છેલ્લાં 6 વર્ષોમાં 132 રાજનેતાઓ મની લોન્ડરિંગના કેસમાં ફસાયા, સરકારની જ સંસદમાં ચોંકાવનારી 'કબૂલાત'

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
છેલ્લાં 6 વર્ષોમાં 132 રાજનેતાઓ મની લોન્ડરિંગના કેસમાં ફસાયા, સરકારની જ સંસદમાં ચોંકાવનારી 'કબૂલાત' 1 - image


Image: Freepik

Politicians Money Laundering Case: સરકારે મંગળવારે સંસદને જણાવ્યું કે છેલ્લા છ વર્ષોમાં વર્તમાન અને પૂર્વ સાંસદો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યો, રાજનેતાઓ વિરુદ્ધ મની લોન્ડરિંગના કુલ 132 કેસ નોંધાયા છે. 

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે આ મામલામાં કોર્ટની સુનાવણી કુલ ત્રણ કેસમાં - એક 2020માં અને બે 2023માં પૂરી થઈ. આ કેસમાં 2020માં માત્ર એક દોષસિદ્ધિની માહિતી મળી હતી. 

નાણા રાજ્ય મંત્રીએ રાજ્યસભામાં લેખિત ઉત્તરના ભાગરૂપે ઈડી દ્વારા નોંધાયેલી ઈસીઆઈઆર, વિચારાધીન મામલા અને ખાતરી સંબંધિત આંકડા શેર કર્યા. નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે ઈડી દ્વારા મની લોન્ડરિંગ મામલે ખાતરી દર 93 ટકા છે. ઈડી દ્વારા 31 જુલાઈ સુધી કુલ 7,083 ઈસીઆઈઆર કે એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફોર્મેશન રિપોર્ટસ નોંધવામાં આવ્યા છે.

પીએમએલએ હેઠળ દોષસિદ્ધિ દર લગભગ 93 ટકા છે. મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ કે પીએમએલએને એક જુલાઈ 2005થી લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ 1.39 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી કાં તો ફ્રીજ કરવામાં આવી. 

બીસીસીઆઈએ 2,038 કરોડ રૂપિયાની જીએસટીની ચૂકવણી કરી

સરકારે મંગળવારે સંસદને જણાવ્યું કે બીસીસીઆઈએ નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24 દરમિયાન 2,038.55 કરોડ રૂપિયા જીએસટીની ચૂકવણી કરી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે બીસીસીઆઈ, જે ભારતમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટેની સર્વોચ્ચ સંસ્થા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ જેવી રમતગમત આયોજનો સંબંધિત સેવાઓ પર 28 ટકાના દરથી જીએસટી લાગે છે. નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24 દરમિયાન બીસીસીઆઈ તરફથી જીએસટી રેવન્યુ કલેક્શન રૂ. 2,038.55 કરોડ હતું.

આવકવેરા વિભાગે આઈટી એક્ટની કલમ 11 હેઠળ બીસીસીઆઈને કરમાં છૂટ આપવાનો ઇનકાર કર્યો છે. મામલો કોર્ટમાં છે. આઈટી એક્ટની કલમ 11 ધર્માર્થ સંસ્થાઓ સંબંધિત છે. બીસીસીઆઈ આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 11 હેઠળ છૂટનો દાવો કરી રહ્યું છે.

હાલ કોઈ ડાયરેક્ટ ટેક્સ પ્રસ્તાવ પેન્ડિંગ નથી

પંકજ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે બીસીસીઆઈની ટેક્સ છૂટનો મુદ્દો કોર્ટમાં વિચારાધીન છે. આ સિવાય આ સંબંધમાં હાલ કોઈ ડાયરેક્ટ ટેક્સ પ્રસ્તાવ પેન્ડિંગ નથી. બીસીસીઆઈને રમતગમત મંત્રાલયની કોઈ પણ યોજનાથી કોઈ ગ્રાન્ટ મળતી નથી. એક અન્ય સવાલના જવાબમાં તેમણે કહ્યું કે જુલાઈ 2017થી જૂન 2024 સુધી, ગુજરાતમાં જીએસટી ચોરીના કેસની સંખ્યા 13,494 હતી. જીએસટી ચોરીની રકમ લગભગ 52,394 કરોડ રૂપિયા હતી, જેમાં 214 લોકોની ધરપકડ કરવામાં આવી.

2014થી 2024 સુધી મની લોન્ડરિંગના 5,297 કેસ નોંધાયા

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા લોકસભામાં શેર કરવામાં આવેલા આંકડા અનુસાર ઈડીએ 2014થી 2024 સુધી મની લોન્ડરિંગના 5,297 કેસ નોંધાયા છે, જેમાં 40માં દોષસિદ્ધિ થઈ અને ત્રણમાં મુક્ત થઈ ગયા. 2016થી 2024 ની વચ્ચેના સમયગાળામાં 375 આરોપીઓની મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી. 2014 અને 2022ની વચ્ચે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) હેઠળ કુલ 8,719 યુએપીએ કેસ નોંધવામાં આવ્યા. આ મામલામાં 567 મુક્ત થઈ ગયા અને 222 ને દોષી ઠેરવવામાં આવ્યા.


Google NewsGoogle News