ન્યાયતંત્રમાં સ્વતંત્રતાનો અર્થ એ નથી કે હંમેશા સરકાર વિરોધી જ ચુકાદા હોય: CJI ચંદ્રચૂડ
Chief Justice DY Chandrachud: દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બરેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે એવામાં સોમવારે એક મીડિયા કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, 'સ્વતંત્ર ન્યાયતંત્રનો અર્થ એ નથી કે નિર્ણય હંમેશા સરકારની વિરુદ્ધ આપવામાં આવે. ન્યાયિક સ્વતંત્રતાનો અર્થ છે કે માત્ર એક્ઝિક્યુટિવ (સરકાર)થી જ નહીં પરંતુ વિવિધ પ્રકારના દબાણ અને હિત જૂથોના પ્રભાવથી પણ મુક્ત રહીને નિર્ણય આપવો.'
ડીવાય ચંદ્રચુડે ન્યાયિક સ્વતંત્રતાનો અર્થ સમજાવ્યો
ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને પારદર્શિતાને સમજાવતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, 'પરંપરાગત રીતે, ન્યાયિક સ્વતંત્રતાને કારોબારીમાંથી સ્વતંત્રતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. ન્યાયતંત્રની સ્વતંત્રતાનો અર્થ હજુ પણ સરકારી દખલગીરીથી મુક્તિ છે. પરંતુ ન્યાયિક સ્વતંત્રતાના સંદર્ભમાં આ એકમાત્ર વસ્તુ નથી.
આ બાબતે તેમણે વધુમાં કહ્યું હતું કે, 'હવે પરિસ્થિતિ બદલાઈ છે. સોશિયલ મીડિયાના આગમન બાદ ખાસ તો સમાજ બદલાયો છે. તમે એવા પ્રેશર ગ્રુપ જોયા હશે જે અદાલતો પર અનુકૂળ નિર્ણયો લેવા દબાણ લાવવાનો પ્રયાસ કરે છે અને આ માટે ઇલેક્ટ્રોનિક મીડિયાનો ઉપયોગ કરે છે. આ પ્રેશર ગ્રુપ એવું વાતાવરણ ઊભું કરે છે કે જો નિર્ણય તેમની તરફેણમાં આવે, તો જ ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું છે તેવું માનવામાં આવે છે. જો નિર્ણય તેમને ખુશ ન કરે તો ન્યાયતંત્રને સ્વતંત્ર ગણવામાં આવશે નહીં.'
ન્યાયાધીશ માત્ર કાયદો અને બંધારણ દ્વારા માર્ગદર્શન આપે છે: CJI
ડીવાય ચંદ્રચૂડે આ બાબતે આપત્તિ જણાવતા કહ્યું હતું કે, 'સ્વતંત્ર રહેવા માટે, ન્યાયાધીશને તેના અંતરાત્માનું સાંભળવું કે નહીં તે નક્કી કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. અને ન્યાયાધીશનો અંતરાત્મા કાયદો અને બંધારણ દ્વારા માર્ગદર્શન આપે છે, તેમાં કોઈ શંકા નથી. જ્યારે સરકાર સામે ચુકાદો આવે છે અને ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ રદ્દ થાય છે, ત્યારે ન્યાયતંત્ર ખૂબ સ્વતંત્ર છે, પરંતુ જો ચુકાદો સરકારની તરફેણમાં જાય છે, તો ન્યાયતંત્ર હવે સ્વતંત્ર નથી રહ્યું... આ મારી સ્વતંત્રતાની વ્યાખ્યા નથી.'