NEET પેપર લિક કેસમાં મોટા સમાચાર, જ્યાં આરોપીને જવાબો ગોખાવ્યા હતા તે બંગલૉ મળી ગયો
NEET Paper Leak Scam: નીટ પેપર લીક કૌભાંડમાં નવા સમાચાર સામે આવી રહ્યા છે. બિહાર પોલીસની આર્થિક ગુના શાખા (EOU- ઈકોનોમિક ઓફેન્સ યુનિટ)એ પેપર લીક બાબતે જે ઉમેદવારની ધરપકડ કરી હતી, તેના નામ પર NHAIના બંગલૉમાં એક રૂમ બુક કરવામાં આવ્યો હતો. આ જગ્યાએ 'સેફ હાઉસ'માં ઉમેદવારોને નીટના પ્રશ્નપત્ર સાથે બધા જવાબો આપવામાં આવ્યા હતા.
NHAIના બંગલૉમાં બધા જવાબો આપ્યા હતા
NHAIના બંગલૉના એન્ટ્રી રજિસ્ટરમાં અનુરાગ યાદવ નામના વ્યક્તિનું નામ બહાર આવ્યું છે. અનુરાગ યાદવ નીટ પેપર લીક કૌભાંડના મુખ્ય આરોપી જુનિયર એન્જિનિયર સિકંદર પ્રસાદ યાદવેન્દુનો સંબંધી છે, એને તે નીટનો ઉમેદવાર પણ છે. આરોપી સિકંદર પ્રસાદે આ બંગલૉમાં જ અનુરાગ સહિત અનેક લોકોની રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી. અહીંથી 30થી વધારે ઉમેદવારોને 'સેફ હાઉસ'માં લઇ જવાયા હતા.
નીટના એક દિવસ પહેલા 'સેફ હાઉસ'માં ગોખણપટ્ટી
બિહાર પોલીસની તપાસ દરમિયાન 9 ઉમેદવારોને (બિહારના સાત અને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી એક-એક) નોટિસ આપી છે. એવી શંકા છે કે આ 9 ઉમેદવારોની સાથે બિહારના અન્ય ચાર ઉમેદવારોને નીટના એક દિવસ પહેલા પટના શહેરની બાજુમાં તૈયાર કરેલ 'સેફ હાઉસ'માં પ્રશ્નપત્રો મળી ચૂક્યા હતા અને જવાબો પણ અપાયા હતા.
જુનિયર એન્જિનિયર સિકંદર પ્રસાદે ઘડ્યું હતું કાવતરું
પોલીસે સૌપ્રથમ પ્રાથમિક માહિતીને આધારે સિકંદરની ધરપકડ કરી હતી. આરોપીઓએ પહેલેથી જ ઘણાં સેન્ટરો ઉપર પેપર સોલ્વરને બેસાડ્યા હતા. જેમની પહેલેથી જ પ્રશ્નપત્ર મળી ગયું હતું. શાસ્ત્રીનગર પોલીસે એન્જિનિયર યાદવેન્દુને અખિલેશ અને બીટ્ટુ સાથે બેલ રોડ પર આવેલ રાજવંશી નગર પાસે પકડ્યા હતા. અત્યાર સુધી થયેલી તપાસ અનુસાર જુનિયર એન્જિનિયર સિકંદર પ્રસાદ યાદવેન્દુ પેપર લીક કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. તેની પાસે નીટ પરીક્ષાના પ્રવેશ પત્રો મળ્યા હતા. યાદવેન્દુએ આપેલ જાણકારીના આધાર પર આયુષ, અમિત અને નીતિશની પણ ધરપકડ કરવામાં આવી હતી. બીજા એક આરોપી સંજીવ સિંહની ધરપકડ બિહારના નાલંદામાંથી કરવામાં આવી હતી.
નીટ પેપર લીક કૌભાંડની તપાસમાં જૂના ચેક મળ્યા, 13 ધરપકડ
પોલીસ ઉપ મહાનિરીક્ષક માનવજીત સિંહ ઢીલ્લોને જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન 6 જુના ચેક મળ્યા હતા. જે પુરાવા તરીકે રજૂ કરાયા હતા. પોલીસ સંબંધિત બેંકોમાંથી ખાતાધારકોની માહિતી એકત્ર કરી રહી છે. નીટ પેપર લીક કૌભાંડમાં ચાર ઉમેદવાર અને તેમનાં પરિવારના સભ્ય સહિત 13 લોકોની અટકાયત કરી છે. બધા આરોપી બિહારના રહેવાસી છે.
નીટ-યુજી 2024નું પરિણામ 4 જૂને જાહેર થયું હતું. પરિણામમાં છબરડાંના આરોપ લાગ્યા હતા. ત્યારબાદ ઉમેદવારોના એક સમૂહે સુપ્રીમ કોર્ટમાં પરીક્ષા ફરીથી લેવાની અરજી કરી હતી. પેપર લીક અને પરીક્ષા રદ કરવાની માંગ કરતી અરજીઓની સુનાવણી 8મી જુલાઈએ થશે.