CA ફાઈનલનું 9.42 ટકા પરિણામ, અમદાવાદના 7 વિદ્યાર્થી ટોપ 50માં ઝળક્યા
ફાઈનલનું 9.42 ટકા પરિણામ રહ્યુ, જયારે ઈન્ટરમીડિએટનું 9.73 ટકા પરિણામ
અમદાવાદનો એક વિદ્યાર્થી દેશમાં બીજા ક્રમે, કુલ 8 વિદ્યાર્થી ટોપ 50માં
ICAI CA Inter Final Result 2024: આઈસીએઆઈ દ્વારા ગત નવેમ્બરમાં લેવાયેલી સીએ ફાઈનલ અને ઈન્ટરમીડિએટની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવાયુ છે. જેમાં સીએ ફાઈનલનું સમગ્ર દેશનું 9.42 ટકા પરિણામ રહ્યુ છે. જ્યારે ઈન્ટરમીડિએટનું 9.73 ટકા પરિણામ રહ્યુ છે. ફાઈનલમાં અમદાવાદના 8 વિદ્યાર્થી દેશના ટોપ 50 ઓલ ઈન્ડિયા રેન્કમા સ્થાન મેળવ્યું છે. જ્યારે ઈન્ટરમીડિએટમાં એક વિદ્યાર્થી દેશમાં બીજા ક્રમે આવ્યો છે.
મે અને નવેમ્બરની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર
ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા મે અને નવેમ્બર એમ વર્ષમાં બે વાર સીએ ફાઈનલ અને ઈન્ટરમીડિએટની પરીક્ષા લેવામા આવે છે. ગત નવેમ્બર-2023ની સીએ ફાઈનલની પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ગ્રુપ-1માં 65,294 વિદ્યાર્થીમાંથી 6176 પાસ થતા ગ્રુપ-1નું 9.46 ટકા અને ગ્રુપ-2માં 62,679 વિદ્યાર્થીમાંથી 13,540 પાસ થતા ગ્રુપ-2નું 21.60 ટકા તથા બંને ગ્રુપમાં 32,907 માંથી 3099 પાસ થતા ફાઈનલનું એકંદરે કુલ 9.42 ટકા પરિણામ રહ્યુ છે. ગત મે-2023 નું 9.83 ટકા અને નવેમ્બર-2022 નું 15.39 ટકા રિઝલ્ટ રહ્યુ હતું. ફાઈનલમાં જયપુરનો વિદ્યાર્થી દેશમાં પ્રથમ, મુંબઈનો વિદ્યાર્થી દેશમાં બીજા ક્રમે અને જયપુરનો વિદ્યાર્થી દેશમાં ત્રીજા ક્રમે રહ્યો છે. સીએ ઈન્ટરમીડિએટની નવેમ્બર 2023 ની પરીક્ષામાં સમગ્ર દેશમાં ગ્રુપ-1 માં 1,17,304 વિદ્યાર્થીમાંથી 19,686 પાસ થતા ગ્રુપ-1 નું 16.78 ટકા, ગ્રુપ-2 માં 93,638 વિદ્યાર્થીમાંથી 17,957 પાસ થતા 19.18 ટકા અને બંને ગ્રુપમાં 53,459 વિદ્યાર્થીમાંથી 5204 પાસ થતા ઈન્ટરમીડિએટનું પરિણામ એકંદરે 9.73 ટકા રહ્યુ છે. ગત મે-2023 ની પરીક્ષામાં બંને ગ્રુપનું 10.24 ટકા અને નવેમ્બર-2022 માં 12.72 ટકા રિઝલ્ટ હતું.
અમદાવાદ સેન્ટરનું ફાઈનલનું 13.35 ટકા રિઝલ્ટ
સીએ ફાઈનલમાં અમદાવાદ સેન્ટરમાં ગ્રુપ-1 માં 922 માંથી 55 અને ગ્રુપ-2 માં 695 માંથી 118 વિદ્યાર્થી પાસ થયા છે. જ્યારે બોથ ગ્રુપમાં 869 માંથી 116 વિદ્યાર્થી પાસ થતા અમદાવાદ સેન્ટરનું ફાઈનલનું 13.35 ટકા પરિણામ રહ્યુ છે. જે મે-2023 માં 9.83 અને નવેમ્બર-2022 માં 15.39 ટકા હતુ. સીએ ફાઈનલમાં દેશના ટોપ 50 ઓલ ઈન્ડિયા રેન્કમાં અમદાવાદનો વિદ્યાર્થી ચિરાગ અસવા 9 મા રેન્ક પર આવ્યો છે અને અમદાવાદના કુલ 7 વિદ્યાર્થી દેશના ટોપ 50 માં સ્થાન મેળવ્યુ છે.
અમદાવાદ સેન્ટરનું ઈન્ટરનું 15.61 ટકા રિઝલ્ટ
ઈન્ટરમીડિએટ પરીક્ષામાં અમદાવાદ સેન્ટરમાંથી ગ્રુપ-1 માં 1234 માંથી 130 અને ગ્રુપ-2 માં 1124 માંથી 333 વિદ્યાર્થી પાસ થયા છે. બંને ગ્રુપમાં 1928 વિદ્યાર્થીમાંથી 301 પાસ થતા અમદાવાદ સેન્ટરનું ઈન્ટરનું 15.61 ટકા પરિણામ રહ્યુ છે. મે-2023 નું 10.75 અને નવેમ્બર-2022 નું 20 ટકા પરિણામ રહ્યુ હતું. ઈન્ટરમીડિએટમાં અમદાવાદનો વિદ્યાર્થી તનય ભગેરિયા દેશના ટોપ -3 રેન્કમાં આવ્યો છે.