સાથે જોડાવા તૈયાર જ છીએ. અમારો પક્ષ ભાવિ સંભાવનાઓને લક્ષ્યમાં રાખી સંબંધો બાંધવામાં માને છે.
નડ્ડાને જ્યારે રામજન્મભૂમિ મંદિર અંગે પુછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું: ''આવો પ્રશ્ન મીડીયા પુછે છે તે જ હતાશાજનક છે. વાસ્તવમાં તે તો ગર્વની ક્ષણ છે. પ્રત્યેક ભારતીયોની ભાવના પ્રગટ કરે છે.'' આ સાથે તેઓએ કહ્યું હતું કે અમારો પક્ષ ''તુષ્ટીકરણ''ની નીતિમાં માનતો નથી, તેના રાજકારણમાં પણ માનતો નથી. અમે તો ''સંતોષીકરણ''ની નીતિમાં અને મોદીજીના ''સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના સિદ્ધાંતને અનુસરે છે.''
શ્રીરામ મંદિરની રચનાનો જ મુળભુત રીતે વિરોધ કરનારાઓ ઉપર પ્રહારો કરતા તેઓએ કહ્યું: ''તેઓ તો પ્રભુ શ્રીરામનાં અસ્તિત્વને જ નકારે છે, કાર સેવકો ઉપર ગોળીબારો કરે છે તેમજ રામમંદિર અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ અવગણે છે. તેઓ હિન્દુ-ધર્મ, સનાતન ધર્મ અંગે ગંદુ રાજકારણ રમે છે.''
આ ઈન્ટરવ્યુમાં ભાજપ પ્રમુખે વધુમાં કહ્યું હતું કે ભાજપે સૈકાઓ જુના પ્રશ્નનો એ રીતે ઉકેલ કર્યો છે. તેનું નિર્માણ દરેક ભારતીય માટે ગૌરવ અને ઉત્સાહની ક્ષણ બની રહેલ છે.
''હિન્દી-હાર્ટ-લેન્ડ'' વિષે પુછેલા પ્રશ્નના ઉત્તરમાં જે. પી. નડ્ડાએ કહ્યું તો અમે દેશને ભાષાકીય રેખાઓ પ્રમાણે વિભાજિત કરવા માગતા જ નથી અને અમારા કાર્યકર્તાઓ તે અંગે સતત પ્રયત્નો પણ કરી રહ્યા છે. અમે બિહાર, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઓડીશા, તમિલનાડુ, કેરાલામાં પણ સારો દેખાવ કર્યો જ છે. હવે ૨૦૨૪ ની ચુંટણીમાં તો પરિણામો અમારી પણ કલ્પના બહારના આવશે જ, તેવો મને વિશ્વાસ છે. જનસામાન્યને ''મોદીજીની ગેરેન્ટી''માં વિશ્વાસ બેસી ગયો છે.
આ પીઢ રાજકારણીએ કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે: ''ત્યાં કોંગ્રેસ સરકારે પાંચ ગેરેન્ટીઓ આપી હતી. તેમાંથી કઈ તેવો માપી શક્યા છે ?''
આમ છતાં આ વિશિષ્ટ નેતાએ તે વાત પણ કબુલી હતી કે અમે ''પ્રોપેગેન્ડા'' અંગે હજી અન્યોથી પાછળ રહ્યા છીએ. પરંતુ જુઓ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં કેવો ભ્રષ્ટાચાર ચાલે છે અને તે બધો ''પાંચ ગેરેન્ટી''ના નામે ચાલી રહ્યો છે.
કોંગ્રેસને આડે હાથે લેતાં તેઓએ કહ્યું કે ''હવે તો તે પાર્ટીના વરિષ્ટ નેતાઓ પણ ભંડોળોની અછત સ્વીકારી રહ્યા છે. વાસ્તવમાં તો તેઓના શાસન નીચેના રાજયોમાં પણ ભંડોળો તેમણે આપેલી પાંચ ગેરેન્ટીના માટે વપરાવાને બદલે ''અન્ય'' કામો માટે વપરાઈ ગયા છે. મને તો ખાત્રી છે કે કર્ણાટકમાં પણ ભાજપ, લોકસભાની તમામ બેઠકો જીતી જશે.
''આપનો આભાર મુલાકાત માટે'' તેમ જ્યારે સંવાદ દાતાઓએ કહ્યું ત્યારે તેઓએ કહ્યું ''આથી વિરુદ્ધ હું તમારો આભાર માનું છું મને શાંતિથી સાંભળવા માટે.'