ચૂંટણી બાદ ઉદ્ધવ ઠાકરે-શરદ પવાર ભાજપ સાથે કરશે ગઠબંધન? પ્રકાશ આંબેડકરે આપ્યું મોટું નિવેદન
નવી મુંબઇ,તા. 5 માર્ચ, 2024 મંગળવાર
મહારાષ્ટ્રમાં MVA સીટ શેરિંગ વિવાદને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ અંગે પ્રકાશ આંબેડકરે એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ લોકસભા ચૂંટણી પછી ભાજપ અને આરએસએસ સાથે નહીં જાય. લેખિતમાં આ ખાતરી આપો પરંતુ એનસીપી શરદ પવાર જૂથ અને શિવસેના ઉદ્ધવ જૂથના નેતાઓએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો.
પ્રકાશ આંબેડકરે જીતેન્દ્ર આવ્હાડને લખેલા પત્રમાં સનસનીખેજ ખુલાસો કર્યો છે. સીટ શેરિંગ પર એમવીએની બેઠકમાં જ્યારે અમારા પ્રતિનિધિઓએ કહ્યું કે, અમારે મતદારોને ખાતરી આપવી પડશે કે, ચૂંટણી પછી અમે ભાજપ કે આરએસએસ સાથે નહીં જઈએ. પછી તમારા બધા નેતાઓ મૌન રહ્યા. એક રીતે, તેમણે આ પ્રસ્તાવનો ચૂપચાપ રીતે વિરોધ કર્યો હતો.
તમારી પાર્ટી ભાજપ સાથે નહીં જાય, લેખિતમાં જણાવો
આંબેડકરે વધુમાં કહ્યું કે, તમે પોતે જ કહ્યું હતું કે આ વાત લેખિતમાં આપવામાં કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ, પરંતુ તે બેઠકમાં હાજર સંજય રાઉતે લેખિત ખાતરી આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. અગાઉ પણ, તમારી પાર્ટીએ ભાજપ સાથે કરાર કર્યો છે, તેથી MVA સાથે જોડાણ કરતા પહેલા, વંચિત બહુજન અઘાડી ખાતરી કરવા માંગે છે કે ચૂંટણી પછી તમારી પાર્ટી ભાજપ સાથે નહીં જાય.
કોંગ્રેસની બેઠક અંગે વાત કરતા નાનાએ કહ્યું હતું કે, આજે કોંગ્રેસની બેઠકમાં 22 લોકસભા બેઠકો પર ચર્ચા થશે અને મુંબઈ લોકસભા બેઠકો પર પછીથી ચર્ચા કરવામાં આવશે. આપણે ત્યાં ડેમોક્રેસી છે. બેઠક બાદ તમામ બેઠકો પર ચર્ચા થયા બાદ હાઈકમાન્ડને માહિતી આપવામાં આવશે. અમે દરેક સાથે વાત કરીને નિર્ણય લઈએ છીએ.
ઠાકરે અને શરદ પવાર ઝૂક્યા નથી : નાના
સાથે જ નાનાએ દાવો કર્યો કે પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ છીનવી લીધા પછી પણ ઠાકરે અને શરદ પવાર ઝૂક્યા નથી. કોઈની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી.
વાસ્તવમાં નાનાએ આવું એટલા માટે કહ્યું છે કારણ કે સૂત્રોને ટાંકીને આવા દાવા કરવામાં આવી રહ્યા છે. સીટ શેયરિંગને લઇને MVA બેઠકમાં પ્રકાશ આંબેડકરે એનસીપી સહિત તમામ પક્ષો પાસેથી માંગ કરી હતી કે, ઉમેદવારની સાથે પાર્ટીએ એ પણ લેખિતમાં આપવુ જોઈએ કે, ચૂંટણી પછી કોઈ વિજેતા ઉમેદવાર ભાજપમાં જોડાશે નહીં.