રામ મંદિરનું ઉદ્ઘાટન : યોગી સરકારે હોટેલોના બધા જ પ્રી-બુકિંગ રદ કર્યા
- અયોધ્યામાં હોટેલોમાં રૂમનું ભાડું રૂ 70000ને પાર
- અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં વીવીઆઈપીની સુરક્ષાને પગલે રાજ્ય સરકારનો નિર્ણય
- અયોધ્યા એરપોર્ટ પર 100થી વધુ વિમાનો, ચારથી પાંચ લાખ શ્રદ્ધાળુઓના આગમનની સંભાવના
અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન અને રામ લલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભને હવે એક મહિનાનો સમય માંડ બચ્યો છે ત્યારે મંદિરના ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહેવા માટે હિન્દુઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેને પગલે હોટેલોમાં ૨૨-૨૩ જાન્યુઆરી માટે એક રૂમનું ભાડું રૂ. ૭૦,૦૦૦ને પાર થઈ ગયું છે. આવા સમયે યોગી સરકારે ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં અયોધ્યામાં ૨૨ જાન્યુઆરી માટે બધી જ હોટેલો-ધર્મશાળાઓના પ્રી-બુકિંગ રદ કરી દીધા છે.
ભગવાન રામની નગરી અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું ૨૨મી જાન્યુઆરીએ ઉદ્ઘાટન થવાનું છે. આ સમારંભના સમયે દેશભરમાંથી અંદાજે ૩થી ૫ લાખ શ્રદ્ધાળુઓ શહેરમાં ઉમટી પડશે તેવી સંભાવના છે. શ્રદ્ધાળુઓના ધસારાને જોતાં શહેરના હોટેલ ઉદ્યોગમાં જબરજસ્ત તેજી જોવા મળી હતી. ૨૨-૨૩ જાન્યુઆરી માટે અયોધ્યામાં મોટાભાગની હોટેલોમાં રૂમ બૂક થઈ ગયા છે. ફાઈવ સ્ટાર હોટેલોમાં જ્યાં રૂમ ખાલી છે ત્યાં એક દિવસનું ભાડું રૂ. ૭૦,૦૦૦ને પાર થઈ ગયું છે. નાની-મોટી હોટેલો-ધર્મશાળામાં પણ રૂમના ભાડાંમાં અનેક ઘણો ઉછાળો જોવા મળ્યો છે. આ જ સમયે અયોધ્યામાં મંદિરના ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠા સમારંભની તૈયારીઓની સમીક્ષા કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહેરમાં ૨૨ જાન્યુઆરીના દિવસ માટે બધી જ હોટેલો અને ધર્મશાળાઓના પ્રી-બૂકિંગ રદ કરી દેવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે દલીલ કરી છે કે આ દિવસે વીવીઆઈપીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અયોધ્યામાં ૨૨ જાન્યુઆરી માટે લોકોએ મોટી સંખ્યામાં હોટેલોમાં બૂકિંગ કરાવ્યા છે.
જોકે, રાજ્ય સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં માત્ર એ લોકો જ હોટેલમાં રોકાઈ શકશે જેમની પાસે ડયુટી પાસ હશે અથવા જેમને શ્રીરામ તીર્થ ટ્રસ્ટે આમંત્રણ આપ્યું હશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, અનેક લોકોએ ૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભના દિવસે સ્થાનિક હોટેલો અને ધર્મશાળાઓમાં રૂમ બૂક કરાવ્યાનું સરકારના ધ્યાનમાં આવ્યું છે. જોકે, સરકારે અત્યાર સુધી થયેલા બધા જ બૂકિંગ રદ કરવાની જાહેરાત કરી છે. આ દિવસે ભારતના વિશિષ્ટ આમંત્રીતો અયોધ્યામાં આવશે. અયોધ્યા એરપોર્ટ પર પણ ૧૦૦થી વધુ વિમાનો આવવાની સંભાવના છે, તેમના ડાયવર્ઝનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
અયોધ્યામાં વડાપ્રધાન મોદીના ૩૦ ડિસેમ્બરના પ્રવાસ પહેલા સીએમ યોગીએ અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. પીએમ મોદીની આ મુલાકતમાં શહેરને હજારો કરોડના પ્રોજેક્ટની ભેટ અપાશે. આ દિવસે અયોધ્યાને ત્રેતાયુગના વૈભવની જેમ શણગારવામાં આવશે.