રશિયા-યુક્રેન યુદ્ધમાં એક ભારતીયનું મોત, એક ઈજાગ્રસ્ત: ઘણાં સમયથી બચાવવાની કરી રહ્યા હતા માગણી
Image- 'X' |
In Russia-Ukraine war one Indian died : લાંબા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે રહેલા યુદ્ધમાં કેરળના એક યુવાનનું મોત થયું છે અને તેના એક સંબંધીને પણ ગંભીર ઈજા થઈ છે. મૃતકની ઓળખ બીનિલ ટીબી (ઉંમર 32 વર્ષ) તરીકે થઈ છે. બીનિલ ટીબી કેરળના ત્રિશૂર જિલ્લાના વડક્કનચેરીનો રહેવાસી હતો. જયારે ઘાયલ થયેલા વ્યક્તિની ઓળખ જૈન ટીકે (ઉંમર 27 વર્ષ) તરીકે થઈ છે. જે પણ આ જ વિસ્તારનો રહેવાસી છે.
થોડા દિવસો પહેલા બીનિલના પરિવારને માહિતી મળી હતી કે ડ્રોન હુમલામાં બે લોકો ઘાયલ થયા છે. પરંતુ પરિવારના સભ્યો તેમનો સંપર્ક કરી શક્યા ન હતા. બીનિલ અને જૈનના સંબંધી સનિશે જણાવ્યું હતું કે, 'બીનિલની પત્ની જોસી મોસ્કોમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે અને તેમને આ માહિતી ત્યાંથી મળી છે. અધિકારીઓએ તેમને કહ્યું કે બીનિલ મૃત્યુ પામ્યો છે અને રશિયન સેનાએ તેમને આ માહિતી આપી હતી.'
સપ્ટેમ્બરથી જ ભારત પાછા ફરવા માટેનો પ્રયાસ કરી રહ્યો હતો બીનિલ
છેલ્લા કેટલાક મહિનાઓથી બીનિલ અને જૈન ઘરે પાછા આવવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા હતા. ગયા મહિને જ તેમણે ઘણાં વોઇસ મેસેજ મોકલ્યા હતા. જેમાં બીનિલે જણાવ્યું હતું કે, 'સપ્ટેમ્બરથી જ અમે ભારત પાછા ફરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ. હું મોસ્કોમાં ભારતીય દૂતાવાસને વિનંતી કરી રહ્યો હતો પરંતુ મને સફળતા મળી ન હતી. કેરળમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા બીનિલે કહ્યું, અમે માનસિક અને શારીરિક રીતે થાકી ગયા છીએ. અમે યુક્રેનના રશિયાના કબજાવાળા વિસ્તારમાં છીએ. અમારો કમાન્ડર કહે છે કે કરાર એક વર્ષ માટે હતો. અમે સ્થાનિક કમાન્ડરોને અમારી મુક્તિ માટે અપીલ કરી રહ્યા છીએ. ભારતીય દૂતાવાસે અમને કહ્યું હતું કે, જ્યાં સુધી રશિયન સેના અમને છોડી નહી મુકે ત્યાં સુધી તેઓ અમને મદદ કરી શકશે નહીં.'
આગાઉ પણ કેરળના વ્યક્તિનું થયું હતું મોત
બિલીન કેરળનો બીજો વ્યક્તિ છે કે જે રશિયન સેના માટે લડતા મૃત્યુ પામ્યો છે. તેને મિલિટ્રી સપોર્ટ સ્ટાફની નોકરી માટે રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે ઓગસ્ટમાં સંદીપ નામના એક વ્યક્તિનું પણ ડ્રોન હુમલામાં મોત થયું હતું. સંદીપ પણ ત્રિશૂરનો રહેવાસી હતો. ગયા વર્ષે એપ્રિલમાં રશિયા ગયેલા બીનિલ અને જૈન મિલિટ્રી સપોર્ટ સ્ટાફમાં ઇલેક્ટ્રિશિયન, રસોઈયા, પ્લમ્બર અને ડ્રાઇવર તરીકે કામ કરવાની આશા રાખી રહ્યા હતા. પરંતુ તેના બદલે તેમના ભારતીય પાસપોર્ટ લઇ લેવામાં આવ્યા હતા. તેમને રશિયાના કાયમી રહેવાસી બનવા, રશિયન સેનામાં ભરતી થવા અને યુદ્ધમાં સૌથી આગળ લડવા માટે ફરજ પાડવામાં આવી હતી.