Get The App

દિલ્હીની આ સાત બેઠક નક્કી કરે છે કેન્દ્રની ખુરશી, જે અહીં જીતશે તેની બને છે સરકાર, જાણો રાજકીય ગણિત

Updated: May 27th, 2024


Google NewsGoogle News
દિલ્હીની આ સાત બેઠક નક્કી કરે છે કેન્દ્રની ખુરશી, જે અહીં જીતશે તેની બને છે સરકાર, જાણો રાજકીય ગણિત 1 - image


India All Lok Sabha Elections History : લોકસભા ચૂંટણીનાં છ તબક્કામાં 487 બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન સમાપ્ત થયા બાદ હવે પહેલી જૂને 57 બેઠકો માટે સાતમાં અને છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે અને ચોથી જૂને પરિણામો જાહેર થશે. જોકે તે પહેલા રાજકીય ક્ષેત્રે નવી સરકારની ચર્ચાઓ શરૂ થવાની સાથે જુદા જુદા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જોકે આગામી સરકાર કોની બનશે, તેની સચોટ આગાહી ‘દિલ્હીની કંઈ બેઠક પર કયા પક્ષનો વિજય થયો?’ તેની ઉપરથી કરી શકાય છે.

લોકસભા ચૂંટણી-2019માં દિલ્હીની તમામ બેઠકો પર એક જ પાર્ટીએ નવ વખત જીત હાંસલ કરી છે. અગાઉની લોકસભા ચૂંટણીઓના પરિણામોના વિશ્લેષણો દર્શાવે છે કે, દેશમાં યોજાયેલી 17 લોકસભા ચૂંટણીઓમાંથી 1967, 1989, 1991 સિવાયની વાત કરીએ તો જે પક્ષે દિલ્હીમાં સૌથી વધુ બેઠકો જીતી હોય છે, તેની જ સરકાર બને છે.

1952થી 2019 સુધી

• 1952માં દેશની પ્રથમ લોકસભા ચૂંટણી યોજાઈ હતી, ત્યારે દિલ્હીમાં ત્રણ બેઠકો હતી, જેમાં એક બેઠક પર બે સાંસદો ચૂંટવામાં આવતા હતા. જેમાંથી કોંગ્રેસે ત્રણ બેઠકો જીતી કેન્દ્રમાં પ્રથમ સરકાર બનાવી હતી અને જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવ્યા હતા.

• 1957માં બીજી લોકસભા ચૂંટણીમાં બેઠકોની સંખ્યા ચાર થઈ ગઈ અને તમામ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. ફરી જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા હતા.

• 1962માં બેઠકો વધીને પાંચ થઈ, જેમાં કોંગ્રેસે ફરી તમામ બેઠકો પર જીત મેળવી જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવ્યા હતા. જોકે તેમનું 1964માં નિધન થયું હતું અને પછી લાલ બહાદુર શાસ્ત્રીને વડાપ્રધાન બનાવાયા હતા. 1957 અને 1962ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે દિલ્હીની તમામ બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો. 

• 1967માં દિલ્હીની લોકસભા બેઠકોની સંખ્યા વધીને સાત થઈ ગઈ, જેમાં ભારતીય જન સંઘે છ બેઠક અને કોંગ્રેસે એક બેઠક જીતી હતી. જોકે કેન્દ્રમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ સફળ થઈ હતી. આમ કોંગ્રેસે 15 વર્ષ બાદ 1967માં પ્રથમવખત પડકારનો સામનો કર્યો હતો અને ઈન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા હતા.

• 1971ની ચૂંટણીમાં કોંગ્રેસનો ફરી દબદબો જોવા મળ્યો અને દિલ્હીની સાતેય બેઠકો જીતી કેન્દ્ર સરકારની ખુરશી જાળવી રાખી હતી. ઈન્દિરા ગાંધી વડાપ્રધાન પદ જાળવી રાખવામાં સફળ થયા હતા.

• 1977માં ઈમરજન્સી વિરોધની લહેરના કારણે કોંગ્રેસે સાતેય બેઠકો ગુમાવવી પડી હતી. તે દરમિયાન ભારતીય લોક દળે તમામ બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ દરમિયાન એવી સ્થિતિ સર્જાઈ કે, મોરારજી દેસાઈની આગેવાની હેઠળ જનતા પાર્ટીએ કુલ 542 બેઠકોમાંથી 295 બેઠકો જીતી હતી. આ ઉપરાંત જનતા દળનું ગઠબંધન હોવાથી કુલ બેઠકો 345 પર પહોંચી ગઈ હતી. જેના કારણે 15 વર્ષથી કેન્દ્રમાં શાસન કરી રહેલી કોંગ્રેસ સરકારે સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો અને જનતા દળના વડા મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા હતા. 

• 1980માં ફરી કોંગ્રેસનો દબદબો શરૂ થયો અને દિલ્હીના સાત બેઠકોમાંથી છ બેઠકો જીતી લીધી હતી. આ સાથે દેશમાં ફરી કોંગ્રેસની સરકાર સત્તામાં પરત ફરી હતી અને ઈન્દિરા ગાંધી ફરી વડાપ્રધાન બન્યા હતા.

• 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા થયા બાદ સહાનુભૂતિની લહેર શરૂ થઈ અને કોંગ્રેસે દિલ્હીની તમામ બેઠકો જીતી લીધી. કેન્દ્રમાં રાજીવ ગાંધીની સરકાર બની. આ દરમિયાન કોંગ્રેસે 426 બેઠકો સાથે જવલંત વિજય મેળવ્યો હતો. 

• 1989ની ચૂંટણીમાં બોફોર્સ કૌભાંડનો ખુલાસો થયા બાદ કોંગ્રેસનું વર્ચસ્વ ઘટ્યું અને દિલ્હીમાં માત્ર બે બેઠકો જ જીતી શકી. જ્યારે ભાજપે ચાર બેઠકો પર વિજય મેળવ્યો હતો. ભાજપ માટે 1989નું વર્ષ ખૂબ જ મહત્વનું છે. તે દરમિયાન ભાજપ મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી આવ્યું હતું. ત્યારે એવી સ્થિતિ સર્જાઈ કે, 197 બેઠકો જીતનાર કોંગ્રેસ સરકારે કેન્દ્રની સત્તા ગુમાવવાનો વારો આવ્યો. જ્યારે બીજા નંબરે સૌથી વધુ જનતા દળે 143 બેઠકો જીતી હતી અને તેણે ભાજપ અને લેફ્ટ પાર્ટીઓના સમર્થનથી દેશમાં સરકાર બનાવી હતી. આ દરમિયાન વી.પી.સિંહે બે ડિસેમ્બર-1989ના રોજ દેશના સાતમાં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

• 1991ની ચૂંટણીમાં કોંગ્રેસે બે અને ભાજપે ચાર બેઠકો જીતી હતી. જોકે કેન્દ્રમાં નરસિમ્હા રાવની આગેવાની હેઠળ કોંગ્રેસે લઘુમતી સરકાર બનાવી હતી.

• 1996માં પણ કોંગ્રેસના વળતા પાણી જોવા મળ્યા અને માત્ર બે બેઠકો જીતી શકી. આમ કોંગ્રેસે સતત ત્રીજી ચૂંટણીમાં દિલ્હીમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. જ્યારે ભાજપે સાત બેઠકોમાંથી પાંચ બેઠકો જીતી અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા હતા. જોકે ભાજપ પાસે બહુમતી ન હોવાના કારણે વાજપેયીએ માત્ર 13 દિવસમાં રાજીનામું આપી દેવું પડ્યું હતું. ત્યારબાદ એચ.ડી.દેવેગૌડાની આગેવાની હેઠળ ગઠબંધન સરકાર બની હતી.

• 1998માં કોંગ્રેસે એક અને ભાજપે છ બેઠકો જીતી હતી. કેન્દ્રમાં ફરી અટલ બિહારી વાજપેયીની સરકાર બની, પરંતુ ભાજપ સરકાર લાંબો સમય સુધી ટકી શકી ન હતી.

• 1999ની લોકસભા ચૂંટણીમાં ભાજપે દિલ્હીની તમામ સાત બેઠકો જીતી અને અટલ બિહારી વાજપેયી કેન્દ્રમાં પોતાની સરકાર બનાવવાની સાથે વડાપ્રધાન પદે બિરાજમાન થયા હતા.

• 2004માં ફરી બાજી પલટાઈ અને કોંગ્રેસે દિલ્હીની સાતમાંથી છ બેઠકો જીતીને કેન્દ્રમાં યુપીએની સરકાર બનાવી હતી. આ દરમિયાન ડૉ.મનમોહન સિંહે વડાપ્રધાન પદનો પદભાર સંભાળ્યો હતો.

• 2009માં કોંગ્રેસે ફરી દિલ્હીની તમામ બેઠકો જીતી અને કેન્દ્રમાં ફરી પોતાની સરકાર બનાવવાની સાથે ડૉ.મનમોહન સિંહને ફરી વડાપ્રધાન બનાવ્યા.

• 2014ની ચૂંટણીમાં દેશભરમાં મોદી લહેર જોવા મળી અને ભાજપે કોંગ્રેસ પાસેથી દિલ્હીની તમામ બેઠકો આંચકી લઈ સાતેય બેઠકો પર પર જીત મેળવી હતી. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ દેશમાં ભાજપની સરકાર બની.

• 2019માં પણ ભાજપે દિલ્હીની તમામ બેઠકો જીતી અને સત્તા જાળવી રાખવામાં સફળ થઈ હતી.

દિલ્હીમાં વિવિધ પક્ષોનો દબદબો

કોંગ્રેસે 1971, 1984 અને 2009માં જ્યારે ભાજપે 1999, 2014 અને 2019માં દિલ્હીની સાતેય બેઠકો જીતી હતી. ભાજપ 1989, 1991, 1996 અને 1998માં બીજા નંબરની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી. 1989ની ચૂંટણીમાં પ્રથમવાર ત્રણ પાર્ટીઓએ સાંસદો ચૂંટ્યા હતા અને ભાજપે ચાર, કોંગ્રેસે બે અને જનતા દળે એક બેઠક જીતી હતી. 1998 બાદ કેન્દ્રમાં રહેનારી પાર્ટીએ દિલ્હીમાં છથી ઓછી બેઠકો જીતી નથી.

2024ની ચૂંટણીમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગા મળીને ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે ચાંદની ચોક, ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ દિલ્હીમાં ઉમેદવારો મેદાને ઉતાર્યા છે, તો આમ આદમી પાર્ટીએ પશ્ચિમી, પૂર્વી, દક્ષિણ અને નવી દિલ્હી બેઠકો પર ચૂંટણી લડી રહી છે. હવે જોવાનું એ છે કે, આ વખતે કયો પક્ષ દિલ્હી પર કબજો કરશે?


Google NewsGoogle News