છેલ્લા ૪ દિવસમાં મહાકુંભમાં ૭ કરોડ લોકોનું ડૂબકી સ્નાન
દોઢ મહિનામાં ૫૦ કરોડ લોકો સ્નાન કરે તેવી શકયતા છે
૧૩ જાન્યુઆરી પૌષી પૂર્ણીમાથી શરુ થયેલો મહાકુંભ દોઢ મહિનો ચાલશે
પ્રયાગરાજ,16 જાન્યુઆરી,2025,ગુરુવાર
પ્રયાગરાજ મહાકુંભની શરુઆત થવાની સાથે જ છેલ્લા ૪ દિવસમાં ૭ કરોડ લોકોએ ડૂબકી મારીને સ્નાન કર્યુ છે. ગ્રહોની સ્થિતિ અનુસાર આ વર્ષનું મૂહુર્ત ૧૪૪ વર્ષ પછી આવ્યું છે. આ અમૃત મૂહુર્તમાં ડૂબકી મારવા માટે દેશ અને દુનિયામાંથી માનવ મેદની ઉમટી પડી હતી. એક અનુમાન અનુસાર કુંભ મેળાના સમાપન સુધીમાં ૫૦ કરોડ લોકો ડૂબકી મારીને સ્નાન કરે તેવી શક્યતા છે.
મહાકુંભનું આયોજન માત્ર સ્નાન પૂરતું મર્યાદિત નથી તેની સાથે ધાર્મિક અને આધ્યાત્મિક ચેતના પણ જોડાયેલી છે. વિશ્વમાં જાહેર સ્થળે યોજાતો સૌથી મોટો માનવ મેળો છે. ૧૩ જાન્યુઆરી પોષી પૂર્ણિમાના દિવસથી શરુ થયેલો મહાકુંભ દોઢ મહિના સુધી ચાલવાનો છે. આમ તો સમગ્ર કુંભ સ્નાન પવિત્ર છે પરંતુ કેટલીક વિશેષ તિથિઓમાં સ્નાનનો ખૂબ મોટો મહિમા છે. આ વખતે કુલ ૬ જેટલી વિશિષ્ટ તિથિઓ છે.
કુંભની શરુઆત સાથે જ પ્રથમ દિવસે દોઢ કરોડ અને ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિએ સાડા ત્રણ કરોડ તીર્થયાત્રીઓએ સ્નાન કર્યુ હતું. ત્યાર પછી પ્રતિદિન મહાકુંભ આવતાં શ્રદ્ધાળુઓની સંખ્યા દરરોજ એક કરોડ કરતાં વધારે રહી છે તે જોતાં ૫૦ કરોડ કરતાં વધુ ભાવિકજનો કુંભમેળાના સાક્ષી બને તેવી શકયતા છે. મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓ અને સાધકોની સંખ્યા દોઢ લાખ આસપાસ છે. ચારેય શંકરાચાર્ય પીઠો, તમામ અખાડા અને મુખ્ય સંતોના પંડાલ લગાવવામાં આવ્યા છે. પાંચસો કરતાં પણ વધુ પંડાલ છે જ્યાં દરરોજ પ્રવચન ચાલે છે.
અંદાજે ૧૫૦૦૦ હજાર જેટલા સાધુઓ કલ્પવાસ કરી રહ્યા છે. કલ્પવાસનો સમયગાળો એક મહિનાનો હોય છે. આ સમય દરમિયાન સાધક સાત્વિક અને સંતુલિત ભોજન કરે છે. નિરંતર સાધના અને નિયમિત દિનચર્યા દ્વારા પોતાની આંતરિક શક્તિને જગાડી રહ્યા છે. યોગ વિજ્ઞાાન અનુસાર જો કોઈ વ્યકિત મનને નિયમિત કરીને પોતાની ઉર્જા શરીરના બ્રહ્નસ્તાન ચક્ર પર કેન્દ્રીત કરે તો અભ્યાસ કરીને પોતાની અંતરિક્ષની અનંત ઉર્જા સાથે જોડી શકે છે. મહાકુંભ પરંપરા અનુસાર પહેલા સંતો સ્નાન કરે છે ત્યાર બાદ ભાવિકો સ્નાન લાભ લે છે.
આથી જ તો આધ્યાત્મિક સાધકો અને સંતો સ્નાન કર્યા પછી વધારાની ઉર્જાનો અનુભવ કરે છે. આ ઉર્જાવાન જળમાં સ્નાન કરવાથી જન સામાન્ય આંતરિક ઉર્જાશકિતનો અનુભવ કરે છે આથી જ તો અખાડા અને સંતોના સ્નાન પછી લોકો જળમાં ડૂબકી માટે ઉમટી પડે છે.મહાકુંભની સમગ્ર અવધી અમૃતકાળ માનવામાં આવે છે. વિશિષ્ટ તિથિઓની વાત કરીએ તો હવે ગ્રીજી તિથિ ૨૯ જાન્યુઆરી છે. પંચાગ અનુસાર એ દિવસે મૌની અમાસ છે. મૌની અમાવસે પણ ત્રિવેણી સંગમે પહેલા સંતો સ્નાન કરશે. અંદાજ પ્રમાણ મૌની અમાસે ૩ કરોડ જેટલા શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ આવી શકે છે.
છેલ્લું અમૃતસ્નાન મહા શિવરાત્રીએ થવાનું છે
ત્યાર પછી ૩ ફેબુ્આરી વસંત પંચમીનું સ્નાન છે. પૌરાણિક આખ્યાનો અનુસાર આ તિથિ જ્ઞાાનની ઉપાસનાની દેવી સરસ્વતીનો પ્રાગટ્યોત્સવ છે. આ દિવસે પણ સંતોનું શાહી સ્નાન થશે જે અન્ય શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવશે. ત્યાર બાદ માહ પૂર્ણિમાનું સ્નાન ૧૨ ફેબુ્આરીએ થશે. મહાકુંભ અવધીમાં સંતો અને સાધકોનો કલ્પવાસ પૌષ પૂર્ણિમાથી શરુ થયો હતો જે માહ મહિનાની પૂર્ણિમાએ પૂરો થશે. ત્યાર પછી છેલ્લું અમૃતસ્નાન મહા શિવરાત્રીએ થવાનું છે તેની તારીખ ૨૬ ફેબુ્આરી છે. શિવરાત્રી ભગવાન શિવ માતા પાર્વતીના લગ્નની તિથિ છે. આ દિવસે જ આસ્થાના મહાકુંભની પૂર્ણાહુતી થશે.