ભાજપની લહેર વખતે પણ જીતવામાં સફળ રહ્યો હતો આ માફિયા લીડર, હવે થયો અંત
Mukhtar Ansari: બાંદા જેલમાં બંધ ઉત્તરપ્રદેશના માફિયા કમ રાજકારણી મુખ્તાર અંસારીનું કાર્ડિયાક એરેસ્ટથી મોત થયું છે. જેલમાં તબિયત બગડયા પછી તેમને ગંભીર સ્થિતિમાં દુર્ગાવતી મેડિકલ કોલેજ લાવવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. યુપી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની લહેર હોવા છતાં મુખ્તાર અંસારી જીત્યા હતા. શક્તિશાળી મુખ્તાર અંસારીએ ભાજપના સાથી ઉમેદવાર મહેન્દ્ર રાજભરને 7464 મતથી હરાવ્યા હતા. મહેન્દ્ર ભાજપના સહયોગી ભારતીય સમાજ પાર્ટીના ઉમેદવાર હતા.
અપક્ષ ઉમેદવાર તરીકે પણ જીત્યા હતા ચૂંટણી
મુખ્તાર અંસારીની પાર્ટી કૌમી એકતા દળનું બીએસપીમાં વિલય કરવામાં આવ્યું હતું. પહેલીવાર મુખ્તાર અંસારી બસપાની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ જીતનો સિલસિલો ચાલુ રહ્યો હતો. બે વખત મુખ્તાર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા. 2007માં ફરી એકવાર મુખ્તાર બીએસપીમાં જોડાયા હતા. ક્રિમિનલ કેસ સામે આવ્યા બાદ બસપાએ તેમને 2010માં પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.
મુખ્તારે કૌમી એકતા દળની રચના કરી
આ પછી મુખ્તારે તેના ભાઈઓ સાથે મળીને કૌમી એકતા દળની રચના કરી હતી. જે બાદ 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કૌમી એકતા દળની ટિકિટ પર મઉ સીટ પરથી જીત્યા હતા. મુખ્તાર અન્સારી સામે 65થી વધુ ગુનાહિત કેસ નોંધાયા હતા. આર્મ્સ લાયસન્સ, ગેંગસ્ટર, મન્ના સિંહ અને સાક્ષી મર્ડર કેસ, એમએલએ ફંડ સહિતના કેસમાં એમપી એમએલએ કોર્ટમાં તેમની પેશી ચાલી રહી હતી.