મ.પ્રદેશના છતરપુરમાં પથ્થરમારાના આરોપીની રૂ. 10 કરોડની ભવ્ય હવેલી તોડી પડાઈ
- મહારાષ્ટ્રમાં ટીપ્પણી બદલ છતરપુર પોલીસ સ્ટેશન પર પથ્થરમારાનો આરોપ
- કોંગ્રેસ કોર્પોરેટરના ભાઈ શહજાદની સાત વર્ષથી બનતી 'સનમ બેવફા' જેવી હવેલી પર બુલડોઝર ફર્યું, ગૃહપ્રવેશ પણ બાકી હતો
ભોપાલ : મધ્ય પ્રદેશના છતરપુરમાં પથ્થરમારા અને તોફાનના કિસ્સામાં પોલીસ-તંત્રે મુખ્ય આરોપી તથા કોંગ્રેસના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ હાજી શહજાદ અલીની ભવ્ય હવેલી તોડી પાડી હતી. તંત્રનો દાવો છે કે અંદેજ ૨૦,૦૦૦ ચો. ફૂટમાં બનાવાયેલી હવેલી કોઈપણ મંજૂરી વિના બનાવાઈ હતી. બોલિવૂડ ફિલ્મ 'સનમ બેવફા'ની હવેલીની જેમ શહજાદે આ હવેલી બનાવવા રૂ. ૧૦ કરોડ ખર્ચ્યા હતા. વર્ષ ૨૦૧૭થી આ હવેલીનું નિર્માણ થઈ રહ્યું હતું. હવેલી બન્યા પછી તેમણે હજુ ગૃહપ્રવેશ પણ નહોતો કર્યો અને તેને તોડી પડાઈ.
સરકારી તંત્રે નવનિર્મિત હવેલીની બાજુમાં શહજાદના વધુ એક મકાન સહિત તેના કોર્પોરેટ ભાઈ આઝાદ અલીનું મકાન પણ તોડી પાડયું હતું. આ કાર્યવાહી દરમિયાન ઘરમાં રખાયેલી ત્રણ મોંઘી કાર, બે સ્કૂટી અને બે બાઈક પણ બુલડોઝરે તોડી પાડયા હતા.
મહારાષ્ટ્રમાં સંત રામગિરી મહારાજ અંગે વાંધાજનક ટીપ્પણી કરાયા પછી બુધવારે મુસ્લિમ સમાજના લોકો મેમોરેન્ડમ આપવા છતરપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ સમયે કોંગ્રેસના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ હાજી શહજાદ અલી અને તેના ભાઈ નગર પાલિકા કોર્પોરેટર આઝાદ અલીના નેતૃત્વમાં ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં પોલીસ સ્ટેશન ઈન-ચાર્જ અરવિંદ કુજૂર સહિત બે પોલીસ કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી. એફઆઈઆરમાં મુખ્ય આરોપી શહજાદના પુત્ર સોનુ ખાન અને મોનુ ખાન સહિત આઝાદના પુત્ર ઈનાયત ખાનનું નામ પણ સામેલ છે.
છત્તરપુર પોલીસ તંત્રે આ ઘટનામાં મુખ્ય ભૂમિકા ભજવનારા કોંગ્રેસના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ હાજી શહજાદ અલી અને તેમના ભાઈ કોંગ્રેસ કોર્પોરેટર આઝાદ અલીની ૨૦,૦૦૦ ચો. ફૂટમાં મંજૂરી વિના બનાવાયેલી હવેલી ચાર બુલડોઝરથી ૬ કલાકમાં તોડી પાડી. હવેલીની કિંમત રૂ. ૧૦ કરોડ હોવાનું માનવામાં આવે છે.
સૂત્રો દ્વારા દાવો કરાયો છે કે બોલિવૂડ ફિલ્મ સનમ બેવફામાં દર્શાવાયેલી હવેલીથી પ્રભાવિત થઈને શહજાદ અલિએ તેની ગેરકાયદે કમાણીથી આ હવેલી બનાવી હતી. જોકે, તેઓ નજીકમાં જ વારસાગત મકાનમાં રહેતા હતા અને ટૂંક સમયમાં હવેલીમાં ગૃહપ્રવેશ કરવાના હતા. દાવો કરાયો છે કે વર્ષ ૨૦૧૭થી આ હવેલીનું નિર્માણ થઈ રહ્યું હતું. જિલ્લા અધિકારીએ કહ્યું કે, બુલડોઝર ચલાવતા પહેલા નગર પાલિકાએ તેની માહિતી સંબંધિત વ્યક્તિને આપી દીધી હતી અને બે કલાકની અંદર ઘર ખાલી કરવા આદેશ આપ્યો હતો. પરંતુ કોઈએ સામાન હટાવ્યો નહોતો. તેથી તંત્રની ટીમે સામાન સહિત આખું ઘર તોડી પાડયું હતું.