LuLu Mall વિવાદમાં UP પોલીસ એક્સશનમાં, નમાજ અદા કરનારા 4 યુવકોની ધરપકડ
નવી દિલ્હી, તા. 19 જુલાઇ 2022, મંગળવાર
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક લુલુ મોલનુ 10 જુલાઇના રોજ ઉદ્વાટન કરવામાં આવ્યુ જે ખૂદ યોગી આદિત્યનાથે કર્યું હતુ. લુલુ ગ્રુપનું નેતૃત્વ ભારતીય મૂળના ઉદ્યોગપતિ યુસુફ અલી એમએ કરી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસ-પ્રશાસનને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. તેવા સમયે મોલનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં લુલુ મોલમાં થોડા લોકો નમાઝ અદા કરી રહ્યાં છે. આ વિવાદ વચ્ચે મોટી કાર્યવાહી થઈ છે.
યુપી પોલીસે લુલુ મોલ પરિસરમાં નમાજ અદા કરી રહેલા ચાર યુવકોની ઓળખ કરીને તેમની ધરપકડ કરી લીધી છે. પોલીસ હવે આ ચારેય યુવકોની પૂછપરછ કરી રહી છે. નમાઝનો વીડિયો સામે આવ્યા બાદ હિન્દુવાદી સંગઠને લુલુ મોલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પોલીસે જણાવ્યું કે, મોહમ્મદ રેહાન, આતિફ ખાન, મોહમ્મદ લોકમાન અને મોહમ્મદ નોમાનની લુલુ મોલમાં નમાજ અદા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ લખનઉના રહેવાસી છે. મોહમ્મદ લોકમાન અને મોહમ્મદ નોમાન મૂળ સીતાપુરના છે. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અન્યની શોધખોળ ચાલુ છે.
યુપી પોલીસે લુલુ મોલ પરિસરમાં પરવાનગી વગર પ્રવેશવા અને હનુમાન ચાલીસાના પાઠ કરવા બદલ બે લોકોની ધરપકડ પણ કરી છે અને મોલ પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે હંગામો મચાવનાર ઓછામાં ઓછા 15 લોકોની અટકાયત કરવામાં આવી છે.
અગાઉ, પોલીસે લુલુ મોલ પરિસરમાં નમાજ અદા કરવા બદલ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી હતી. મોલના પ્રતિનિધિની ફરિયાદના આધારે, પોલીસે ગુરુવારે એફઆઈઆર નોંધીને દાવો કર્યો હતો કે, વીડિયોમાં નમાજ અદા કરતા જોવા મળતા લોકો તેમના સ્ટાફના સભ્યો નથી.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ) ગોપાલ કૃષ્ણ ચૌધરીએ જણાવ્યું હતું કે, તહરીરના આધારે, ભારતીય દંડ સંહિતાની કલમ 153A (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવુ), 295A (ઈરાદાપૂર્વક ધાર્મિક લાગણીઓને ભડકાવવાના હેતુથી) અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. અન્ય સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. શુક્રવારે મોલ પ્રશાસને સમગ્ર પરિસરમાં નોટિસ લગાવી હતી કે, મોલમાં કોઈ પણ ધાર્મિક પ્રાર્થનાની મંજૂરી આપવામાં આવશે નહીં.