Get The App

આઝાદ ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી ચાર મહિના ચાલી હતી

લોકસભાની 489 પૈકી 364 બેઠક પર કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો

જનસંઘ, હિંદુ મહાસભા અને રામરાજ્ય પરિષદ 10 બેઠકોમાં સમેટાયા હતા

Updated: Apr 21st, 2019


Google NewsGoogle News
આઝાદ ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી ચાર મહિના ચાલી હતી 1 - image



વિધાનસભાની ૩૨૮૦ પૈકી ૨૨૪૭ બેઠકો કોંગ્રેસે જીતી હતી 

૧૦.૭૦ કરોડ મતદારોએ ચૂંટણીમાં ભાગ લીધો હતો

ચૂંટણીની તૈયારી કરવામાં ૩ વર્ષનો સમય લાગ્યો હતો

ભારત દેશ આઝાદ થયા બાદ, ૧૯૫૨ માં પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીની તૈયારી કરવા માટે ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. તેમજ ચૂંટણીનું મતદાન ચાર મહિના સુધી ચાલ્યું હતું. હિમાચલ પ્રદેશનાં કલ્પા ગામનાં ૧૦૨ વર્ષના શ્યામસરણ નેગી દેશનાં પ્રથમ મતદાર બન્યા હતાં.

ભારત દેશને આઝાદી મળ્યા બાદ દેશમાં પ્રથમ વખત જ ચૂંટણી યોજવાનું નક્કી થયું હતું. તેના માટે વડાપ્રધાન પંડીત જવાહરલાલ નહેરૂએ ચૂંટણી કમિશ્નર તરીકે પ.બંગાળના ચીફ સેક્રેટરી સુકુમાર સેન પર પસંદગી ઉતારી હતી. તેઓ એકમાત્ર ઈન્ડીયન સિવિલ સર્વિસનાં અધિકારી હતાં. તેમણે જણાવ્યું કે, દેશમાં ચૂંટણી યોજવી અત્યંત પડકારરૂપ છે.

તેની તૈયારી માટે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો સમય જોઈએ, તો જ શક્ય છે. ત્યારબાદ લીલીઝંડી મળતાં તેમણે તૈયારી હાથ ધરી હતી. તેમણે દરેક રાજ્ય દીઠ ચૂંટણી કમિશ્નરોની નિમણૂંક કરી હતી. દરેક રાજ્યોની મુલાકાત લીધી હતી. અને વસ્તીપત્રક તથા મતદાર યાદી બનાવવાની જવાબદારી સોંપી હતી. આઝાદી અગાઉ દેશની વસ્તીની કોઈ ગણના થઈ ન હતી. 

અલગ-અલગ રાજાનાં રજવાડાઓ હોવાથી તેની જનરલ ગણતરી કરવાની જરૂર હતી. ત્યારબાદ સૌથી મોટો પડકાર સામે આવ્યો હતો. દેશમાં ૮૫ ટકા લોકો નિરક્ષર હતાં. તેઓ લખી વાંચી શકતા ન હતા. તેવા લોકો મત આપવા જાય ત્યારે, ઉમેદવારનું લખેલું નામ વાંચી નહીં શકે તો મત કેવી રીતે આપે ? આ મોટો પ્રશ્ન હતો.

આથી ચૂંટણીમાં દરેક ઉમેદવારોને ચૂંટણી ચિન્હો ફાળવવામાં આવ્યા હતાં. જેના આધારે નિરક્ષર મતદાર પણ પોતાના પસંદગીનાં ઉમેદવારને મત આપી શકે. એવી રીતે ચૂંટણી ચિન્હ આપવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ બોગસ મતદાન રોકવા ખાસ પ્રકારની શાહી બનાવવામાં આવી હતી. જેનું નિશાન આંગળી ઉપર ૮ દિવસ સુધી રહે છે. જેના કારણે એક વ્યક્તિ એક જ વેળા મતદાન કરી શકે. તેવી વ્યવસ્થા કરી હતી. 

દેશમાં પ્રથમ વખત જ ચૂંટણી થતી હોવાથી થીએટરોમાં ચૂંટણી પંચે ડોક્યુમેન્ટરી બતાવી લોકોને માહિતગાર કર્યા હતાં. અને મતદાનની જાગૃત્તિ લાવ્યા હતાં. દેશમાં પહાડો વચ્ચેનાં ગામોમાં પુલ ન હતાં. તેવી જગ્યા પર સેનાની મદદથી કામચલાઉ પુલ, નદી ઓળંગવા બોટની મદદ લઈ મતદાન કરવા માટે વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી.

ત્રણ વર્ષની તૈયારીઓ બાદ ચૂંટણી માટેની તારીખો નક્કી થઈ હતી. જેમાં તા. ૨૫-૧૦-૧૯૫૩ સુધી એટલે કે ચાર મહિના સુધી દેશમાં ચૂંટણીની પ્રક્રિયા ચાલી હતી. આ ચૂંટણીમાં વડાપ્રધાન પંડીત જવાહરલાલ નહેરૂનાં પ્રધાનમંડ્ળમાંથી શ્યામાપ્રસાદ મુકરજી ભીમરાવ આંબેડકરે રાજીનામા આપી ચૂંટણીમાં તેમની સામે ઉભા રહ્યા હતાં.

નહેરૂ સામે ગાંધીવાદી સિધ્ધાંતોથી કોંગ્રેસ ભટકી ગઈ હોવાના આક્ષેપો થયા હતાં. જ્યારે નહેરૂએ સાંપ્રદાયિકતાનો વિરોધ, તેમજ આઝાદ દેશને એક સૂત્રે રાખવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં તેમને જુની અને નવી પેઢીનો ટેકો મળ્યો હતો. જ્યારે શ્યામા પ્રસાદ મુકરજીએ દેશનો મોટા હિંદુ સમુદાયને આકર્ષવા માટે હિંદુ હિતૈશી તરીકે જનસંઘનો ઉદય કર્યો હતો. જ્યારે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે કોંગ્રેસ ઉપર પછાત જાતિની અવગણના કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. 

વામપંથી શ્રીપાદ અમૃત ડાંગે પણ ચૂંટણીમાં સક્રિય બન્યા હતાં. ચૂંટણીમાં ઉમેદવાર સાયકલથી લઈ ટાંગા-કારમાં સવાર થઈ પ્રચાર કરતા હતાં. રંગબેરંગી પોસ્ટરો છપાયા, ભીંતો પર લખાણો લખાયા હતા, ઘરે-ઘરે જઈને મતદારોનો સંપર્ક કરવામાં આવતો હતો. રેલીઓમાં નેતાઓનાં ભાષણો થતા હતાં.

અખબારોમાં પણ ચૂંટણીલક્ષી રિપોર્ટીંગ થતું હતું. ઓલ ઈન્ડિયા રેડીયો પર પ્રતિબંધ હતો. પરંતુ કોમ્યુનીસ્ટ પાર્ટીએ રેડીયો ગોરકા દ્વારા પોતાનો પ્રચાર કર્યો હતો. વૈચારિક મતભેદ હોવા છતાં નેતાઓનો પ્રસાર, એકબીજા પ્રત્યેનો વ્યવહાર સૌજન્યશીલ હતો.

નહેરૂઓ અંબાલામાં મહિલાઓને પડદાની પ્રથા છોડવા અને દેશકામમાં જોડાવા હાકલ કરી હતી. તેમણે આંબેડકર જયપ્રકાશ નારાયણ, ક્રિપલાણીનાં વખાણ પણ કર્યા હતાં. નહેરૂ ઉપરાંત લોકો વિપક્ષી નેતા જયપ્રકાશ નારાયણ-શ્યામાપ્રસાદ મુકરજીની રેલીમાં પણ મોટી સંખ્યામાં આવતા હતાં. મતદાનના દિવસે લોકો ઉત્સવ હોય તેમ પુરૂષો નવા કપડા પહેરી, મહિલાઓ નવી સાડી-ઘરેણાં પહેરી સજીધજીને મત આપવા ઘર બહાર નીકળ્યા હતાં. 

આ પ્રથમ ચૂંટણીમાં માત્ર ૧૨૫૦ ગરબડીનાં કિસ્સા નોંધાયા હતાં. જેમાં બોગસ મતદાનનાં ૮૭ તેમજ મતપત્રકો લૂંટના ૧૦૬ કેસો થયા હતાં. આ સિવાય ચાર મહિના લાંબી ચાલેલી ચૂંટણી હિંસામુક્ત થઈ હતી. ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે લોકસભાની ૪૮૯ બેઠકો પૈકી કોંગ્રેસનો ૩૬૪ (૭૫ ટકા) બેઠકો પર ભવ્ય વિજય થયો હતો. જ્યારે વિધાનસભાની કુલ ૩૨૮૦ બેઠકો પૈકી કોંગ્રેસના ફાળે ૨૨૪૭ બેઠકો ગઈ હતી.

જનસંઘ-હિંદુ મહાસભા અને રામ રાજ્ય પરિષદ મળીને ૧૦ બેઠકોમાં સમેટાયા હતાં. સોશ્યાલીસ્ટ અને પ્રજાલક્ષી પાર્ટી મળીને ૨૧ બેઠકો જીતી શક્યા હતાં. કોંગ્રેસ સામે દક્ષિણપંથી અને વામપંથીઓ પણ ટકી શક્યા ન હતાં. ચૂંટણીમાં ૧૦.૭૦ કરોડ મતદારોએ ભાગ લીધો હતો. અને પરિણામ બાદ ભારતનાં વડાપ્રધાન પડે પંડીત જવાહરલાલ નહેરૂએ લોકતાંત્રિક રીતે દેશની કમાન સંભાળી લીધી હતી. આમ આઝાદ ભારતની પ્રથમ ચૂંટણી સંપન્ન થઈ હતી.

આઝાદ ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી ચાર મહિના ચાલી હતી 2 - image

૨૦ લાખ મતપેટી બનાવવાનું બીડું ઉદ્યોગપતિ ફિરોઝશા ગોદરેજે ઝડપ્યું હતું
૧૯૫૨ ની પ્રથમ ચૂંટણી માટે ચૂંટણી પંચે તડામાર તૈયારીઓ હાથ ધરી હતી. મતદાર યાદી તૈયાર કરવાની સાથે બોગસ મતદાન અટકાવતા મતદારની આંગણી ઉપર શાહીનું નિશાન કરવાનું નક્કી કરાયું. વૈજ્ઞાાનિકોએ ખાસ પ્રકારની શાહી તૈયાર કરી જેનું નિશાન ૮ દિવસ સુધી ભુંસી શકાય નહીં. તેવી ૪ લાખ નાની બોટલ શાહી તૈયાર કરાઈ, ઉદ્યોગપતિ ફિરોઝશા ગોદરેજે ૨૦ લાખ મતપેટી બનાવી આપવાનું બીડું ઝડપ્યું. 

મુંબઈનાં વિક્રોલી વિસ્તારમાં એક ગામ ભાડે લઈ તેમાં તંબુ બનાવી રાત-દિવસ મતપેટી બનાવવાનું શરૂ કર્યુ. ટૂંક સમયમાં લક્ષ્યાંક પુરો કરવા તેમને દરરોજ ૧૫ હજાર મતપેટીનો ટાર્ગેટ રાખ્યો હતો. જેમાં કુલ ૮૨૦૦ ટન સ્ટીલ વપરાયું હતું. બેલેટ પેપર માટે ૪ લાખ પેપર રેમ્પ બનાવીને ૬૨ કરોડ બેલેટ પેપર છાપવામાં આવ્યા હતાં. મતદાન માટે ર.૨૪ લાખ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતાં. જે પૈકી ૫૬ હજાર અધિકારી હતા. ચૂંટણીની સુરક્ષા વ્યવસ્થા માટે દેશમાં કુલ ૨૪ લાખ પોલીસ તૈનાત કરાયા હતાં. 

મંત્રી મંડળના ૨૮ મંત્રીઓ હારી ગયા હતા
આઝાદ ભારતની પ્રથમ લોકસભાની કુલ ૪૦૯ બેઠકો હતી. ચૂંટણીનાં પરિણામો જાહેર થયા ત્યારે કોંગ્રેસને કુલ ૩૬૪ (૭૫ ટકા) બેઠકો મળી હતી. વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ ઉત્તરપ્રદેશનાં ફુલપુર બેઠક પરથી જંગી બહુમતીથી વિજયી બન્યા હતાં. 

તેમની સાથે મણીબેન વલ્લભભાઈ પટેલ, ભાગવત ઝા-આઝાદ, ગુલઝારીલાલ નંદા, ગણેશ માવળંકર, વિજ્યાલક્ષ્મી પંડીત, વી.વી.ગીરી, ફિરોઝ ગાંધી અને સુચેતા ક્રિપલાણી પણ ચૂંટણીમાં વિજયી બન્યા હતાં. પરંતુ તેમનાં મંત્રી મંડળનાં અન્ય ૨૮ મંત્રીઓ ચૂંટણીમાં હારી ગયા હતાં. જે પૈકી મુખ્ય નામોમાં ભીમરાવ આંબેડકર, મોરારજી દેસાઈ, જયનારાયણ વ્યાસ, રામનાથ ગોયંકા, આચાર્ય ક્રિપલાણી અને અટલ બિહારી વાજપેયી હતાં.

દેશની વસ્તી ૩૬ કરોડની હતી અને મતદારોની સંખ્યા ૧૭.૫૦ કરોડ હતી
ભારત દેશમાં યોજાયેલી પ્રથમ ચૂંટણી વખતે દેશની કુલ વસ્તી ૩૬ કરોડની હતી. જેમાં મતદારોની કુલ સંખ્યા ૧૭.૫૦ કરોડ હતી. જૈ પૈકી પુરૂષ મતદારની સંખ્યા ૯.૫૦ કરોડ અને સ્ત્રી મતદાર ૮.૦ કરોડ હતી.

૧૯૫૨ ની ચૂંટણીમાં કુલ ૧૦.૭૦ કરોડ મતદારોએ પોતાનો મતદાનનો હક્ક બજાવ્યો હતો. સરેરાશ ૬૦ ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન કેરળ રાજ્યનાં કોટ્ટયયમ સસંદીય બેઠક પર ૮૦ ટકા નોંધાયું હતું. જ્યારે મધ્યપ્રદેશની શહદોઈ સસંદીય બેઠક પર સૌથી ઓછું ૧૮ ટકા મતદાન નોંધવામાં આવ્યું હતું.

આઝાદ ભારતનો પ્રથમ મતદાર હિમાચલ પ્રદેશનાં કિન્નોર જિલ્લાનો કલ્પા ગામે રહેતાં શ્યામશરણ નેગી બન્યા હતાં. હાલમાં તેમની ઉંમર ૧૦૨ વર્ષની છે. તેમણે ૧૯૫૨ થી આજદિન સુધી ૩૨ વખત મતદાન કર્યુ છે. અને હાલની આગામી લોકસભાની ચૂંટણીમાં પણ મતદાન કરવાનો પાકો ઈરાદો ધરાવે છે. દેશનાં વોટર નંબર-૧ શ્યામશરણ નેગી લોકો માટે પ્રેરણારૂપ છે.

મતદાર યાદીની કપરી કામગીરી
દેશની પ્રથમ ચૂંટણીમાં ૧૪ રાષ્ટ્રીય પક્ષ અને ૬૩ પ્રાદેશિક પક્ષોએ ભાગ લીધો હતો. જેમાં મુખ્ય પક્ષ પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જનસંઘ, હિંદુ મહારાણા, રામરાજ્ય પરિષદ, વામપંથી, કિસાન મજદૂર પ્રજા પાર્ટી, સોશ્યાલીસ્ટ પાર્ટી, દ્રવિડ કળગમ, અકાલી દળ, લોકસેવક સંઘ તેમજ અપક્ષ વિગેરે હતા.

વડા પ્રધાનનો ચાર માર્ગે ચૂંટણી પ્રચાર
દેશના પ્રથમ વડાપ્રધાન પંડીત જવાહરલાલ નહેરૂએ કોંગ્રેસ પક્ષ માટે દેશમાં ચાર માર્ગે ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે દેશભરમાં હવાઈ માર્ગે ૨૯ હજાક કિલોમીટર પ્રવાસ કર્યો હતો, રેલ્વે માર્ગે સવા આઠ હજાર કિલોમીટર પ્રવાસ કર્યો હતો, રોડ માર્ગે ૨૫૦૦ કિલોમીટર પ્રવાસ કરી લોકસંપર્ક કર્યો હતો. જ્યારે દરિયા-નદીમાં નાવથી દોઢસો કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. આમ ચૂંટણી પ્રચાર માટે તેમણે કુલ ૪૦ હજારથી વધારે કિલોમીટરની સફર કરી હતી.

આઝાદ ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી ચાર મહિના ચાલી હતી 3 - image

ઐતિહાસિક નિર્ણય નામ નહીં જણાવનાર કુલ ૨૮ લાખ જેટલી મહિલાને  મહિલાને મતદારયાદી માંથી બાકાત રાખવાનો આદેશ ચૂંટણી કમિશ્નરે આપ્યો હતો

શિક્ષણનો અભાવ અને પડદા પ્રથાને કારણે મતદાર યાદી બનાવવાની કામગીરી કપરી રહી હતી

રૂઢિચુસ્ત જુની માન્યતા મુજબ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પડદા પ્રથા ચાલતી હતી.  આવા સંજોગોમાં તેમનાં નામ મતદાર યાદીમાં કેવી રીતેે નોંધવા ? 

અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર થયેલા ભારત દેશમાં સરદાર પટેલે ૫૦૦ રજવાડાને એક કર્યા હતાં. પરંતુ દેશનો ૧૦ લાખ વર્ગ માઈલ વિશાળ વિસ્તારમાં નદી-દરિયો-પહાડ જેવા કુદરતી અડચણોને ઓળંગી મતપેટી-મતપત્રકો પહોંચાડી ચૂંટણી કરાવવી કપરી કામગીરી હતી.

તદ્ઉરાંત ચૂંટમી કમિશ્નર સુકુમાર સેન સામે મતદાર યાદી બનાવવાની સૌથી અઘરી કામગીરી હતી. કારણ કે શિક્ષણનો અભાવ અને રૂઢિચુસ્ત જુની માન્યતા મુજબ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પડદા પ્રથા ચાલતી હતી.

મહિલાઓ પોતાનાં નામ જણાવી શકતી ન હતી. તેમને બહાર કોઈની પત્ની-પુત્રી કે માતા તરીકે જ ઓળખ આપવામાં આવતી હતી. આવા સંજોગોમાં તેમનાં નામ મતદાર યાદીમાં કેવી રીતેે નોંધવા ? આ એક યક્ષપ્રશ્ન બન્યો હતો.

તેવા સમયે જનજાગૃતિ અને છતાંયે નામ નહીં જણાવનાર મહિલાને મતદારયાદી માંથી બાકાત રાખવાનો આદેશ ચૂંટણી કમિશ્નરે આપ્યો હતો. જેમાં કુલ ૨૮ લાખ જેટલી મહિલા મતદાર યાદીમાંથી બાકાત થઈ હતી. જે નિર્ણય તે સમયે વિવાદાસ્પદ પણ બન્યો હતો. પરંતુ સુકુમાર સેને પોતાનાં નિર્ણય ઉપર અડગ રહીને ચૂંટણી કમિશ્નરનો પાવર બતાવી દીધો હતો.

પોસ્ટર યુદ્ધ: પ્રચાર માટેના અવનવા ગતકડા
એક સમય એવો હતો જ્યારે વિવિધ નેતાઓ અને પક્ષો અવનવી રીતો વડે પ્રચાર કરતા હતા. પોસ્ટરો અને પત્રિકા વડે લોકોને આકર્ષવાના પ્રયત્નો થતાં હતાં. અહીં દર્શાવેલ ફોટો ૧૯૬૨માં યોજાયેલ ચોથી લોકસભા ચૂંટણી સમયનો છે. જેમાં તે સમયે તામિલનાડુની સ્વતંત્ર પાર્ટી દ્વારા અપાયેલી જાહેરખબર છે.

જાહેરાતમાં એક પરિવાર દર્શાવામાં આવ્યો છે. પરિવારની ઉપર દોરી વડે કંઇક વજનદાર સામાન લટકી રહ્યો છે અને દોરી બસ તૂટવાની તૈયારીમાં છે. જેનાથી તેની નીચે રહેલો પરિવાર ગભરાતો બતાવાયો છે. હવે જ વજનદાર સામાન છે તેના પર 'ભારે ટેક્ષ' એવું લખેલું છે. તો આ ચિત્રની બાજુમાં 'ખતરો' એવું પણ લખેલું છે.

સરકાર દ્વારા લેવાતા ભારે ટેક્ષ નીચે દેશનો સામાન્ય નાગરિક દબાઇ રહ્યો છે તેવું આ ચિત્ર કહેવા માંગે છે અને તેમાથી રાહત મેળવવી હોય તો સ્વતંત્ર પાર્ટીને મત આપવાની અપીલ કરવામાં આવી છે. આજે પણ આવા ખાસ પ્રકાર્રાા પોસ્ટરો, વ્યંગ કરતા કાર્ટૂન અને ચિત્રોનો મારો ચાલે છે. પરંતુ હવે મોટેભાગે આ બધુ ઓનલાઇન જ થાય છે. 

૧૯૮૪: ભાજપને મળેલી બેમાંથી એક બેઠક ગુજરાતની હતી
૧૯૭૫માં ઇન્દેરાગાંધીએ દેશમાં લાદેલી રાજકિય કટોકટીના ગુનાને માફ કરીને ૧૯૮૦માં મતદારોએ ફરી કોંગ્રેસપક્ષને સત્તા સોંપી હતી પરંતુ ૩૧ ઓકટોબર ૧૯૮૩ના રોજ વડાપ્રધાન ઇન્દેરા ગાધીની પોતાના જ અંગરક્ષકોએ હત્યા કરતા તેમના પુત્ર રાજીવ ગાંધીને દેશની બાગડોર સોંપવામાં આવી હતી.

૧૮૮૪માં દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શ્રીમતિ ગાંધીની હત્યાના પગલે દેશમાં કોંગ્રેસ માટે સહાનુંભૂતિનું મોજુ ફરી વળ્યું હતું. કોંગ્રેસને આ મોજાના સહારે લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી ૪૦૪ બેઠકો પર વિજય મળ્યો હતો. 

ઇન્દેરા ગાંધીના રાજમાં ચૂંટણી પહેલા બિન કોંગ્રેસી પક્ષો દેશમાં કોંગ્રેસ વિરોધી રાજકિય આબોહવા ઉભી કરી શકયા હતા.૧૯૮૦માં ભાજપ પક્ષની સ્થાપના થયા પછી કોંગ્રેસનો મુકાબલો કરીને ચૂંટણીમાં સારા દેખાવ માટે લાલ કૃષ્ણ અડવાણી અને અટલબિહારી વાજપેયી જેવા નેતાઓમાં ઉત્સાહ જોવા મળતો હતો  પરંતુ ગાંધીની હત્યા પછીની લોકસભા ચૂંટણીમાં કોગ્રેસે સહાનુભુતિના જોરે  કેટલાક રાજયોમાં તો ૧૦૦ ટકા બેઠકો મેળવી હતી.

ખાસ કરીને રાજસ્થાન. ઓરિસ્સા અને મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં તો જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. મધ્યપ્રદેશમાં ૪૦ માંથી ૪૦ અને રાજસ્થાનમાં ૨૫ માંથી ૨૫ તથા ઉત્તરપ્રદેશમાં ૮૫ માંથી ૮૩ બેઠકો મેળવીને સપાટો બોલાવ્યો હતો. ગુજરાતમાં પણ કોંગ્રેસની લહેર ફરી વળતા ૨૬માંથી વિક્રમજનક ૨૪ બેઠકો મળી હતી. 

સમ્રગ દેશમાં ભાજપે ૨૨૫ ઉમેદવારો ઉભા રાખ્યા તેમાંથી આંધ્રપ્રદેશના હનમ કોડાથી ચાંદુપટ્ટલા જગારેડ્ડી અને મહેસાણા બેઠક પરથી માત્ર એ કે પટેલ જ ચૂંટાયા હતા. આમ ભાજપ માટે ૧૯૮૪માં યોજાયેલી ૮ મી લોકસભાના ચૂંટણીના પરીણામો દુસ્વપ્ન સાબીત થયા હતા. કોંગ્રેસને કુલ ૪૯.૧૦ ટકા મતો મળ્યા જયારે ભાજપને ૭.૭૪ ટકા મત મળ્યા હતા.


Google NewsGoogle News