Get The App

એક વર્ષમાં ભાજપને રૂ. 1300 કરોડ, કોંગ્રેસને માત્ર રૂ. 171 કરોડની કમાણી

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
એક વર્ષમાં ભાજપને રૂ. 1300 કરોડ, કોંગ્રેસને માત્ર રૂ. 171 કરોડની કમાણી 1 - image


- લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી બોન્ડે ભાજપની તિજોરી છલકાવી

- ભાજપને 2022-23માં કુલ દાન રૂ. 2361 કરોડ, જેમાં રૂ. 648 કરોડ અન્ય સ્રોતોથી મળ્યું, ખર્ચ રૂ. 1361 કરોડ થયો

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીનું આયોજનને એપ્રિલ-મેમાં થવાની સંભાવના છે ત્યારે ચૂંટણી બોન્ડે ભાજપની ઝોળી ભરી દીધી છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ચૂંટણી બોન્ડ મારફત ભાજપને અંદાજે રૂ. ૧૩૦૦ કરોડની કમાણી થઈ છે. બીજીબાજુ આ જ સમયમાં કોંગ્રેસને ચૂંટણી બોન્ડ મારફત ભાજપની સરખામણીમાં સાત ગણી ઓછી રકમ માત્ર રૂ. ૧૭૧ કરોડની કમાણી થઈ છે.

ભાજપને ૨૦૨૨-૨૩માં મળેલું  કુલ દાન ૨૩ ટકા વધીને લગભગ રૂ. ૨,૩૬૧ કરોડ થઈ ગયું છે. તેનો અર્થ એ છે કે પક્ષને અગાઉના વર્ષની સરખામણીમાં રૂ. ૪૪૪ કરોડ વધુ મળ્યા છે. આ નાણાંમાંથી ૫૪ ટકા હિસ્સો એટલે કે રૂ. ૧૨૯૪ કરોડ ચૂંટણી બોન્ડ મારફત મળ્યો છે. બીજીબાજુ પક્ષનો ખર્ચ પણ ૫૯ ટકા વધીને રૂ. ૧૩૬૧ કરોડ થઈ ગયો છે, જે અગાઉના વર્ષે રૂ. ૮૫૪ કરોડ હતો.

ચૂંટણી પંચે જાહેર કરેલા ૨૦૨૨-૨૩ના વાર્ષિક ઓડિટ રિપોર્ટ મુજબ ભાજપને ચૂંટણી બોન્ડથી રૂ. ૧૨૯૪ કરોડ મળ્યા, જે અગાઉના વર્ષના રૂ. ૧૦૩૩.૭ કરોડથી ૨૫ ટકા વધુ છે. વ્યક્તિઓ, કંપનીઓ અને ચૂંટણી ટ્રસ્ટોના દાન સહિત અન્ય સ્રોતોથી પક્ષને મળેલું દાન કુલ ૬૪૮ કરોડ રૂપિયા રહ્યું, જે અગાઉના વર્ષના રૂ. ૭૨૧.૭ કરોડ કરતાં ઓછું છે.

વધુમાં આજીવન સહયોગ ભંડોળથી મળનારું દાન અગાઉના વર્ષે ૧૯.૯ કરોડથી વધીને ૨૦૨૨-૨૩માં રૂ. ૧૭૭.૨ કરોડ થઈ ગયું છે. વર્ષ ૨૦૨૨-૨૩માં બેન્કોમાંથી વ્યાજ સ્વરૂપે ભાજપને રૂ. ૨૩૭.૩ કરોડની આવક થઈ હતી, જે અગાઉના વર્ષે રૂ. ૧૩૩.૩ કરોડ કરતાં વધુ હતી. વર્ષ ૨૦૨૨-૨૩માં પક્ષનો ૮૦ ટકા ખર્ચ ચૂંટણી અને સામાન્ય પ્રચાર પાછળ થયો હતો. એટલે કે રૂ. ૧,૦૯૨ કરોડ કરતાં વધુ ખર્ચ કરાયો જ્યારે ૨૦૨૧-૨૨માં રૂ. ૬૪૫.૮ કરોડનો ખર્ચ કરાયો હતો, જેમાં જાહેરાત અને પ્રચાર પાછળ રૂ. ૮૪૪ કરોડ અને પ્રવાસ પાછળ રૂ. ૧૩૨ કરોડનો ખર્ચ કરાયો.

ભાજપની સરખામણીમાં વર્ષ ૨૦૨૨-૨૩માં કોંગ્રેસને મળેલા કુલ દાનની રકમ ઘટીને રૂ. ૫૪૧ કરોડ થઈ હતી જ્યારે તેનો ખર્ચ એક વર્ષ પહેલાના રૂ. ૪૦૦ કરોડથી વધીને રૂ. ૪૬૭ કરોડ થયો હતો. ૨૦૨૨-૨૩માં ચૂંટણી બોન્ડના માધ્યમથી તેને મળનારા દાનની આવક ઘટીને રૂ. ૧૭૧ કરોડ થઈ ગઈ હતી, જે કુલ દાનના ૬૩ ટકા અને કુલ આવકના ૩૮ ટકા છે, જે ૨૦૨૧-૨૨માં રૂ. ૨૩૬ કરોડ હતી.  દરમિયાન રાજ્ય સ્તરના પક્ષોમાં સમાજવાદી પક્ષને વર્ષ ૨૦૨૧-૨૨માં ચૂંટણી બોન્ડ મારફત રૂ. ૩.૨ કરોડ મળ્યા હતા જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં પક્ષને કોઈ યોગદાન મળ્યું નહોતું. દક્ષિણ ભારતના પક્ષ ટીડીપીને ૨૦૨૨-૨૩માં ચૂંટણી બોન્ડ મારફત રૂ. ૩૪ કરોડ મળ્યા હતા, જે અગાઉના નાણાકીય વર્ષ કરતાં ૧૦ ગણા વધુ છે. અન્ય પક્ષો દ્વારા દાખલ ૨૦૨૨-૨૩ના ઓડિટ રિપોર્ટ મુજબ સીપીએમને કુલ રૂ. ૧૪૧.૬ કરોડ, આપને રૂ. ૮૫.૧ કરોડ, બસપાને રૂ. ૨૯.૨ કરોડ અને એનપીપીને રૂ. ૭.૫ કરોડનું દાન મળ્યું હતું.


Google NewsGoogle News