આ ગામમાં માત્ર પરણિત મહિલાઓ જ હોળી ઉજવે છે, કારણ જાણીને ચોંકી જશો
મહિલાઓ હોળી રમી શકે તે માટે પુરુષો ખેતર જતા રહે છે
ગામની મહિલાઓ રામ જાનકી મંદિર પાસે હોળી ઉજવે છે
લખનૌ, 13,માર્ચ,2025, ગુરુવાર
હોળી આમ તો આબાલવૃદ્ધ સૌ મનાવે છે પરંતુ આગવી પરંપરાઓ અને માન્યતાઓ ભારત દેશની સૌથી મોટી ઓળખ છે. હોળી-ધૂળેટીનો રંગોત્સવ દેશમાં ચાલી રહ્યો છે ત્યારે ઉત્તરપ્રદેશનાં કુંડરા ગામમાં માત્ર મહિલાઓ જ હોળી રમે છે. હોળી પછીના ધૂળેટીના દિવસે બાળકો અને યુવાનો એક બીજા પર રંગ છાંટતા નથી. પુરુષો જાણે કે હોળીનો દિવસ જ ના હોય એમ ખેતરમાં જતા રહે છે આથી નાની મોટી ઉંમરની મહિલાઓ શરમ સંકોચ વિના હોળીનો આનંદ ઉઠાવી શકે છે.
ગામની પરણિત મહિલાઓ રામ જાનકી મંદિરમાં રંગોત્સવ મનાવવા એકઠી થાય છે. નવાઈની વાત તો એ છે આ હોળીમાં ગામની અપરણિત યુવતીઓ પણ ભાગ લેતી નથી. માત્ર પરણિત મહિલાઓ જ હોળી રમે છે તેની પાછળ એક કહાની છે. વર્ષો પહેલાં જ્યારે ડાકુઓનો ત્રાસ હતો ત્યારે મેમારસિંહ નામના ડાકુની આજુબાજુના વિસ્તારમાં હાક વાગતી હતી. મેમારસિંહે એક વાર ગામ પર ચડાઈ કરીને હોળીના દિવસે જ આગેવાન ગ્રામવાસીની હત્યા કરી હતી.
આ બનાવ પછી દાયકાઓ સુધી ગામ લોકોએ હોળી ઉજવવાની બંધ કરી હતી. છેવટે ગામની મહિલાઓ જ હોળી રમે એવી છૂટ આપવામાં આવી ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. જો મહિલા જ નહીં બાળકો અને યુવાનો પણ હોળીમાં ભાગ લે તો શું થાય એ અંગે ગ્રામીણો પણ જાણતા નથી પરંતુ પરંપરા તોડવા માંગતા નથી. માત્ર મહિલાઓ જ હોળીમાં ભાગ લે છે એ વાતનો યુવાનો કે બાળકોને કોઈ રંજ પણ નથી.
આવી જ રીતે છત્તીસગઢ રાજ્યના કોરબા જિલ્લા મથકથી 35 કિમી દૂર ખરહરી નામનું ગામ છે જ્યાં 200 વર્ષથી હોળી ઉજવાતી નથી. આ ગામના લોકો માને છે કે હોળી પ્રગટાવવાથી ગામમાં કોઈ આફત આવે છે. વર્ષો પહેલા આગ લાગવાની ઘટના પછી આ માન્યતા દૃઢ બની છે. ધમનાગુડી ગામનો લોકો હોળીના ગુલાબી રંગથી ખૂબ ડરે છે. ગુલાબી રંગને તેઓ દૈવી કોપનું પ્રતિક સમજે છે આથી હોળીના દિવસે ઘરમાં પૂરાઈ રહે છે.