મહાકુંભમાં 6 જગ્યાએ દુર્ઘટના ઘટી, સાચો મૃતકાંક છુપાવાયો, CM યોગી રાજીનામું આપે : શંકરાચાર્ય
Maha Kumbh News | ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં મૌની અમાસના થયેલી ધક્કામુક્કીમાં 30 શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા જ્યારે 60થી વધુ ઘવાયા હોવાનો દાવો રાજ્ય સરકાર અને પોલીસે કર્યો હતો. જોકે આ ધક્કામુક્કીની જાનહાનીનો આંકડો વધુ હોવાના દાવા થઇ રહ્યા છે. વ્યવસ્થાને લઇને સંતોમાં પણ નારાજગી જોવા મળી છે. બદ્રીનાથ જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ખુલીને આ મુદ્દે પોતાની વાત રાખી અને નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું હતું કે માત્ર એક જગ્યાએ નહીં પણ છ જગ્યાએ નાસભાગ થઇ, સરકારે ઘણી માહિતીને છુપાવીને ઠીક નથી કર્યું. શંકરાચાર્યએ યોગી આદિત્યનાથના મુખ્યમંત્રી પદેથી રાજીનામાની માગ કરી હતી.
શંકરાચાર્યએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે સરકારે મહાકુંભ પહેલા કહ્યું હતું કે 42 કરોડ લોકો કુંભમાં આવશે અને વ્યવસ્થા 100 કરોડ લોકો માટે કરાઇ છે. જોકે મૌની અમાસની ધક્કામુક્કીમાં સરકારના આ દાવાની પોલ ખુલી ગઇ, મુખ્યમંત્રી યોગીએ આ ઘટનાને એક નહીં પણ 18 કલાક સુધી છુપાવીને રાખી, 18 કલાક વિત્યા બાદ પણ મૃત્યુના આંકડા લોકોથી છુપાવવામાં આવ્યા, યોગીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે અફવાઓ પર ધ્યાન ના આપો, યોગીને આ બધી અફવાઓ લાગતી હતી. યોગી કોઇ સંત નથી, સંત લોકોની મોત જેવી પિડાદાયક ઘટનાને છુપાવીને નથી રાખતા પરંતુ સામે આવીને સ્વીકાર કરે છે. યોગીએ આટલી મોટી ઘટના બાદ રાજીનામુ આપી દેવુ જોઇએ ને તેમના સ્થાને કોઇ સક્ષમ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવા જોઇએ. મને પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે એક નહીં પણ છ જગ્યાએ નાસભાગ થઇ હતી.
મીડિયા રિપોર્ટ મુજબ મહાકુંભમાં 30 નહીં પણ 48 લોકો નાસભાગમાં માર્યા ગયા છે. યુપી સરકાર અને પોલીસના દાવા મુજબ ૩૦ લોકો માર્યા ગયા છે પરંતુ અન્ય રાજ્યો દ્વારા પોતાના રાજ્યના નાગરિકોના મોતના આંકડા જાહેર કરાયા તેને જોડતા આંકડો 48 પર પહોંચી રહ્યો છે. આ આંકડા સામે આવ્યા બાદ બચાવમાં મહાકુંભના ડીએમનું કહેવુ છે કે અન્યોના મોતનું કારણ બીજુ હોઇ શકે છે. કેટલાક ગ્રાઉન્ડ મીડિયા રિપોર્ટમાં પણ નાસભાગ અન્ય જગ્યાએ પણ થઇ હોવાના અહેવાલો સામે આવ્યા છે. એવામાં શંકરાચાર્યએ યોગી સરકારને ઘેરી હતી અને આંકડા તેમજ માહિતી છુપાવવા બદલ ભારે ટિકા કરી હતી. બીજી તરફ વિપક્ષે પણ આ મુદ્દે યોગી સરકાર પર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે ઘટના 29મીની છે, ચાર દિવસ વિત્યા છતા રાજ્ય સરકારે મૃત્યુઆંકમાં કોઇ ફેરફાર નથી આપ્યો. કરોડો લોકો કુંભમાં આવી રહ્યા છે તેના આંકડા જાહેર થાય છે પરંતુ મૃત્યુ પામેલાના આંકડા કેમ છુપાવાઇ રહ્યા છે? ભાજપના તમામ નેતાઓ મોદી-યોગીને પ્રમોટ કરવા મથી રહ્યા છે પરંતુ જ્યારે મહાકુંભમાં નાસભાગની ઘટનાની જવાબદારી લેવાની વાત આવે ત્યારે તેઓ ભાગી રહ્યા છે.
મહાકુંભમાં ધક્કામુક્કીનો મૃત્યુઆંક 30 કે 48 ?
કુંભની ઘટનામાં મૃત્યુઆંક 30 હોવાનો યુપી સરકારે દાવો કર્યો છે, પરંતુ રાજ્યો દ્વારા તેમના નાગરિકોના મોતના આંકડા જાહેર કરાતા સંખ્યા વધી ગઇ હોવાના રિપોર્ટ છે. નાસભાગમાં અન્ય રાજ્યોના મૃતકોની સંખ્યા પર નજર કરીએ તો બિહારના 7, રાજસ્થાનના 3, ઉત્તરાખંડના એકનો સમાવેશ થાય છે. આ આંકડા યુપી પોલીસે કુલ મૃત્યુઆંકમાં સામેલ નથી કર્યા. મધ્ય પ્રદેશમાં પાંચના મોત થયા પણ કુંભ પોલીસનો દાવો ત્રણનો છે, બંગાળના પણ ચાર માર્યા ગયા પરંતુ પોલીસે બેના મોત થયાનો દાવો કર્યો, ઝારખંડ અને કર્ણાટકમાં પણ એક-એક આંકડો વધુ છે. યુપી પોલીસના દાવા મુજબ 30 મૃતકોમાં 14 યુપીના, કર્ણાટકના 4 મૃતદેહોની ઓળખ નથી થઇ. જોકે આંકડામાં ફેરફાર અંગે સ્પષ્ટતા કરતા મહાકુંભના ડીએમ વિજય કિરણ આનંદે કહ્યું હતું કે મૃત્યુના અન્ય કારણો પણ હોઇ શકે છે.