PM મોદીના હસ્તે ગાંધીનગર-મુંબઈ 'વંદે ભારત એક્સપ્રેસ'નો પ્રારંભ
- વડાપ્રધાને વંદે ભારત ટ્રેનમાં ગાંધીનગરથી કાલુપુર સ્ટેશન સુધી સવારી કરી
અમદાવાદ, તા. 30 સપ્ટેમ્બર 2022, શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેમણે ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકાણ કર્યું હતું અને આજે તેમણે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવાની સાથે ગુજરાતને વધુ એક હાઈસ્પિડ ટ્રેનની ભેટ આપી છે.
ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાને ગાંધીનગર-મુંબઈ રૂટ માટેની વંદે ભારત ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને આ સુવિધાઓ મળશે
- GSM અથવા GPRS
- ટચ-ફ્રી સ્લાઈડિંગ ડોર
- સીસીટીવી કેમેરા
- પેસેન્જર ઈન્ફોર્મેશન સેન્ટર
- વેક્યૂમ બાયોટોયલેટ્સ
- સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ
- 180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર
- વાઈફાઈની સુવિધા
- દિવ્યાંગો માટે વિશેષ ટોયલેટ્સ
KAVACH ટેક્નિકથી સજ્જ પ્રથમ વંદે ભારત ટ્રેન
ગુજરાતમાં શરૂ થયેલી આ વંદે ભારત ટ્રેનમાં પહેલી વખત 'KAVACH' (ટ્રેન કોલાઈઝન અવોઈડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે. આ ટેક્નિકને ભારતમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.
ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ
આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઈન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઈડ કેમેરા, તમામ કોચમાં ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઈલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો વાપરવામાં આવ્યા છે.
અન્ય કાર્યક્રમો
વડાપ્રધાન બપોરે 11:30 કલાકે કાલુપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલના પહેલા ફેઝને લીલી ઝંડી આપશે. સાથે જ તેઓ કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોમાં સવારી કરશે. બપોરે 12:00 કલાકે તેઓ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર સભાને સંબોધશે અને સાંજે 5:45 કલાકે અંબાજી પહોંચશે.
અંબાજીમાં તેઓ 7,200 કરોડથી પણ વધુના કામોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. બાદમાં સાંજે 7:00 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરીને સાંજે 7:45 કલાકે ગબ્બર ઉપર મહાઆરતીમાં હાજરી આપશે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ અંબાજી ખાતેથી 61,805 આવાસોનું ઇ-લોકાર્પણ અને ખાતમહૂર્ત કરશે