ભારતીય સૈન્યમાં હવે મેરિટના આધારે પ્રમોશન, નીતિ બદલાઈ, પરંતુ એક મુદ્દે સ્પષ્ટતા ન કરાતાં મુંઝવણ
Image: Facebook
Indian Army: ભારતીય સેનાએ પોતાના અધિકારીઓ માટે પ્રમોશનની વ્યવસ્થામાં અમુક ફેરફાર કર્યાં છે. હવે તમામ લેફ્ટિનેન્ટ જનરલોનું તેમના પ્રદર્શનના આધારે જ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ નવી સિસ્ટમ 31 માર્ચથી લાગુ થશે અને તેનો હેતુ મેરિટના આધારે પસંદગીને પ્રોત્સાહન આપવાનો છે. આ નવી વ્યવસ્થા ભારતીય સેનાને એકીકૃત થિયેટર કમાન્ડ્સમાં સેવા આપનાર લેફ્ટિનેન્ટ જનરલોની પસંદગીમાં મદદ કરશે.
આ નવી નીતિ લેફ્ટિનેન્ટ જનરલો માટે સુધારેલ વાર્ષિક ગોપનીય અહેવાલ (ACR) ફોર્મ હેઠળ લાગુ કરવામાં આવશે. આ નવી નીતિ સેનાના 6 ઓપરેશનલ કમાન્ડ્સ અને એક ટ્રેનિંગ કમાન્ડના વાઈસ ચીફ અને કમાન્ડર ઈન ચીફ પર લાગુ થશે નહીં. તમને જણાવી દઈએ કે આવા આઠ અધિકારી છે જે લેફ્ટિનેન્ટ જનરલ છે પરંતુ તે અન્ય થ્રી-સ્ટાર જનરલોથી એક સ્થાને ઉપર છે. ભારતીય સેનામાં લગભગ 11 લાખ સૈનિક છે. સેનામાં 90થી વધુ લેફ્ટિનેન્ટ જનરલ, 300 મેજર જનરલ અને 1,200 બ્રિગેડિયર છે.
નવી નીતિ ભારતીય સેનાને ભારતીય વાયુસેના (IAF) અને ભારતીય નૌસેનાથી બરાબરી માટે તૈયાર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી લેફ્ટિનેન્ટ જનરલો માટે કોઈ ACR સિસ્ટમ નહોતી. હવે તેમને જુદા-જુદા ગુણોના આધારે 1થી 9 સુધીના સ્થાને રેટિંગ આપવામાં આવશે. તેમનું પ્રમોશન માત્ર વરિષ્ઠતા પર નિર્ભર હશે નહીં પરંતુ પ્રદર્શનના આધારે થશે. થિયેટર કમાન્ડ્સના નિર્માણના કારણે સેનાના ઉચ્ચ પદો પર તમામ ત્રણેય સેવાઓ માટે એક સમાન મૂલ્યાંકન સિસ્ટમની જરૂર હતી.
સેના હેડક્વાર્ટરના પત્રમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આ નીતિ વાઈસ ચીફ અને સેનાના સાત કમાન્ડર-ઈન-ચીફની પસંદગી પર પણ લાગુ થશે કે નહીં. વર્તમાન સેના નીતિ અનુસાર કમાન્ડર-ઈન-ચીફના પદ પર પ્રમોશન સંપૂર્ણરીતે વરિષ્ઠતા પર નિર્ભર કરે છે. જેમાં જન્મ તારીખ અને ઉપલબ્ધ પદોનું પણ ધ્યાન રાખવામાં આવે છે. એક લેફ્ટિનેન્ટ જનરલ જેણે સેનાના 14 કોર માંથી એકનું નેતૃત્વ કર્યું હોય તેની સેવા 18 મહિના બાકી હોય જેથી તેને કમાન્ડર-ઈન-ચીફ તરીકે પ્રમોટ કરવામાં આવી શકે.
નવી નીતિને લઈને અમુક અધિકારીઓ દ્વારા વિરોધ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'ખૂબ ઓછા અધિકારી સેનાના આકરા માળખામાં દરેક તબક્કામાં મેરિટના આધારે નક્કી થાય છે અને થ્રી સ્ટાર જનરલ બને છે. લેફ્ટિનેન્ટ જનરલના પદ બાદ કમાન્ડર-ઈન-ચીફ પદ પર પ્રમોશન વરિષ્ઠતા પર નિર્ભર હતું. આ સ્તર પર મેરિટને સામેલ કરવાથી હસ્તક્ષેપની શક્યતા વધી શકે છે ભલે તે રાજકીય હોય કે કંઈ અન્ય.'
આ નીતિ એવા સમયે લાગુ કરવામાં આવી રહી છે જ્યારે ભારતે ચીન, પાકિસ્તાન અને ભારતીય મહાસાગર વિસ્તાર માટે ત્રણ થિયેટર કમાન્ડ્સ માટે બ્લૂપ્રિન્ટને અંતિમ રૂપ આપ્યું છે.