કોંગ્રેસ પર મુશ્કેલીનો પહાડ તૂટ્યો! IT વિભાગની ધડાધડ નોટિસો, 3567 કરોડની વસૂલીનું ફરમાન
Congress Income Tax Notice: જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓનો ખડકલો સર્જાતો જઇ રહ્યો છે. આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં દેશની સૌથી જૂની પાર્ટીને 3567 કરોડ રૂપિયાની નોટિસ મોકલી છે. શુક્રવાર સુધી આ રકમ 1823 કરોડ રૂપિયા હતી. આ પછી શનિવારે કોંગ્રેસને વધુ ત્રણ નોટિસ મળી અને આ રકમ વધી ગઇ.
કઈ કઈ રકમની નોટિસ ફટકારાઈ?
આવકવેરા વિભાગે 2014-15માં રૂ. 663.05 કરોડ, 2015-16માં રૂ. 663.89 કરોડ અને 2016-17માં રૂ. 417.31 કરોડની નોટિસ ફટકારી છે. કોંગ્રેસે 2023ના અંત સુધીમાં પોતાની સંપત્તિ 1385 કરોડ રૂપિયાની આસપાસ હોવાની જાહેરાત કરી હતી. આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલી 135 કરોડની રિકવરી નોટિસ સામે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ કેસને 2016માં દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશન સાથે જોડવાની માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસે શું કહ્યું આ મામલે?
આ સમગ્ર મુદ્દા પર કોંગ્રેસના સાંસદ અને વકીલ વિવેક ટંખાએ જણાવ્યું હતું કે, "સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અગાઉની સ્પેશિયલ લીવ પિટિશન (SLP)માં મૂળ માંગ લગભગ 26 કરોડ રૂપિયાની હતી, જે ઘટાડીને 11-12 કરોડ રૂપિયા કરવામાં આવી હતી." હવે વ્યાજ ઉમેર્યા બાદ તે જ રકમ રૂ. 50 કરોડનો આંકડો વટાવી ગઈ છે. આ પાગલપનની ચરમસીમા છે. છેલ્લા ત્રણ દિવસમાં કોંગ્રેસ પાસેથી 3,567.3 કરોડ રૂપિયાની જંગી ટેક્સ ડિમાન્ડ કરવામાં આવી છે. આ તાજેતરમાં કોંગ્રેસના બેંક ખાતામાંથી રિકવર કરાયેલા રૂ. 135 કરોડથી પણ અલગ છે. ભાજપે પસંદગીના અધિકારીઓનો આભાર માનવો જોઈએ અને અભિનંદન પાઠવવા જોઈએ.
કોંગ્રેસ જનતામાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છેઃ ભાજપ
ભાજપે આ મામલે કહ્યું કે કોંગ્રેસનો વિરોધ 'સિનાજોરી' છે. કોંગ્રેસ હંમેશા દેશની બંધારણીય સંસ્થાઓને પોતાની સંપત્તિ માની છે. પાર્ટીના પ્રવક્તા સૈયદ ઝફર ઈસ્લામે શનિવારે કહ્યું કે કોંગ્રેસ નિયમો અને કાયદાઓનું પાલન કરવાનું અપમાન માને છે. આવકવેરા મુદ્દે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન પર ઝફર ઈસ્લામે પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી નિયમોનું પાલન કરતી નથી અને જ્યારે એજન્સીઓ આ માટે નોટિસ આપે છે ત્યારે તે તેની અવગણના કરે છે. જ્યારે કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે તે પોતાને પીડિત સાબિત કરવાનું શરૂ કરે છે. તે લોકોને આ મામલે ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી છે.