Get The App

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં સીએમપદના ચહેરાનું કોકડું ગુંચવાયું

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં સીએમપદના ચહેરાનું કોકડું ગુંચવાયું 1 - image


- મુખ્યમંત્રીપદ માટે પસંદગીનું સસ્પેન્સ રવિવારે ખતમ થશે : વિજયવર્ગીય

- રાજસ્થાનમાં રિસોર્ટ પોલિટીક્સ : વસુંધરાના પુત્ર દુષ્યંત સિંહ પાંચ ધારાસભ્યોને રિસોર્ટમાં લઈ ગયાનો આક્ષેપ

- વસુંધરા, શિવરાજ સીએમપદના પ્રબળ દાવેદાર છતાં પક્ષ નવા ચહેરાને મુખ્યમંત્રી બનવા તક આપે તેવી સંભાવના 

નવી દિલ્હી : ચાર રાજ્યોમાં ચૂંટણીના પરિણામો જાહેર થયાને પાંચ દિવસ થઈ ગયા છે આમ છતાં હિન્દી પટ્ટામાં ભવ્ય વિજય મેળવનારો ભાજપ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં હજુ સુધી મુખ્યમંત્રીપદના ચહેરાનું નામ જાહેર કરી શક્યો નથી. આ રાજ્યોમાં મુખ્યમંત્રી કોને બનાવવા તે અંગે કોકડું હજુ ગુંચવાયેલું છે ત્યારે રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે કહ્યું છે કે રવિવાર સુધીમાં આ સસ્પેન્સનો અંત આવશે. જોકે, રાજસ્થાનમાં વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત સિંહે રિસોર્ટ પોલિટિક્સ શરૂ કર્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીના નામો અંગે અનેક અટકળો ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી તરીકે નવા ચહેરાને તક આપે તેવી સંભાવના છે. આ અંગે રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે, ભાજપ શાસિત ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગી અંગેનું સસ્પેન્સ રવિવારે ખતમ થઈ જશે.

મધ્ય પ્રદેશમાં લાડલી બહેન યોજનાએ ભાજપને ભવ્ય જીત અપાવી હોવાના પત્રકારોના સવાલ અંગે વિજયવર્ગીયે કહ્યું કે, ત્રણેય રાજ્યોમાં મોદીજીનું નેતૃત્વ સૌથી મહત્વનું રહેયું છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં લાડલી બહેન યોજના નહોતી છતાં ત્યાં પક્ષને ભવ્ય વિજય મળ્યો છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપના વિજય માટે માત્ર મોદીજીનું નેતૃત્વ, અમિત શાહજીની રણનીતિ અને જેપી નડ્ડાજીની પોલિંગ બૂથ અને પન્ના પ્રમુખની યોજના અસરકારક સાબિત થઈ છે. તેના કારણે ભાજપે ત્રણેય રાજ્યોમાં વિજય મેળવ્યો છે. 

ભાજપ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી મુખ્યમંત્રીપદના કોઈપણ દાવેદાર વિના માત્ર વડાપ્રધાન મોદીના ચહેરા પર લડયો છે. આથી ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગીનું કોકડું ગુંચવાયું છે. જોકે, મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણની સ્થિતિ મજબૂત માનવામાં આવે છે જ્યારે રાજસ્થાનમાં વસુંધરા રાજે તેમની તાકતનો હાઈકમાન્ડને અુભવ કરાવી રહ્યાં છે.

વસુંધરા રાજે પક્ષપ્રમુખ જેપી નડ્ડાને મળવા દિલ્હી ગયા છે ત્યારે રાજસ્થાનમાં ભાજપમાં 'રિસોર્ટ પોલિટીક્સ' શરૂ થઈ ગયું હોવાનું મનાય છે. વસુંધરા રાજેના પુત્ર દુષ્યંતે પાંચ ધારાસભ્યોને એક રિસોર્ટમાં રાખ્યા હોવાનો આક્ષેપ ભાજપના ધારાસભ્ય લલિત મીણાના પિતા અને પૂર્વ ધારાસભ્ય હેમરાજ મીણાએ કર્યો છે.

હેમરાજ મીણાએ દાવો કર્યો હતો કે, સાંસદ દુષ્યંત સિંહે પાંચ ધારાસભ્યોને જયપુરની રિસોર્ટ 'આપણો રાજસ્થાન'માં રાખ્યા છે. મને આ અંગે ખબર પડતા હું મારા પુત્ર લલીત મિણાને લેવા ગયો હતો, પરંતુ મને તેને મળતા રોકવામાં આવ્યો હતો. જોકે, રાજસ્થાનના પ્રભારી અરુણ સિંહ અને પ્રદેશ પ્રમુખ સીપી જોશીની દરમિયાનગીરી પછી હું મારા પુત્ર લલીત મીણાને મારી સાથે લઈ જઈ શક્યો. અન્ય ચાર ધારાસભ્યોને બીજી કોઈ રિસોર્ટમાં લઈ જવાયા છે. 

જોકે, ધારાસભ્ય કંવરલાલે દાવો કર્યો કે હેમરાજે દુષ્યંત સિંહ પર ખોટો આરોપ મૂક્યો છે. હેમરાજનું માનવું છે કે વસુંધરાના કારણે તેમની ટિકિટ કપાઈ હોવાથી તે હવે તેમના પુત્ર દુષ્યંત સિંહ પર આક્ષેપ કરી રહ્યા છે. સીપી જોશીએ 'રિસોર્ટ પોલિટિક્સનો' ઈનકાર કર્યો છે. વસુંધરા રાજેએ પણ અમિત શાહ સમક્ષ આ અંગે ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે પોતે પક્ષનાં શિસ્તબદ્ધ કાર્યકર છે અને પક્ષની લાઈનથી ક્યારેય બહાર નહીં જાય.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપની સંસદીય પક્ષની બેઠક મળશે, જેમાં ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીનું નામ નિશ્ચિત થશે. આ બેઠકમાં રાજ્યોના નિરીક્ષકોની નિમણૂક થશે, જેઓ ત્રણેય રાજ્યોમાં પક્ષના વરિષ્ઠ ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓનો મત મેળવશે. ત્યાર પછી વિધાનસભા પક્ષની બેઠકમાં નેતાની પસંદગી થશે. રાજ્યોમાંથી ફીડબેક મળ્યા પછી ભાજપ હાઈકમાન્ડ સીએમપદ માટે એક નામ પર અંતિમ મહોર મારશે.


Google NewsGoogle News