સુપ્રીમ કોર્ટને કેવા ફોર્મેટમાં ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા જોઈએ છે?, જાણો એસબીઆઈને શું નિર્દેશ કરાયા
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા જાહેર કર્યો હતો
Electoral Bond: ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના એક મહિના પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)તેના ડેટ યોગ્ય રીતે જાહેર કર્યા નથી. સુપ્રીમ કોર્ટે એસબીઆઈને ફરી ઠપકો આપવો પડ્યો છે. ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડે કહ્યું કે, 'શું બેંક કોર્ટના નિર્ણયને સમજી શકી નથી?' સુપ્રીમ કોર્ટ કયા ફોર્મેટમાં ઈલેક્ટોરલ બોન્ડના ડેટા માગે છે અને કઈ માગણીઓ કરવામાં આવી છે?
ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડે સોમવારે સુનાવણીમાં બેંક અને કંપનીઓ તરફથી હાજર રહેલા વકીલોને નિર્દેશ આપ્યો કે એસબીઆઈને 21મી માર્ચે સાંજે 5 વાગ્યા પહેલા ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ ડેટા જાહેર કરે. બેંક બોન્ડનો ડેટા ચૂંટણી પંચને સોંપશે, જે ચૂંટણી પંચની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કયો ડેટા જાહેર કર્યો?
સુપ્રીમ કોર્ટના 15મી ફેબ્રુઆરીના નિર્ણય બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા જાહેર કર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટ તેનાથી સંતુષ્ટ નથી. કારણે કે, બેંકે બે ભાગમાં ડેટા જાહેર કર્યો, જે ચૂંટણી પંચની વેબસાઈટ પર જોઈ શકાય છે. આ ડેટાનો પહેલો ભાગ બોન્ડની ખરીદીની તારીખ, બોન્ડ ખરીદનાર વ્યક્તિ અથવા કંપનીનું નામ અને તેની કિંમત દર્શાવે છે. બીજા ભાગમાં, બોન્ડને છોડાવાની તારીખ, પક્ષનું નામ અને તેની કિંમત આપવામાં આવી છે. ત્રીજી નકલ પણ ચૂંટણી પંચની વેબસાઈટ પર ઝિપ ફાઈલના રૂપમાં બહાર પાડવામાં આવી છે, જેમાં બોન્ડની કિંમત, દાતા-બોન્ડ છોડાવાનારનું નામ અને તારીખ સહિતનો ડેટા સામેલ છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણયનો અર્થ
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, સ્ટેટ બેંકે અંતિમ ડેટા જાહેર કરવાનો રહેશે, જેમાં બેંકે યુનિક કોડ જાહેર કરવાનો રહેશે, જે એ જાણવામાં મદદ કરશે કે ક્યારે, કોને, કઈ પાર્ટીને અને કેટલું ફંડ આપવામાં આવ્યું. જાહેર કરાયેલ ડેટામાં ફેરફાર કરીને અને એક કોલમ ઉમેરીને, બેંક એક યુનિક કોડ સાથે ડેટાને બે ભાગમાં પ્રકાશિત કરી શકે છે, જે સામાન્ય લોકો માટે સમજવામાં સરળ હશે.
સુપ્રીમ કોર્ટને કયા ફોર્મેટમાં ડેટા જોઈએ છે?
સામાન્ય લોકો ડેટાને સરળતાથી સમજી શકે તે માટે સુપ્રીમ કોર્ટ ઈચ્છે છે કે સ્ટેટ બેંક એક યુનિક કોડ સાથે તમામ ડેટા જાહેર કરે. જો બેંક અનન્ય કોડ સાથે ડેટા જાહેર કરે છે, તો બેંકે ડેટાને બે ભાગમાં ડેટા જાહેર કરવો જોઈએ.
ભાગ-એકમાં ઈલેક્ટોરલ બોન્ડની ખરીદીની તારીખ, ખરીદનારના નામ, બોન્ડનો યુનિક કોડ અને તેની કિંમત આપવી જોઈએ.
ભાગ-બેમાં ઈલેક્ટોરલ બોન્ડના છોડાવાની તારીખ, છોડાવનાર પક્ષ, બોન્ડનો યુનિક કોડ અને બોન્ડની કિંમત આપવી જોઈએ.
યુનિક કોડ શું છે?
ઈલેક્ટોરલ બોન્ડ શરૂઆતથી જ વિવાદોમાં છે. તેની પારદર્શિતા પર સવાલો થયા પછી, નાણા મંત્રાલયે ડિસેમ્બર 2021માં લોકસભામાં સ્વીકાર્યું હતું કે, 'ઈલેક્ટોરલ બોન્ડ પર છુપાયેલ આલ્ફાન્યૂમેરિક નંબર કોઈપણ નકલી ઈલેક્ટોરલ બોન્ડની પ્રિન્ટિંગ અથવા એનકેશમેન્ટને રોકવા માટે આંતરિક સુરક્ષા આપે કરે છે.' તમામ બોન્ડ પર વિવિધ આલ્ફાન્યૂમેરિક નંબરો રેકોર્ડ કરવામાં આવે છે, જેને યુનિક કોડ કહેવામાં આવે છે.
કોડ બોન્ડના જમણા બાજુ ખૂણા પર લખેલા છે. આ કોડ ફોરેન્સિક તપાસ અથવા અલ્ટ્રાવાયોલેટ-લાઇટની મદદથી સરળતાથી જોઈ શકાય છે. હવે સ્ટેટ બેંકે આ નંબર સાથે ડેટા જાહેર કરવો પડશે, જેના દ્વારા તમે બોન્ડ ખરીદનાર અને જેણે તેને રિડીમ કર્યો છે તેની સાથે મેચ કરી શકશો.
ઈલેક્ટોરલ બોન્ડનો વિરોધ શા માટે થયો?
ઈલેક્ટોરલ બોન્ડ જાહેર કરવાનો અધિકાર માત્ર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસે છે, જે નાણાં મંત્રાલય હેઠળ કામ કરે છે. ચૂંટણી બોન્ડ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરકાયદે જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ તેમની પારદર્શિતા પર શરૂઆતથી જ સવાલો ઉઠ્યા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં દાવો કરવામાં આવ્યો હતો કે બોન્ડ સ્કીમ પારદર્શક છે અને તેના દ્વારા રાજકીય ફંડિંગ કરનારાઓની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. બોન્ડના વિરોધીઓનું માનવું હતું કે ફંડિંગ વિશેની તમામ માહિતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને સરળતાથી મળે છે, જે કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય હેઠળ કામ કરે છે.