Get The App

લોકસભા ચૂંટણીમાં વિપક્ષ આ 6 મુદ્દાને લઈને હાવી, શું ભાજપ 400 બેઠકનો આંકડો વટાવી શકશે?

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણીમાં વિપક્ષ આ 6 મુદ્દાને લઈને હાવી, શું ભાજપ 400 બેઠકનો આંકડો વટાવી શકશે? 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીના 400 પારના મિશન માટે સામ, દામ, દંડ અને ભેદથી કામ ચાલી રહ્યું છે. જોકે પ્રથમ બે તબક્કાના વલણ ભાજપ માટે ઉત્સાહજનક નથી. ભાજપે 370 બેઠક મેળવવી હશે તો કુલ ઉમેદવારોમાંથી 86 ટકા ઉમેદવાર જીતવા જરૂરી છે. જો કે હાલની સ્થિતિ અનુસાર ભાજપ માટે આ ટાર્ગેટ ઘણો મુશ્કેલ લાગી રહ્યો છે. અમુક બાબતો ભાજપ માટે પડકારરૂપ સાબિત થઇ શકે છે.

1. સરકાર અનામત ખતમ કરશે 

સરકાર અનામત ખતમ કરી દેશે તેવો નેરેટિવ સેટ કરવામાં વિપક્ષ સફળ રહ્યું છે. આ બાબતને લઈને અમિત શાહનો નકલી વીડિયો પણ ફરતો કરી દેવાયો છે. તેજસ્વી યાદવ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ જેવા નેતાઓ તાજેતરમાં નિવેદન આપ્યા છે, જેમાં સ્પષ્ટ અભિપ્રાય છે કે, ભાજપ સરકાર પોતાના ત્રીજા કાર્યકાળમાં અનામત ખતમ કરી દેશે. આ મુદ્દાને વધતો જોઈ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ અનેક વખત નિવેદન આપી ચુક્યા છે કે દેશમાં કોઇપણ સરકાર આવે અનામત ખતમ કરી શકશે નહીં. ભાજપ ઉદાહરણ પણ આપી રહી છે કે પ્રમોશનમાં અનામત ખતમ કરવાના કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભાજપે તેને કાયદો બનાવ્યો હતો. ભાજપ આ મુદ્દા પર જે રીતે સ્પષ્ટતા કરે છે તેનાથી લાગી રહ્યું છે કે ‘ઇન્ડિયા’ ગઠબંધન ભાજપને ઘેરવામાં સફળ રહ્યું છે.

2. 'સંવિધાન બચાવો' નારો મુદ્દો બની ગયો 

છેલ્લા પંદર દિવસથી બંને પક્ષ તરફથી સંવિધાન બચાવવાની વાતો થઇ રહી છે. એક તરફ ‘ઈન્ડિયા’ ગઠબંધન નેરેટિવ સેટ કરી રહ્યું છે કે ભાજપ 400 પારનો નારો એટલે લગાવે છે કે દેશમાં ઘણા બધા કાયદા બદલી શકાય.વિપક્ષે ઘણી જ ચાલાકીપૂર્વક આ વાતને સામાન્ય માણસો સુધી પહોચાડી છે. સીએસડીએસ સર્વેમાં પણ આ વાત સામે આવી છે કે ગામેગામ આ મુદ્દો બની ગયો છે છે કે ઇડી અને સીબીઆઈનો ઉપયોગ કરીને સરકાર મનમાની કરી રહી છે. વિપક્ષે તે વાત પણ દેલાવી છે કે જો ભાજપ સરકાર સત્તામાં આવશે તો દેશમાં બીજી વખત ચૂંટણી નહી થાય. જોકે આવી વાતો આજના સમયમાં કોઇપણ પક્ષ માટે સંભવ નથી. જો કે મોટી વાત તે છે કે જનતા આવી વાતોથી પ્રભાવિત થઇ રહી છે.  આ મુદ્દા પર ભાજપના નેતાઓ પણ વારંવાર કહી રહ્યા છે કે જો વિપક્ષની સરકાર બનશે તો અનુસુચિત જાતિ અને પછાતના અનામતમાં મુસ્લિમ લોકોને પણ હિસ્સો આપવામાં આવશે. 

3. જેડીએસ નેતાનું સેક્સ સ્કેન્ડલ 

કર્ણાટકમાં બીજા તબક્કાના મતદાનના બે દિવસ અગાઉ દેશના પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડાના પુત્ર સાંસદ પ્રજ્જ્વલ રેવન્નાની અનેક સેક્સ સીડી વાઈરલ થઇ છે. આ સીડી વાયરલ થતા જ રેવન્નાના ઘરની એક કુકે રેવન્ના અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. ઉલ્લેખનીય છે કે સેંકડો મહિલાઓ સાથે આ વીડિયો ક્લિપને ખુદ રેવન્નાએ જ શૂટ કરી હતી. આ ઘટના સામે આવતા જ કર્ણાટક સરકારે સાંસદ પ્રજ્જ્વલ રેવન્ના સાથે જોડાયેલા કથિત સેક્સ સ્કેન્ડલની તપાસ માટે વિશેષ તપાસ સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે રેવન્ના જર્મની નાસી છૂટ્યો છે. જોકે ભાજપ અને જેડીએસ કર્ણાટકમાં એક સાથે ચૂંટણી લડી રહી છે એટલે રેવન્નાને લઈને ભાજપ વિરુદ્ધ લોકરોષ ફાટી નીકળવાની શક્યતા છે. જોકે ભાજપના પ્રદેશ પ્રવક્તા એસ પ્રકાશે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે એક પક્ષની રીતે વીડિયો સાથે અમારે કોઈ લેવાદેવા નથી. અમે આ મામલે રાજ્ય સરકાર દ્વારા વિશેષ તપાસ સમિતિની રચના બાબતે નિવેદન કર્યું નથી. જો કે ચાલ, ચરિત્ર અને ચહેરાની વાત કરનારા ભાજપ માટે મુશ્કેલી જરૂર ઉભી થઇ ગઈ છે. બીજી તરફ ભાજપના એક નેતાએ આ મામલે દાવો કર્યો હતો કે તેમણે જેડીએસ અધ્યક્ષને આશરે 2976 સેક્સ ક્લિપની જાણકારી આપતો પત્ર મોકલ્યો હતો. જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે તેમાં દેવગૌડા પરિવારના લોકો સામેલ છે. આ સંજોગોમાં સવાલ ઉભો થયો છે કે ભાજપ આ બધું જાણતું હોવા છતાં જેડીએસ સાથે ગઠબંધન કેમ કર્યું. 

4. બસપા-ઓવૈસીનો પક્ષ ભાજપની ‘બી’ ટીમ ન બની 

ભાજપ માટે વર્ષ 2014 અને 2019 ચૂંટણી દરમિયાન બસપા અને ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલિમીન (AIMIM)ના ઉમેદવારોએ ચૂંટણી જંગને ત્રિકોણીય બનાવીને ભાજપને ઘણી બધી બેઠકો પર લાભ પહોંચાડ્યો હતો. જો કે આ વખતે ઓવૈસી અને માયાવતીએ ભાજપની ‘બી’ ટીમ બનવાનું પસંદ કર્યું નથી. વિપક્ષ બંને પક્ષો પર ભાજપની બી ટીમ હોવાનો આરોપ લગાવી રહ્યો છે પરતું આ વખતે બંને ફેક્ટર ગાયબ છે. ઓવૈસીએ અગાઉ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં 34 અને બિહારમાં 40 ઉમેદવાર ઊભા રાખશે, પરંતુ હવે ઓવૈસીનો ફક્ત એક ઉમેદવાર બિહારના કિશનગંજમાં છે. આ જ રીતે બસપાએ પશ્ચિમ ઉત્તર પ્રદેશથી માંડી પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી દોઢ ડઝન એવા ઉમેદવાર પસંદ કર્યા છે કે જે ભાજપને નુકસાન પહોંચાડી શકે છે.

5. 400 પારનું ફિલગુડ 

ભાજપનો 400 પારનો નારો ઉલટો પડી ગયો છે.  ભાજપને આટલી બેઠકો આવશે તો તે સત્તાને નિરંકુશ બનાવી શકે છે તેવો સંદેશ ગયો છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને કટ્ટર સમર્થકોમાં આ નારાને કારણે ફિલગુડ જેવી લાગણી થઇ રહી છે. તેને કારણે ઘણા લોકો એવું -માનીને ચાલી રહ્યા છે કે ભાજપ જીતી રહી છે. આ  કારણે ઘણા ભાજપના મતદારો મતદાન મથકો સુધી પહોંચ્યા નહોતા.  તેમને એવું લાગ્યું કે ભાજપ જીતી રહ્યું છે, એક વોટ ન આપવાથી શું થઇ જશે. જોકે ભાજપ માટે આ તદ્દન 2004 જેવી વાત થઇ ગઈ છે. આ સમયે સમગ્ર દેશને લાગતું હતું કે એનડીએની સરકાર ફરી ચૂંટાશે. પરંતુ તે સમયના વિપક્ષે સ્વપ્નેય નહોતું વિચાર્યું કે એનડીએની સરકાર બની શકશે નહીં. અ સ્થિતિ જ અત્યારે સર્જાઈ રહી છે.

6. ગુજરાત સહિતના રાજ્યોમાં રાજપૂતોની નારાજગી 

રાજપૂત ભાજપના હાર્ડકોર મતદાર રહ્યા છે પરંતુ આ વખતે ગુજરાત,રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના રાજપૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણીના મતદાન દરમિયાન ઉત્તર પ્રદેશમાં રાજપૂત બહુમતી ધરાવતા ગાઝિયાબાદ અને નોઇડામાં થયેલ સૌથી ઓછું મતદાન તેની સૌથી મોટી સાબિતી છે. પ્રથમ તબક્કામાં મુઝફ્ફરનગર સહીતમાં રાજપૂતોની સ્પષ્ટ નારાજગી જોવા મળી હતી.


Google NewsGoogle News