ટેક્સ મામલે કોંગ્રેસ પર 24 જુલાઇ સુધી નહીં થાય કોઈ કાર્યવાહી: ITએ સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી
Income Tax Department Relief to Congress : ઈનકમ ટેક્સ રિકવરી વિરૂદ્ધ કોંગ્રેસને મોટો રાહત મળી છે. સુપ્રીમ કોર્ટમાં સોમવારે (1 એપ્રિલ) ઈનકમ ટેક્સ વિભાગની નોટિસ વિરૂદ્ધ કોંગ્રેસે દાખલ કરેલી અરજી પર સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આશ્વાસન આપ્યું કે હાલ આ મામલે કોઈ એક્શન નહીં લેવામાં આવે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોની વાત સાંભળતા આ મામલે સુનાવણી 24 જુલાઈ સુધી ટાલી દીધી.
સુનાવણી દરમિયાન ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતા હાજર થયા. તેમણે કહ્યું કે, 'અમે નથી ઈચ્છતા કે કોઈ પાર્ટીને ચૂંટણી લડવામાં તકલીફ સર્જાય, એટલા માટે હાલ 1700 કરોડ રૂપિયાની વસૂલી માટે પગલા નહીં ભરવામાં આવે.' સોલિસીટર જનરલે જસ્ટિસ બીવી નાગરત્નાની પીઠને અપીલ કરી કે નોટિસ વિરૂદ્ધ મામલે સુનાવણીને ચૂંટણી બાદ સુધી ટાળી શકાય છે. કોંગ્રેસ 135 કરોડ રૂપિયાની વસૂલી વિરૂદ્ધ કોર્ટ પહોંચી હતી.
ઈનકમ ટેક્સનું વલણ ખુબ ઉદાર : કોંગ્રેસના વકીલ
સૉલિસીટર જનરલે કહ્યું કે, 'તેમની (કોંગ્રેસ) અરજીમાં મર્યાદિત માંગ કરાઈ છે, પરંતુ અમે તેને આગળ વધારતા કહી રહ્યા છીએ કે હાલ 1700 કરોડ રૂપિયાની અથવા કોઈ બીજી રકમની વસૂલી માટે કોઈ પગલા નહીં ભરીએ.' તેના પર કોંગ્રેસ તરફથી રજૂ થયેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, 'હું નિઃશબ્દ થઈ જાઉ છું અને એવું કોઈકવાર જ બને છે. મારે કહેવું પડી રહ્યું છે કે તેનું વલણ ખુબ ઉદાર છે.'
ત્યારે, જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે, 'અમે આ મામલે 24 જુલાઈએ સુનાવણી કરીશું. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના નિવેદનને ધ્યાને રાખતા સુનાવણીને ટાળવામાં આવી રહી છે.' કોર્ટે કહ્યું કે, 'આ અરજીના વિરોધમાં પોતાની દલીલો રાખવા માટે બાદમાં તેમને મોકો મળશે.'