Get The App

13 રાજ્યોની પેટા ચૂંટણીમાં ભાજપનો દબદબો, દક્ષિણમાં પંજાનો સપાટો

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
13 રાજ્યોની પેટા ચૂંટણીમાં ભાજપનો દબદબો, દક્ષિણમાં પંજાનો સપાટો 1 - image


- 46 વિધાનસભા અને બે લોકસભા બેઠકોના પરિણામો જાહેર

- બંગાળમાં મમતાના પક્ષે તમામ છ બેઠકો જીતી, ભાજપે એક ગુમાવી, આરજી કરની ઘટના-વિરોધની અસર નહીં

- ઇન્ડિયા ગઠબંધનના લૂંટ-જુઠના રાજકારણનો અંત : યોગી

- ભાજપને 25 જ્યારે કોંગ્રેસને સાત બેઠકો મળી

નવી દિલ્હી : ૧૩ રાજ્યોની ૪૬ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી, જેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ૪૬માંથી ૨૬ પર ભાજપ અને તેના સાથી પક્ષોએ જીત મેળવી નવ બેઠકોનો વધારો કર્યો છે. જ્યારે કોંગ્રેસે સાત પર જીત મેળવીને છ બેઠકો ગુમાવવી પડી છે. મમતાના પક્ષ ટીએમસીએ તમામ છ, આપે ત્રણ, સપાએ બે અને એલડીએફએ એક, બીએપીએને એક બેઠક મળી હતી. ઉત્તરમાં ભાજપ જ્યારે દક્ષિણમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો.

મહારાષ્ટ્રની નાંદેડ અને કેરળના વાયનાડ લોકસભા બેઠક પર કોંગ્રેસે જીત પ્રાપ્ત કરી હતી. 

ઉત્તર પ્રદેશની નવમાંથી છ બેઠક પર ભાજપ, બે પર સપા અને એક પર આરએલડીની જીત થઇ હતી, આસામમાં પાંચ બેઠકોમાંથી ત્રણ પર ભાજપ, એક પર એજીપી અને એક પર યુપીપીએલની જીત થઇ હતી. તેવી જ રીતે બિહારની ચારમાંથી બે બેઠક ભાજપના ફાળે ગઇ છે જ્યારે જદ(યુ) અને હમને પણ એક-એક બેઠક મળી છે. ગુજરાતમાં વાવ બેઠક પર ભાજપની જીત થઇ છે. કર્ણાટકમાં ત્રણેય બેઠકો પર સત્તાધારી કોંગ્રેસે જીત મેળવી હતી, કેરળમાં એક બેઠક સીપીએમ અને એક કોંગ્રેસને મળી હતી, મધ્ય પ્રદેશમાં એક ભાજપને એક કોંગ્રેસને મળી હતી. 

પંજાબમાં ચારમાંથી ત્રણ આપને અને એક કોંગ્રેસને મળી હતી, રાજસ્થાનમાં સાતમાંથી પાંચ ભાજપને મળી હતી જ્યારે એક પર કોંગ્રેસ અને એક પર બીએડીવીપીની જીત થઇ છે. પશ્ચિમ બંગાળમાં તમામ છ બેઠકો મમતાના પક્ષ ટીએમસીના ફાળે ગઇ છે, અહીંયા આરજી કર હોસ્પિટલમાં ડોક્ટર પર રેપ અને હત્યાને લઇને જે વિરોધ પ્રદર્શન થયા હતા તેની અસર પેટા ચૂંટણીમાં નહોતી જોવા મળી. ઉલટા મમતાના પક્ષ ટીએમસીએ એક બેઠક ભાજપ પાસેથી લઇ લીધી છે.  રાજ્યો પર નજર કરીએ તો ઉત્તર ભારતમાં ભાજપને વધુ બેઠકો મળી હતી જ્યારે દક્ષિણ ભારતમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો.

ઉત્તર પ્રદેશની નવમાંથી છ બેઠકો પર ભાજપે જીત મેળવી હતી, જેને પગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદારોનો આભાર માન્યો હતો સાથે જ કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનના જુઠ્ઠાણા અને લૂટના રાજકારણનો અંત આવ્યો છે. યોગીએ ચૂંટણી પરિણામો બાદ પ્રેસ કોન્ફરંસ કરી હતી, તેમણે કહ્યું હતું કે આ જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. તેમની આગેવાનીમાં ડબલ એન્જીન સરકાર સુરક્ષા, સલામતી અને લોકોની સુખાકારીની યોજનાઓને સફળ બનાવી રહી છે. 

60 ટકા મુસ્લિમ મતદારોવાળી બેઠક પર ભાજપના રામવીર ઠાકુર જીત્યા

લખનઉ : ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની નવ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાં કુંદરકી બેઠક હાલ ભારે ચર્ચામાં છે. આ બેઠક પર ૬૦ ટકા મુસ્લિમ મતદારો છે જોકે અહીંયા ભાજપના ઉમેદવાર રામવીરસિંહ એક લાખથી વધુ મતોથી જીત્યા હતા. જ્યારે સપાના હાજી રિઝવાન હાર્યા હતા. આ બેઠક પર છેલ્લે ૧૯૯૩માં ભાજપની જીત થઇ હતી જે બાદ આ પ્રથમ વખત જીત પ્રાપ્ત કરી છે. આ બેઠક પર ૬૦ ટકા મુસ્લિમ મતદારો છે. તેથી જે તરફ મુસ્લિમ મતદારોનો ઝૂકાવ રહે છે તેના ફાળે જીત જાય છે. મુરાદાબાદની કુંદરકી બેઠક પર રામવીરસિંહ ઠાકુરને મુસ્લિમ સમાજના લોકો તરફથી ભરપુર સમર્થન મળ્યું હતું, તેઓ મુસ્લિમ સમાજના કાર્યક્રમોમાં પણ અનેક વખત જોવા મળ્યા હતા. અહીંના મુસ્લિમ મતદારોએ મુસ્લિમ સમાજના નહીં પરંતુ હિન્દુ સમાજના ઉમેદવારને પસંદ કર્યા હતા.


Google NewsGoogle News