નવી વેરા સિસ્ટમમાં ટેક્સ સ્લેબ બદલાતા કરદાતાને રૂ. 17,500નો ફાયદો થશે

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
નવી વેરા સિસ્ટમમાં ટેક્સ સ્લેબ બદલાતા કરદાતાને રૂ. 17,500નો ફાયદો થશે 1 - image


- સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. 75000 થતા જૂની સિસ્ટમના પગારદાર કરદાતાઓનો રૂ. 7500નો વેરા લાભ 

અમદાવાદ : નવી ટેક્સ સિસ્ટમમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રાહતની જાહેરાત કરીને પગારદાર કરદાતાઓને આવકવેરામાં રૂ. ૧૭,૫૦૦ની રાહત આપી છે. આમ જૂની આવકવેરા સિસ્ટમમાં કોઈ જ લાભ ન આપવાનું નક્કી કરીને આવકવેરાના નવી સિસ્ટમમાં વેરાના આપ્યા છે. આ પગલું લઈને કરદાતાઓને નવી ટેક્સ સિસ્ટમમાં વેરા ભરવા તરફ ધકેલવાનો વધુ એક પ્રયાસ કર્યો છે. છેલ્લા બે વર્ષથી કરદાતાઓને નવી વેરા પદ્ધતિ તરફ લઈ જવાનો પ્રયાસ નાણાં મંત્રી કરી જ રહ્યા છે.

નોકરિયાત કરદાતાઓને જ મહત્તમ રૂ. ૧૭,૫૦૦ની રાહત મળી રહી છે. તેની સાથે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં રૂ. ૫૦,૦૦૦ હતું તે વધારીને રૂ. ૭૫૦૦૦ કરી દીધું છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનનો આ લાભ નવી સિસ્ટમમાં રિટર્ન ફાઈલ કરનારને જ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂની સિસ્ટમમાં રિટર્ન ફાઈલ કરનારનાઓને સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે માત્ર રૂ. ૫૦,૦૦૦ જ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોકરિયાત સિવાયના કરદાતાઓના આ નવી વ્યવસ્થાને કારણે વેરામાં રૂ. ૧૦,૦૦૦ સુધીની બચત કરાવી આપી છે. અંદાજે રૂ. ૭ લાખની વાર્ષિક આવક ધરાવનારાઓને રૂ. ૧૦,૦૦૦નો ફાયદો ચોક્કસ થશે, એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેત્વી રૂપેશ શાહનું કહેવું છે. કુલ કરદાતાઓમાં ૫૦ ટકાથી વધુ કરદાતાઓ પગારદાર કરદાતાઓ છે.

આવકવેરાનુ રિટર્ન ફાઈલ કરવાની જૂની સિસ્ટમમાં પગારદાર કરદાતાને મહત્તમ રૂ. ૭૫૦૦નો ફાયદો થશે. સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. ૫૦,૦૦૦થી વધારીને રૂ. ૭૫,૦૦૦ કરનામાં આવ્યુ હોવાથી તેમને રૂ. ૭૫૦૦નો ફાયદો થશે. દરેક કરદાતાને આ ફાયદો મળશે. તેની આવક ભલે ગમે તેટલી હોય તેને આ ફાયદો મળશે જ મળશે.

પગારદાર માટેની જૂની વેરા સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. ૫૦,૦૦૦થી વધારીને રૂ. ૭૫૦૦૦ કર્યું હોવાથી કરદાતાઓને લાભ મળ્યો છે. આ સિવાય જૂની વેરા સિસ્ટમમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેથી જૂની વેરા સિસ્ટમમાં રિટર્ન ફાઈલ કરનારા ૬૦ વર્ષથી નાની વયના વ્યક્તિગત કરદાતાઓને  ૧૦ લાખની વાર્ષિક આવક પર રુ. ૧.૫ લાખ કલમ ૮૦ સી હેઠળ બાદ મળશે. તેમ જ હોમ લોનના વ્યાજ પેટે રૂ. ૨ લાખ બાદ મળશે. જૂની સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન જે રૂ. ૫૦,૦૦૦ મળતું હતું. આમ તેને રૂ. ૧૦ લાખની આવકમાંથી રૂ. ૪ લાખ બાદ મળી જતાં તેની વેરા પાત્ર આવક રૂ. ૬ લાખ બનતી હતી. છ લાખની આવકમાંથી અઢી લાખની આવક પર એક પણ રૂપિયો ટેક્સ ભરવો પડતો નહોતો. રૂ. ૩થી ૫ લાખની આવક પર ૫ ટકાના વેરાના દર પર રૂ.૧૦,૦૦૦નો ટેક્સ ભરવો પડતો હતો. તેમ જ ૫થી ૧૦ લાખ સુધીની આવક પર ૧ લાખનો ટેક્સ ભરવો પડતો હતો. તેમ જ રૂ. ૧૨થી ૧૫લાખની આવક ૩૦ ટકાના સ્લેબમાં આવતી હોવાથી ટેક્સ વધીને રૂ. ૯૦૦૦૦ થતો હતો. આમ રૂ. ૧૦ લાખની વાર્ષિક આવક ધરાવનારાઓને રૂ. ૩૨,૫૦૦નો, ૧૫ લાખની આવક ધરાવનારાઓને રૂ. ૧,૪૨,૫૦૦ અને રૂ. ૨૦ લાખની આવક ધરાવનારાઓને રૂ. ૨,૯૨,૫૦૦ ટેક્સ પેટે ભરવાના આવતા હતા. નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ૫૦,૦૦૦થી વધારીને ૭૫,૦૦૦ કરી દેતા જૂના સિસ્ટમમાં રિટર્ન ફાઈલ કરનારા અને વાર્ષિક રૂ. ૧૦ લાખની આવક ધરાવનારાઓને વેરામાં રૂ. ૫૦૦૦નો ફાયદો થયો છે. તેની સામે રૂ. ૧૫ લાખની આવક ધરાવનારાઓનો વેરાનો બોજ ૭,૫૦૦ ઘટીને રૂ. ૧,૩૫,૦૦ થયો છે. જ્યારે રૂ. ૨૦ લાખની વાર્ષિક આવક ધરાવનારાઓને રૂ. ૨,૯૨,૫૦૦ના વેરા સામે રૂ. ૨,૮૫,૦૦૦ વેરા પેટે ભરવાના આવતા રૂ. ૭,૫૦૦નો ફાયદો થયો છે. 


Google NewsGoogle News