સરકારનું ટેન્શન વધ્યું! હવે ખાનગી કંપનીના કર્મચારીઓનું પેન્શન વધારાની માગ સાથે દેખાવ

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
સરકારનું ટેન્શન વધ્યું! હવે ખાનગી કંપનીના કર્મચારીઓનું પેન્શન વધારાની માગ સાથે દેખાવ 1 - image


Protest By Private Company Employees: ખાનગી કંપનીઓમાં 30થી 35 વર્ષ નોકરી કરીને નિવૃત્ત થયેલા કર્મચારીઓને આજે 1500થી 2500 રૂપિયા પેન્શન મળે છે. પરંતુ આ પેન્શનમાં વધારો કરીને મિનિમમ 7500થી 9500 રૂપિયાનું પેન્શન અને મોંઘવારી ભથ્થુ આપવાની વ્યવસ્થા કરવાની માગ ગુજરાત સહિત ભારતભરના પેન્શનર્સ કરી રહ્યા છે. આ મામલે ગુજરાત સહિત અનેક રાજ્યમાંથી ભેગા થયેલા કર્મચારીઓ- કામદારો દિલ્હીમાં દેખાવો કરી રહ્યા છે. ભારત સરકાર સમક્ષ તેમને પેન્શન વધારાના લાભ આપવા અને આરોગ્ય વીમાની કે મફત સારવારની સુવિધા કરી આપવાની માગ કરી રહ્યા છે.

ખાનગી કંપનીઓના કર્મચારીઓની પેન્શન માટે લડત

પેન્શન માટે લડત ચલાવી રહેલા જૂથના રાજેશ દેસાઈ જણાવે છે કે, વર્ષ 1995ની સાલમી પેન્શન સ્કીમ પ્રમાણે કર્મચારી કે કામદારના છેલ્લા પગારના બેઝિકમાંથી મહત્તમ 3500નો બેઝિક પગાર ગણીને પેન્શન નક્કી કરવામાં આવી રહ્યું છે. તેને પરિણામે કર્મચારી કે કામદારને 1000થી 2500 રૂપિયા સુધીનું પેન્શન મળી રહ્યું છે. સતત વધી રહેલી મોંઘવારીના વર્તમાન સમયમાં પેન્શનનું આ ધોરણ હાસ્યાસ્પદ છે. પેન્શનની આ રકમમાં કોઈનું જીવન ટકી શકે તેમ જ નથી. તેમ જ તેમના ખાધાખોરાકીનો ખર્ચ પણ નીકળી શકતો નથી. બીજી તરફ સરકારમાં કામ કરતાં કર્મચારીઓને માસિક 30,000થી 1,00,000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે.

આ પણ વાંચો: મોટી ટ્રેન દુર્ઘટના, અમદાવાદ તરફ આવતી સાબરમતી એક્સપ્રેસના 22 ડબા પાટા પરથી ખડી પડ્યાં

 

સરકારી કર્મચારીઓએ કરેલી નોકરીને સેવા ગણાવીને જીવનના સંધ્યાકાળે તેમને વળતર આપવા સારું પેન્શન આપવામાં આવે છે. તેની સાથે  તેમને મોંઘવારી ભથ્થાના લાભ પણ આપે છે. તેમ જ ડેઈલી એલાવન્સ પણ આપે છે. તેની સામે ખાનગી કંપનીઓના નિવૃત્ત કર્મચારીઓ કે કામદારોની સદંતર અવગણના કરવામાં આવી રહી છે.

મફત સારવાર આપવાની માગ

એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ તરફથી તેમને અત્યાર કરતા ઓછામાં ઓછું ચારથી પાંચ ગણુ પેન્શન મળવુ જરૂરી છે. તેમજ ખાનગી કંપનીઓના નિવૃત્ત કામદારો-કર્મચારીઓને આરોગ્ય વીમો અને મફત સારવાર પણ આપવી જોઈએ. ભારતમાં ઓછા પેન્શનની આવક મેળવનારા કામદારો કે કર્મચારીઓની સંખ્યા અંદાજે 50થી 60 લાખથી વધારે છે. ગુજરાતમાં તેમની સંખ્યા અંદાજે અંદાજે 1.20 લાખ કામદાર-કર્મચારીઓ છે, જ્યારે રાજ્યમાં કુલ સંખ્યા 5 લાખ આસપાસની છે. લાખો કર્મચારીઓને પરેશાન કરી રહેલા આ પ્રશ્ન અંગે સુપ્રિયા સુલેએ સંસદમાં પણ આક્રમક રજૂઆત કરી હતી. દિલ્હીના રામલીલા મેદાનમાં ગુજરાત સહિત દેશના તમામ રાજ્યના પેન્શન ધારકોના પ્રતિનિધિઓ અત્યારે દેખાવો કરી રહ્યા છે. સરકારે તેમને મંત્રણા માટે બોલાવ્યા છે.

સરકારનું ટેન્શન વધ્યું! હવે ખાનગી કંપનીના કર્મચારીઓનું પેન્શન વધારાની માગ સાથે દેખાવ 2 - image


Google NewsGoogle News