Get The App

ન્યાયતંત્રની સ્વતંત્રતાનો અર્થ સરકાર વિરોધી ચૂકાદા આપવા નથી : સીજેઆઈ

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
ન્યાયતંત્રની સ્વતંત્રતાનો અર્થ સરકાર વિરોધી ચૂકાદા આપવા નથી : સીજેઆઈ 1 - image


- મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે પ્રેશર ગ્રૂપની ઝાટકણી કાઢી

- જામીન નિયમ છે, અપવાદ નહીં એ સંદેશો ટ્રાયલ કોર્ટ્સ સુધી પહોંચી શક્યો નથી, મેં અર્ણબથી ઝુબેર સુધી બધાને જામીન આપ્યા

નવી દિલ્હી : ન્યાયતંત્રની સ્વતંત્રતાનો અર્થ હંમેશા સરકાર વિરોધી ચૂકાદા આપવા નથી. કેટલાક પ્રેશર ગ્રૂપ મીડિયાનો ઉપયોગ કરીને કોર્ટો પર દબાણ લાવે છે અને પોતાને અનુકૂળ ચૂકાદા લાવવાનો પ્રયત્ન કરે છે તેમ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, બે વર્ષના કાર્યકાળમાં તેમણે હંમેશા જામીન આપવામાં વ્યાપક દૃષ્ટિકોણ અપનાવ્યો હતો અને અર્બન ગોસ્વામીથી મોહમ્મદ ઝુબેરને જામીન આપ્યા હતા.

ન્યાયપાલિકાની નિષ્પક્ષતા અને પારદર્શિતાને સમજાવતા મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડે કહ્યું કે, પરંપરાગતરૂપે ન્યાયિક સ્વતંત્રતાને કાર્યપાલિકાથી સ્વતંત્રરૂપે વ્યાખ્યાઈત કરાઈ હતી. ન્યાયતંત્રની સ્વતંત્રતાનો અર્થ હજુ પણ સરકારના હસ્તક્ષેપથી સ્વતંત્રતા છે, પરંતુ ન્યાયિક સ્વતંત્રતાના સંદર્ભમાં આ એકમાત્ર બાબત નથી.

તેમણે ઉમેર્યું કે, આપણો સમાજ વિશેષરૂપે સોશિયલ મીડિયા આવ્યા પછી બદલાયો છે. તમે એવા પ્રેશર ગ્રૂપ જોઈ શકો છો, જે પોતાને અનુકૂળ નિર્ણયો લેવડાવવા માટે કોર્ટો પર દબાણ બનાવવાનો પ્રયત્ન કરે છે અને તેના માટે ઈલેક્ટ્રોનિક મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રેશર ગ્રૂપ એવું વાતાવરણ ઊભું કરે છે કે જો ચૂકાદો તેમની તરફેણમાં આવે તો જ માનવામાં આવશે કે ન્યાયતંત્ર સ્વતંત્રરૂપે કામ કરે છે. ચૂકાદો તેમની મરજી મુજબ ના આવે તો ન્યાયતંત્રને સ્વતંત્ર માનવામાં આવતું નથી.

ગણપતિ પૂજા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીજેઆઈના નિવાસ પર પહોંચ્યા હતા. આ ઘટનાએ ભારે વિવાદ સર્જ્યો હતો. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, તેમાં કશું પણ ખોટું નહોતું. આ બાબત સમજવા અને પોતાના ન્યાયાધીશો પર વિશ્વાસ કરવા માટે રાજકીય વ્યવસ્થામાં પરિપક્વતાની ભાવના હોવી જોઈએ. કારણ કે અમે જે કામ કરીએ છીએ તેનું મૂલ્યાંકન અમે લખેલા શબ્દોથી થાય છે. અમે જે પણ નિર્ણય કરીએ છીએ તેને ગુપ્ત રાખવામાં આવતો નથી અને તે તપાસ માટે જાહેર હોય છે. વહીવટી સ્તર પર કાર્યપાલિકા અને ન્યાયતંત્ર વચ્ચે થતી વાતચીતને ન્યાયિક સ્તર પર કોઈ લેવા-દેવા હોતી નથી.

તેમણે ઉમેર્યું કે, લોકતંત્રમાં સેપરેશન ઓફ પાવરનો એ અર્થ છે કે ન્યાયતંત્રે નીતિઓ બનાવવાનું કામ કરવું જોઈએ નહીં, કારણ કે તે કાર્યપાલિકાનો વિશેષાધિકાર છે. નીતિ બનાવવાની શક્તિ સરકાર પાસે છે. આપણા મનમાં આ અંતર સ્પષ્ટ હોય ત્યાં સુધી કાર્યપાલિકા અને ન્યાયતંત્રના મળવા અને વાતચીત કરવામાં કશું ખોટું નથી.

તેમણે જણાવ્યું કે, તેમના બે વર્ષના કાર્યકાળમાં સુપ્રીમ કોર્ટે ૨૧,૩૫૮ જામીન કેસોનો ઉકેલ કર્યો, જ્યારે ૨૧,૦૦૦ નવી જામીન અરજીઓ દાખલ થઈ હતી. તેમણે જામીન આપવામાં વ્યાપક દૃષ્ટિકોણ અપનાવ્યો હતો અને પત્રકાર અર્ણવ ગોસ્વામીથી લઈને ફેક્ટ કેચર મોહમ્મદ ઝુબેરને જામીન આપ્યા હતા. જોકે, ટ્રાયલ કોર્ટ્સ દ્વારા અનેક કેસોમાં જામીન નહીં આપવા એ ગંભીર બાબત છે. કારણ કે જામીન નિયમ છે, અપવાદ નહીંનો સંદેશો ટ્રાયલ કોર્ટ્સ સુધી પહોંચી શક્યો નથી.


Google NewsGoogle News