લોકસભા ચૂંટણીઓમાં અપક્ષોએ અનેકવાર મુખ્ય રાજકીય પક્ષોની ઊંઘ ઊડાડી છે, જાણો ઈતિહાસ

સામાન્ય ચૂંટણીઓમાં અપક્ષ ઉમેદવાર બાજી પણ પલટાવી શકે

દેશમાં અનેક અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડીને જીતી જતા હોય છે

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણીઓમાં અપક્ષોએ અનેકવાર મુખ્ય રાજકીય પક્ષોની ઊંઘ ઊડાડી છે, જાણો ઈતિહાસ 1 - image


Lok Sabha Elections 2024: દેશમાં એવા પણ ઉમેદવારો છે જે કોઈ પક્ષના મોહતાજ નથી. તેમની લોકપ્રિયતાને આધારે જ અપક્ષ ચૂંટણી લડીને જીતી જતા હોય છે. આ અપક્ષો કેટલાય રાજકીય પક્ષોના ચૂંટણી જીતીને સત્તા મેળવવાના મનસુબા પર પાણી ફેરવી દેતા હોય છે. આવો જાણીએ અપક્ષ ઉમેદવારોની રોચક વાતો.

પ્રથમ ચૂંટણીમાં 37 અપક્ષ સાંસદ બન્યા 

દેશમાં પ્રથમ લોકસભા ચૂંટણી 1951-52 દરમિયાન યોજાઈ હતી. દેશની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં કુલ 37 અપક્ષ સાંસદો જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. બીજી સામાન્ય ચૂંટણીમાં સાંસદોની સંખ્યામાં વધારો થયો હતો. આ ચૂંટણીમાં કુલ 42 અપક્ષ સાંસદો ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. ત્રીજી ચૂંટણીમાં અપક્ષ સાંસદોની સંખ્યા ઘટીને 20 થઇ ગઈ હતી. ચોથી લોકસભા ચૂંટણી વખતે અપક્ષ સાંસદોની સંખ્યામાં ફરી વધારો થયો હતો. 1967માં થયેલ ચૂંટણીમાં અપક્ષ સાંસદોની સંખ્યા 35 થઇ ગઈ હતી. 

નવમી લોકસભા ચૂંટણીમાં ફક્ત 12 સ્વતંત્ર ઉમેદવાર ચૂંટાયા હતા

પાંચમી લોકસભા ચૂંટણી 1971માં થઇ હતી જે દરમિયાન જીતનારા અપક્ષોની સંખ્યા ઘટી ગઈ હતી. આ ચૂંટણીમાં ફક્ત 14 અપક્ષો સાંસદ તરીકે ચૂંટાયા હતા. કટોકટી બાદ થયેલી 1977ની ચૂંટણીમાં અપક્ષ સાંસદોનું પ્રતિનિધિત્વ ફરી ઘટી ગયું હતું. છઠ્ઠી લોકસભા ચૂંટણીમાં ફક્ત નવ અપક્ષો સાંસદ બન્યા હતા. સાતમી લોકસભા ચૂંટણીમાં અપક્ષોની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નહોતો. 1980માં નવ અપક્ષ સાંસદો બન્યા હતા. 1984માં અપક્ષ સાંસદોના પ્રતિનિધિત્વમાં સુધારો થયો હતો. આઠમી લોકસભા ચૂંટણીમાં 13 સ્વતંત્ર ઉમેદવારોને જીત મળી હતી. 1989માં અપક્ષ સાંસદોની સંખ્યામાં નજીવો ઘટાડો થયો હતો. નવમી લોકસભા ચૂંટણીમાં ફક્ત 12 સ્વતંત્ર ઉમેદવાર ચૂંટાયા હતા. 

1991માં ફક્ત એક અપક્ષ ઉમેદવાર જ સાંસદ બન્યા 

1991ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ સાંસદોનું પ્રતિનિધિત્વ એકદમ ઘટી ગયું હતું. દસમી ચૂંટણીમાં ફક્ત એક જ અપક્ષ સાંસદ લોકસભા સુધી પહોંચી શક્યા હતા. લોકસભા માટે ચૂંટાયેલા સાંસદોની સૌથી ઓછી સંખ્યા 1951માં હતી. અગિયારમી લોકસભા ચૂંટણીમાં ફરી અપક્ષ સાંસદોની સંખ્યા વધી હતી. 1996માં થયેલ ચૂંટણીમાં નવ અપક્ષ સાંસદ હતા. બારમી લોકસભા એટલે કે 1998માં અપક્ષ સાંસદોની સંખ્યા ઘટીને 6 થઈ ગઈ હતી. 1999માં 13મી લોકસભા માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં પણ 6 અપક્ષો સંસદમાં પહોંચ્યા હતા. 14મી લોકસભામાં 9 અપક્ષ ઉમેદવારો જીત્યા હતા. 2009માં યોજાયેલ 15મી લોકસભા ચૂંટણીમાં અપક્ષ સાંસદોની સંખ્યા વધીને 9 થઈ ગઈ હતી. 16મી લોકસભાની 2014માં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં માત્ર ત્રણ  અપક્ષ ઉમેદવારો સાંસદ તરીકે ચૂંટાયા હતા.

2019માં કેટલા અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યા ? 

2019માં થયેલ લોકસભા ચુંટણીમાં અપક્ષોનું પરિણામ નબળું રહ્યું હતું. સત્તરમી લોકસભા ચૂંટણીમાં કુલ 8,054 ઉમેદવાર મેદાનમાં હતા જેમાંથી 3461 અપક્ષ હતા. આ અપક્ષોમાંથી 3449 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. ફક્ત ચાર જ અપક્ષો જીતીને સંસદ પહોંચ્યા હતા. મહારાષ્ટ્રની અમરાવતી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર નવનીત રાણાએ 36,951 મતોથી ચૂંટણી જીતી હતી. નબા કુમાર સરનિયા આસામની કોકરાઝાર લોકસભા બેઠક પરથી 37,786 મતોથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. દાદરા અને નગર હવેલી બેઠક પરથી મોહન ડેલકર 9,001 મતોથી જીત્યા હતા. જ્યારે સુમલતા અંબરીશે કર્ણાટકની માંડ્યા બેઠક પરથી 1,25,876 મતોના જંગી અંતરથી ચૂંટણી જીતી લીધી હતી.


Google NewsGoogle News