"એક પેપરના 12 લાખ રૂપિયા... એન્જિનિયર્સે ભેગા થઈને રચ્યું પેપર લીક કૌભાંડ, પોલીસ તપાસમાં ઘટસ્ફોટ "
Review Officer Exam Cancelled Due To Paper Leak: મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની નીટ(NEET) પરીક્ષાના પેપર લીકને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. અત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. ઉત્તર પ્રદેશમાં રિવ્યુ ઓફિસર/આસિસ્ટન્ટ રિવ્યુ ઓફિસરની પોસ્ટ માટે 11 ફેબ્રુઆરીએ લેવાયેલી પરીક્ષા પેપર લીકના આરોપોને કારણે રદ કરવામાં આવી છે. પેપર લીક મામલે પોલીસ તપાસમાં મોટું ષડયંત્ર બહાર આવ્યું છે. આ પરીક્ષામાં 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જો કે યુપી પ્રશાસને પેપર લીકના આરોપોને ફગાવી દીધા છે. ગાજીપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ આર્યકા અઘોરીએ કહ્યું, કોઈ પેપર લીક થયું નથી. હું તેને સંપૂર્ણપણે નકારી કાઢું છું. કેન્દ્ર નિરીક્ષકથી બેદરકારી થઇ હતી. તેણે પરીક્ષા હોલની જગ્યાએ કંટ્રોલ રૂમમાં પ્રશ્નપત્રોનું બંડલ ખોલ્યું હતું. જો કે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે યુપી રિવ્યુ ઓફિસર/આસિસ્ટન્ટ રિવ્યુ ઓફિસર (RO/ARO)ની પરીક્ષાનું પેપર 950 કિમી દૂર ભોપાલથી લીક થયું હતું. જેમાં એન્જિનિયરિંગના ચાર વિદ્યાર્થીઓ સામેલ હતા. ચાલો સમજીએ કે એન્જિનિયરિંગના 4 વિદ્યાર્થીઓએ આટલું મોટું પેપર કેવી રીતે લીક કર્યું....
પોલીસ તપાસમાં શું જાણવા મળ્યું?
યુપી પોલીસે આ કેસમાં પ્રયાગરાજ જિલ્લાના કીડગંજમાં એક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા સુનીલ રઘુવંશી સહિત 6 લોકોની ધરપકડ કરી છે. 11 ફેબ્રુઆરીની સવારે પ્રયાગરાજના પરીક્ષા કેન્દ્ર બિશપ જોન્સન ગર્લ્સ સ્કૂલ એન્ડ કોલેજમાંથી પેપર લીક કરાયું હતું. પોલીસને શંકા છે કે પેપર આ પરીક્ષા કેન્દ્ર સિવાય બીજી જગ્યાએથી લીક થયું હશે. જ્યારે પ્રિન્ટિંગ પ્રેસ વિશે માહિતી મેળવવામાં આવી તો જાણવા મળ્યું કે પેપર ભોપાલથી છપાયું હતું.
4 એન્જિનિયરો દ્વારા પેપર લીક કરાયું હતું
યુપી પોલીસની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ પરીક્ષાનું પેપર રાજીવ નયન મિશ્રા, સુભાષ પ્રકાશ, વિશાલ દુબે અને સુનીલ રઘુવંશી (પ્રિંટિંગ પ્રેસ કર્મચારી) નામના 4 એન્જિનિયરો દ્વારા લીક કરવામાં આવ્યું હતું. ચારેય અલગ-અલગ ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા હતા.
પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું
પોલીસને પ્રશ્નપત્ર લીકનું કનેક્શન ભોપાલમાં મળ્યું છે. આ પેપર ભોપાલના પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયા હતા. પરીક્ષા પેપર લીકના માસ્ટરમાઇન્ડમાંના એક રાજીવ નયન મિશ્રાએ પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારી સુનીલ રઘુવંશી (ભોપાલ), વિશાલ દુબે (પ્રયાગરાજ) અને સુભાષ પ્રકાશ (મધુબની) સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. આ તમામ પાસે એન્જિનિયરિંગની ડિગ્રી છે. સંદીપ પાંડે (પ્રયાગરાજ), અમરજીત શર્મા (ગયા), વિવેક ઉપાધ્યાય (બલિયા)એ આમાં સાથ આપ્યો હતો. તે તમામ એન્જિનિયરિંગ કોલેજમાંથી પાસ આઉટ થયા છે. જ્યારે પ્રિન્ટિંગ પ્રેસમાં આ પરીક્ષાનું પ્રશ્નપત્ર આવ્યું ત્યારે સુનીલે અન્ય લોકોને તેની જાણ કરી. તેણે પેપર હાથમાં આપવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, સુનિલે એક શરત પણ મૂકી હતી કે ઉમેદવારોએ પેપર તેની સામે વાંચવું પડશે, જેથી તે વાયરલ ન થાય. રાજીવ મિશ્રા, સુનીલ રઘુવંશી અને અન્ય પાર્ટનર સુભાષ પ્રકાશ શરતો માટે સંમત થયા હતા.
12 લાખમાં પેપર લીક કરાયું હતું
પ્રિન્ટિંગ દરમિયાન જો કોઈ પ્રશ્નપત્ર ડેમેજ થાય તો તેને અલગ કરી દેવામાં આવે છે. બાદમાં કટકા કરનાર મશીનના ઉપયોગથી તેનો નાશ કરી દેવાય છે. સુનીલ રઘુવંશી આ તક શોધી રહ્યો હતો. 3 ફેબ્રુઆરીના રોજ સુનીલ પ્રિન્ટીંગ પ્રેસમાં મશીન રીપેરીંગ માટે હાજર હતો. પ્રેસમાં પ્રશ્નપત્ર જોઈને તે મશીનને રિપેર કરવાના બહાને મશીનનો એક ભાગ પોતાની સાથે લઈ ગયો હતો. તે કાગળો ઘરે લાવ્યો અને તેના મિત્રોને તેની જાણ કરી. બધાએ નક્કી કર્યું પરીક્ષાના ત્રણ દિવસ પહેલા 8 ફેબ્રુઆરીએ ઉમેદવારોને હોટલના રૂમમાં બોલાવવામાં આવશે અને દરેકને 12 લાખ રૂપિયામાં પેપર બતાવવામાં આવશે.
સુનિલ રઘુવંશી પ્રશ્નપત્રના બે સેટની 6 નકલો લઈને હોટલ પહોચ્યો હતો. સુભાષ પ્રકાશે સહાયકની મદદથી પેપર સોલ્વ કર્યું. વિદ્યાર્થીઓને હોટલમાં જ જવાબો યાદ કરાવી દીધા હતા. અન્ય બે સાથી વિવેક ઉપાધ્યાય અને અમરજીત શર્મા બાકીના ઉમેદવારોને હોટલ લઈ આવ્યા હતા. સુભાષ પ્રકાશ પોતે આ પરીક્ષા માટે ઉમેદવાર હતા. પોલીસને તેના ફોનમાંથી પ્રશ્નપત્રો મળ્યા હતા. તેમના સીરીયલ નંબરો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પ્રશ્નપત્ર જેવા જ હતા.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે વધુ પૈસાની લાલચમાં રાજીવ નયન મિશ્રાએ પ્રશ્નપત્રની તસવીરો યુપી પોલીસ કોન્સ્ટેબલ પેપર લીકના માસ્ટરમાઇન્ડ રવિ અત્રી સાથે શેર કર્યા હતા. આ ઓપરેશનનો મુખ્ય સૂત્રધાર રાજીવ મિશ્રા ભૂતકાળમાં અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેની ગર્લફ્રેન્ડ શિવાની પણ આ ઓપરેશનમાં સામેલ હતી અને પૈસાની લેવડ-દેવડનું ધ્યાન રાખતી હતી. રવિ અત્રી અને રાજીવ મિશ્રા બંને મેરઠ જેલમાં છે.
તમને જણાવી દઈએ કે યુપી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં 60000 નોકરીની ખાલી જગ્યાઓ માટે 47 લાખથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી. પેપર લીક થયા બાદ આ પરીક્ષા પણ રદ કરવામાં આવી છે.