Get The App

દિલ્હીની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર, કોંગ્રેસની આ જાહેરાતથી AAP ગુસ્સે ભરાયું

દિલ્હીમાં કોંગ્રેસની બેઠક યોજાઈ : બેઠકમાં કોંગ્રેસે એકલા હાથે રાજધાનીની તમામ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો

કોંગ્રેસના નિર્ણય બાદ AAPએ પ્રતિક્રિયા આપી કહ્યું, કોંગ્રેસ તેમની પોતાની પાર્ટી છે, તેમના પોતાના પ્રોટોકોલ છે, તેઓ જેમ ઈચ્છે તેમ કરે...

Updated: Aug 16th, 2023


Google News
Google News
દિલ્હીની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર, કોંગ્રેસની આ જાહેરાતથી AAP ગુસ્સે ભરાયું 1 - image

નવી દિલ્હી, તા.16 ઓગસ્ટ-2023, બુધવાર

આગામી 2024 લોકસભા ચૂંટણીમાં સત્તાધારી ભાજપની આગેવાની હેઠળની NDAને ટક્કર આપવા માટે 26 વિપક્ષી દળો એક મંચ આવી ચુક્યા છે. આ દળોએ તેમના ગઠબંધનને ઈન્ડિયા નામ આપ્યું છે. આમ તો તમામ વિપક્ષી દળો એક થઈ ભાજપને સત્તામાંથી બહાર કરવાનો દાવો કરી રહ્યા છે, જોકે બેઠક વહેંચણીને લઈને હજુ પણ સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં યોજાનારી બેઠકમાં બેઠક વહેંચણી અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે આ બધી ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસે રાજધાની દિલ્હીમાં તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, જેના કારણે દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનમાં તિરાડ પડતી જોવા મળી રહી છે. કોંગ્રેસની આ જાહેરાતને લઈ આમ આદમી પાર્ટી ગુસ્સે ભરાયું છે.

દિલ્હીની તમામ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનો કોંગ્રેસનો નિર્ણય

દિલ્હીમાં કોંગ્રેસ દ્વારા એક મહત્વની બેઠક યોજાઈ... જેમાં પક્ષ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, કે.સી.વેણુગોપાલ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ સામેલ હતા. બેઠક બાદ કોંગ્રેસના ઘણા નેતાઓએ સ્પષ્ટ કહ્યું કે, તેમની પાર્ટી દ્વારા દિલ્હીની તમામ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમનો પોતાનો નિર્ણય છે અને બેઠકમાં આમ આદમી પાર્ટી અથવા ગઠબંધનની કોઈ ચર્ચા કરવામાં આવી નથી. વાસ્તવમાં દિલ્હીમાં ત્રણ મુખ્ય પક્ષો છે - આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ... લોકસભા ચૂંટણી અંગે એક મંચ પર આવેલી વિપક્ષી દળોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સમાવેશ થાય છે... આવી સ્થિતિમાં રાજધાની દિલ્હીની તમામ બેઠકો પર કોંગ્રેસ દ્વારા એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય ગઠબંધન માટે મોટા ઝટકા સમાન છે.

‘2025માં દિલ્હીમાં મુખ્યમંત્રી નહીં હોય અરવિંદ કેજરીવાલ’

કોંગ્રેસ નેતા અનિલ ચૌધરીએ દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી ચૂંટણી લડવાના સવાલ પર કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી સંગઠનને મજબુત કરી એક થઈ ચૂંટણી લડશે... અમે આમ આદમી પાર્ટી અથવા ગઠબંધનની કોઈ ચર્ચા કરી નથી... અમારો પોતાનો રસ્તો છે... અમે પોલ ખોલ યાત્રાથી લઈને તમામ પ્રયાસો કર્યા છે કે, અરવિંદ કેજરીવાલ સરકારની નીતિઓને એક્સપોઝ કરીએ... અમારા લોકોની ફરિયાદ બાદ શરાદ કૌભાંડથી લઈને તમામ કાર્યવાહીઓ કરવામાં આવી... અમે 2024માં ચૂંટણી જીતીશું અને 2025માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નહીં હોય... આ અમારો સંપૂર્ણ પ્રયાસ રહેશે.

‘પક્ષના તમામ કાર્યકર્તાઓને તૈયારીઓ કરવા કહેવાયું’

બીજીતરફ કોંગ્રેસ નેતા અલકા લાંબાએ કહ્યું કે, 3 કલાક ચાલેલી બેઠકમાં રાહુલ ગાંધી, ખડગેજી, કે.સી.વેણુગોપાલ અને દીપક બાબરિયા પણ ઉપસ્થિત હતા. આગામી લોકસભા ચૂંટણી માટે અમને તૈયારી કરવા કહેવાયું છે. એવો નિર્ણય લેવાયો છે કે, અમે તમામ 7 બેઠકો પર ચૂંટણી લડીશું... 7 મહિના બાકી છે અને પક્ષના તમામ કાર્યકર્તાઓને પણ 7 બેઠકો માટે તૈયારીઓ કરવા માટે કહેવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને આપ્યો વળતો જવાબ

કોંગ્રેસની બેઠક અંગે આમ આદમી પાર્ટીએ પણ નિવેદન આપ્યું છે. દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, જ્યારે INDIAના તમામ પક્ષોની બેઠક થશે, ત્યારે બેઠક વહેંચણી અંગે ચર્ચા કરીશું... તમામ પક્ષોના રાષ્ટ્રીય આગેવાનો સામ-સામે બેસી આ મુદ્દે ચર્ચા કરશે, ત્યારે ખબર પડશે કે કંઈ પાર્ટીને કંઈ બેઠકો મળે છે... આ તો બહુ આગળની વાત છે.

‘આ નાના-નાના નેતાઓ છે’

સૌરભે અલકા લાંબા અને અનિલ ચૌધરી પર ટિપ્પણી કરતા કહ્યું કે, આ નાના-નાના નેતા છે... તેમના જામીન પણ બચ્યા નથી... બંનેના ભેગા થઈ મત ગણીએ તો પણ તે નહીં જીતે.... જ્યારે સૌરભને પ્રશ્ન કરાયો કે, શું આમ આદમી પાર્ટી તમામ 7 બેઠકો માટે તૈયારી કરશે ? તો તેમણે કહ્યું કે, આ બાબત અમારું કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરશે. જ્યારે ઈન્ડિયાના ઘટક પક્ષો સામ-સામે બેઠક કરશે, ત્યારે તે મુદ્દે આગળ વાત વધશે. આ તેમની (કોંગ્રેસ) પોતાની પાર્ટી છે, તેમના પોતાના પ્રોટોકોલ છે, તેઓ જેમ ઈચ્છે તેમ કરે...

Tags :
INDIA-AllianceDelhi-ElectionLok-Sabha-Election-2024CongressRahul-GandhiMallikarjun-KhargeKC-VenugopalAnil-ChaudharyAlka-LambaArvind-KejriwalSaurabh-Bhardwaj

Google News
Google News