ઉત્તર પ્રદેશમાં ભાજપને માત્ર એક જ બેઠક વારાણસી પર જીત મળશે : રાહુલ
કોરોનાની ખરાબ રસી આપી ભાજપે લોકોની જિંદગી જોખમમાં મુકી અખિલેશ
રાહુલ-અખિલેશની સભામાં ઉમટેલી ભીડ બેકાબૂ થતાં બંને ભાષણ કર્યા વગર રવાના
અદાણી-અંબાણી ટેમ્પો ભરીને કાળુ નાણું આપી રહ્યા હોય તો તમારી એજન્સીઓ શું કરી રહી છે : મોદીને પ્રિયંકાનો સવાલ
નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ભાજપને માત્ર એક જ બેઠક મળશે. પ્રયાગરાજમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની સાથે જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વારાણસી (ક્યોટો) બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે તે એક માત્ર બેઠક ભાજપને મળશે. અગાઉ મોદીએ દાવો કર્યો હતો કે તેઓ વારાણસીને જાપાનના ક્યોટો શહેર જેવુ વિકસાવશે. જેને કારણે રાહુલે આ ટોણો માર્યો હતો.
રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બંધારણ બચાવવા માટેની આ લડાઇ છે, ભાજપ અને આરએસએસ બંધારણ પર હુમલો કરી રહ્યા છે. હું તેમને જણાવવા માગુ છું કે બંધારણને કોઇ ફાડી કે દુર ફગાવી નહીં શકે. રાહુલ ગાંધી પહેલા અખિલેશ યાદવે સભાને સંબોધી હતી, તેમણે જણાવ્યું હતું કે કોરોનાની ખરાબ રસી આપીને ભાજપે લોકોની જિંદગી જોખમમાં મુકી છે, અને હવે તે આપણા બંધારણનો નાશ કરવા માગે છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે સવાલ કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં રાશનની દુકાનો પર નરેન્દ્ર મોદીની તસવીર હટાવવામાં આવી જેને કારણે કેન્દ્ર સરકાર દ્વારા મળતુ ૭૦૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ અટકાવી દેવામાં આવ્યું. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સામે રાજભવનના મહિલા કર્મચારીના શારીરિક શોષણના આરોપો છતા તેમણે હજુસુધી રાજીનામુ કેમ નથી આપ્યું? દરમિયાન પ્રયાગરાજના ફુલપુરમાં અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીએ સંયુક્ત જનસભા યોજી હતી, જોકે બન્ને નેતાઓ આવી રહ્યા હોવાની જાણકારી મળતા બહુ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.
ભીડ કાબુ બહાર જતી રહી હતી અને રાહુલ-અખિલેશને જોઇને ટોળુ સ્ટેજ તરફ ધસી આવ્યું હતું. લોકો સ્ટેજ સામેના બેરિકેડ્સ હટાવી અંદર ઘુસી ગયા હતા. જોકે ચારેય તરફ અફડા તફડીનો માહોલ જણાતા અખિલેશ અને રાહુલ બાદમાં જતા રહ્યા હતા. સમાજવાદી પાર્ટીએ દાવો કર્યો છે કે ભાજપના ઇશારે ભીડને કાબુમાં કરવા માટે પુરતી સુરક્ષા વ્યવસ્થા નહોતી કરવામાં આવી કે બળપ્રયોગ પણ નહોતો કરાયો. ભીડના હાથમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ઝંડા જોવા મળ્યા હતા. નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ અને અદાણી-અંબાણી વચ્ચે ડીલ થઇ છે, કોંગ્રેસે બન્ને ઉદ્યોગપતિ પાસેથી ટેમ્પો ભરીને રૂપિયા લીધા છે. જેનો જવાબ આપતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે જો મોદીને ખરેખર એમ લાગતુ હોય કે કોંગ્રેસને અદાણી-અંબાણીએ કરોડો રૂપિયા આપ્યા છે તો કેન્દ્ર સરકાર એજન્સીઓનો ઉપયોગ કેમ નથી કરી રહી? બે વખત જુઠ બોલીને ભાજપે સત્તા મેળવી, હવે ત્રીજી વખત પણ જુઠનો સહારો લઇ રહી છે. જોકે જનતા હવે ભાજપને ઓળખી ગઇ છે.