Get The App

INDI ગઠબંધનની મોટી જાહેરાત, કાલે બજેટ વિરુદ્ધ કરશે પ્રદર્શન, નીતિ આયોગની બેઠકનો પણ કરશે બહિષ્કાર

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
INDI ગઠબંધનની મોટી જાહેરાત, કાલે બજેટ વિરુદ્ધ કરશે પ્રદર્શન, નીતિ આયોગની બેઠકનો પણ કરશે બહિષ્કાર 1 - image


Budget 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યા બાદ ઈન્ડિ ગઠબંધન (I.N.D.I.A. Alliance)ની નવી દિલ્હી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ઈન્ડિ ગઠબંધનના નેતાઓએ બજેટને લોકો વિરોધી અને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે. બેઠકમાં એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે, ઈન્ડિ ગઠબંધનના સાંસદો આવતીકાલે સવારે 10.30 કલાકે બજેટ વિરુદ્ધ પ્રદર્શન કરશે. આ ઉપરાંત ગઠબંધનના તમામ મુખ્યમંત્રીઓએ નીતિ આયોગની બેઠકનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

સાંસદો બજેટ વિરુદ્ધ આવતીકાલે કરશે પ્રદર્શન

ઈન્ડિ ગઠબંધનના નેતાઓએ બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશના ઘણા પ્રોજેક્ટો માટે મોટી રકમ ફાળવવા મુદ્દે વાંધો વ્યક્ત કર્યો છે, તેથી મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે બેઠક બાદ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ઈન્ડિ ગઠબંધનના સાથી પક્ષોના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં આજે બેઠક યોજાઈ હતી. બેઠકમાં બજેટ વિરુદ્ધ બુધવારે પ્રદર્શન કરવાની જાહેરાત કરાઈ છે.’

ભાજપ બે સાથી પક્ષોને ખુશ કરવા માંગો છે : વિપક્ષનો આક્ષેપ

વિપક્ષોએ આક્ષેપ કર્યો છે કે, લોકસભામાં લઘુમતી ભાજપ કેન્દ્રમાં સરકાર બચાવવા માટે બે સાથી પક્ષોને આર્થિક મદદ કરીને ખુશ કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી જેડીયુ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી એનડીએના મહત્વના સાથી પક્ષો છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ બાદ સૌથી વધુ બેઠકો ટીડીપી અને જેડીયુએ જીતી છે.

આ પણ વાંચો : મોદી સરકારનું બજેટ કૉપી-પેસ્ટ? આ જાહેરાતો તો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં હતી

બજેટને ‘સરકારને બચાવનારું બજેટ’

નાણામંત્રીએ બજેટ રજુ કર્યા બાદ વિપક્ષના નેતાઓએ બજેટને ‘સરકારને બચાવનારું બજેટ’ ગણાવ્યું છે. કોંગ્રેસ (Congress)ના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ બજેટને ‘ખુરશી બચાવો બજેટ’ તો પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરે ‘કોપી-પેસ્ટ’ બજેટ ગણાવ્યું છે. રાહુલ ગાંધી (Rahul Gandhi)એ 'X' પર પોસ્ટ કરીને લખ્યું ‘ખુરશી બચાવો બજેટ... આ બજેટમાં સાથી પક્ષો અને મિત્રોને ખુશ કરવામાં આવ્યા છે, તેમાં સામાન્ય માણસ માટે કંઈ નથી. આ બજેટ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા અને અગાઉના બજેટમાંથી ‘કોપી-પેસ્ટ’ કરવામાં આવ્યું છે.’ આ ઉપરાંત પશ્ચિમ બંગાળની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે ભાજપ પર તેના બે સાથી પક્ષો JDU અને TDPને લાંચ આપવાનો આક્ષેપ કર્યો છે. તો સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) પણ બજેટને સરકાર બચાવવા માટેનું બજેટ ગણાવ્યું છે.

આ પણ વાંચો : ઈન્ક્મ ટેક્સ સ્લેબમાં કરાયેલા ફેરફાર સરળ શબ્દોમાં સમજો, રૂ. 28,600 સુધીની બચત થઈ શકશે


Google NewsGoogle News